Business

કાયદાકીય આંટીઘૂટીને સામાન્ય માણસ માટે કેવી રીતે સરળ બનાવવી તે શીખો અંકિત શાહ પાસેથી

હાલમાં ભારતમાં લગભગ 4.7 કરોડ જેટલા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેમાંથી લગભગ 12.5 % જેટલા કેસો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટ કેસમાં આટલા બધા કેસોના ભરાવા પાછળ વિવિધ કારણો છે. લોકોને એવું છે કે ભારતમાં જ આટલા બધા કેસો પેન્ડિંગ છે, એવું નથી US અને UKમાં તો આપણા કરતાં પણ અઘરી પરિસ્થતિ છે. ત્યાં કોર્ટની પહેલી હિઅરીંગમાં જ લગભગ 6 મહિના થતા હોય છે. સામાન્ય માનવીનો કોર્ટમાં કેસ વર્ષો સુધી ચાલતો હોય ત્યારે તેની દશા બહુ ખરાબ થઇ જાય છે. હાલની સરકાર અને સુપ્રીમ કોર્ટ પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ થાય તે માટે ઘણી જ પ્રયત્નશીલ છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ ન્યાય માટે કોર્ટમાં જવાનું નક્કી કરે ત્યારે તેણે એડવોકેટ પર બહુ આધાર રાખવો પડતો હોય છે. વકીલ કાયદાકીય આંટીઘૂંટીનો જાણકાર હોય છે અને તેની પ્રથમ ફરજ હોય છે કે પોતાના અસીલને જલ્દીથી જલ્દી ન્યાય મળે પરંતુ કેટલીક વખત જાણે અથવા તો અજાણે વકીલ કાયદાકીય અપડેટ ન હોવાના કારણે કેટલીક બાબતો કોર્ટમાં નથી રજૂ કરી શકતા અને અંતે તો તેમના અસીલને ભોગવવું પડતું હોય છે.

અંકિત શાહ  યુવાન એડવોકેટ છે, લંડનમાં કાયદાનો અભ્યાસ કરી, ત્યાં થોડો વખત કામ કરી તેઓ હાલમાં ભારતમાં પ્રેક્ટીસ કરી રહ્યા છે. ભારતીય કાયદાઓ અને અસીલને મહત્તમ લાભ કેવી રીતે મળે તે માટે તેઓ હંમેશાં અનોખી વિચારધારા ધરાવે છે. અંકિત શાહ હાલમાં ભારત સરકારના સીનિયર સ્ટેન્ડિંગ કાઉન્સિલ છે. અંકિત શાહનું ફેમિલી વર્ષોથી કાયદા જોડે સંકળાયેલું છે. અંકિત શાહ સાતમી પેઢીના એડવોકેટ છે. શાહ એન્ડ એસોસિયેટસના લીડર તરીકે અંકિત શાહનું નામ કાયદાકીય ક્ષેત્રે ખૂબ જ જાણીતું છે.  અંકિતભાઈના શબ્દોમાં સફળ વકીલ થવા માટે ફક્ત કાયદાકીય જ્ઞાન મહત્ત્વનું નથી પરંતુ દરેક વકીલ પાસે દરેક ઇન્સ્ટ્રીઝ અને જનરલ નોલેજની પૂરતી માહિતી હોવી જરૂરી છે. જો વકીલ પાસે જરૂરી માહિતી અને જ્ઞાન નહિ હોય તો કલાયંટનો કેસ સમજવામાં તેને ખૂબ જ મુશ્કેલી પડશે. વધુમાં જ્યારે વકીલ તેના અસીલ વતી કોર્ટમાં કેસ લડતો હોય ત્યારે જો અધૂરી અને ઓછી વિગતો સાથે દલીલ કરશે તો સફળતાના ચાન્સીસ ખૂબ ઓછા રહેશે અને અંતે તો અસીલને જ ભોગવવું પડતું હોય છે.

કોર્ટમાં વધી રહેલા કેસની વાત કરતા અંકિત શાહે જણાવ્યું કે ભારતમાં પહેલાં જિલ્લા કક્ષાએ કોર્ટ હતી પરંતુ હવે દરેક તાલુકાએ એક કોર્ટ છે. કોર્ટોની સંખ્યા વધી રહી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ કોર્ટમાં આધુનિક સાધનો વધી રહ્યા છે. સામાન્ય માનવી પણ  ઓનલાઈન બધી માહિતી મેળવી શકે તે માત્રે કોર્ટ પ્રયત્નશીલ છે. કોર્ટમાં જાવ તે પહેલાં જો સમાધાનથી પતતું હોય તો પતાવવું તેવો અંકિતભાઈનો આગ્રહ છે. તેમણે  મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે કોઈ પણ સમાધાન બધા પક્ષોના હિતમાં જ હોય છે અને તેનાથી કોર્ટનું પણ ભારણ ઘટશે. સામાન્ય વ્યક્તિ જયારે કોઈક મુદ્દાને અથવા તો વિખવાદને લીધે કોર્ટમાં જવાનું નક્કી કરે ત્યારે અંકિતભાઈએ ખૂબ મહત્ત્વની સલાહ આપી છે.

તેમણે કહ્યું કે અસીલે હંમેશાં કોમનસેન્સનો ઉપયોગ કરી દરેક કાયદાકીય બાબતોને સમજવાનો પ્રયત્ન કરવો. અસીલે દરેક મુદતમાં હાજર રહેવું અને દરેક પગલાંની વધુમાં વધુ જાણકારી મેળવવી. જો અસીલ વકીલ જોડે સતત સંપર્કમાં રહેશે તો તેનો કેસ જલ્દી પતવાના ચાન્સીસ હોય છે. અંકિત શાહના શબ્દોમાં કોઈ કાયદાકીય પ્રક્રિયા જટિલ હોતી નથી ફક્ત જરૂર છે યોગ્ય ડિટેલિંગની. અંકિત શાહના પોઝિટિવ વિચારો કોર્ટ અને અસીલ બન્નેને ફાયદો થાય તે માટેના છે. અંકિત શાહનું કહેવું છે કાયદાકીય પ્રક્રિયાને એક વિશેષ નજરે અને સમાધાનકારી બાબત તરફ વાળી શકાય તો આપણે એક નવા સમાજનું નિર્માણ કરી શકીશું.                     

એડવોકેટ અંકિત શાહ પાસેથી શીખવા જેવી ટિપ્સ
એક અસીલ તરીકે હંમેશાં કોમનસેન્સનો ઉપયોગ કરવો
જયારે તમે કેસ દાખલ કરવા ઇચ્છતા હો ત્યારે એ પહેલાં દરેક બાબતનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો
કોર્ટમાં કેસ દાખલ કરતા જો સમાધાન થતું હોય તો એ પહેલો પ્રયાસ કરવો
કોર્ટ પણ આખરે એક માનવી ચલાવે છે તો કોર્ટની કોઈ પણ વાતને પોઝટિવ એન્ગલથી જોવી. 
ubhavesh@hotmail.com

Most Popular

To Top