ગાંધીનગર: મંગળવારે ગાંધીનગરમાં (Gandhinagar) સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આરોગ્ય વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રજાજનોને આરોગ્ય સવલતોનો વધુ ને વધુ લાભ મળે એ માટે આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય સ્તરે મળતી આરોગ્ય સવલતોનો વ્યાપ વધુ ને વધુ વધારવામાં આવશે.
પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની અવિરત વિકાસયાત્રાને વધુ ને વધુ વેગવાન બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં નવા વિઝન-ડોક્યુમેન્ટેશન સાથે એક્શન પ્લાન બનાવીને કામગીરી હાથ ધરાશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યની સિવિલ હોસ્પિટલો, જિલ્લા કક્ષાની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો ખાતે પૂરતા માનવબળ સહિત આનુષાંગિક સાધનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાશે.
રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો વ્યાપ વધે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. જેના પરિણામે હાલ રાજ્યમાં તબીબી શિક્ષણ માટે ૬૭૦૦થી વધુ બેઠક ઉપલબ્ધ છે. ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠકોમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેના લીધે સુપર સ્પેશિયાલિટી સારવારમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશિયાલિટી સારવાર વધુ ને વધુ ઉપલબ્ધ બને એ આશયથી રાજ્ય સરકાર દ્વારા માસ્ટર પ્લાન બનાવીને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઇ છે અને એ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.