બારડોલી: (Bardoli) આગામી 14 થી 16 ડિસેમ્બર દરમ્યાન સુરત જિલ્લામાં (Surat District) કમોસમી વરસાદ (Rain) થવાની આગાહી ગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા કરવામાં આવતા ખેડૂતોની (Farmers) ચિંતા વધી ગઈ જવા પામી છે. બીજી તરફ મંગળવારે સાંજના સમયે સુરત શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે પણ સમગ્ર દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ત્યારે સાંજે આકાશમાં વાદળો (Clouds) ઘેરાઈ આવતા થોડી ઠંડક વર્તાઈ હતી.
આ તરફ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓને લઈ સુરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા ખેડૂતોને તકેદારી રાખવા માટે કેટલાક સૂચનો પણ જારી કરવામાં આવ્યા છે. માંડવી અને માંગરોળ તાલુકાને બાદ કરતાં લગભગ તમામ તાલુકાઓમાં 5 થી 12 મીમી જેટલો વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી 18મી ડિસેમ્બર સુધીના જાહેર કરવામાં આવેલા હવામાન બુલેટિનમાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લામાં પાંચ દિવસો દરમ્યાન આકાશ આંશિક અથવા સંપૂર્ણપણે વાદળછાયુંં રહે તેવી સંભાવના છે. ઉપરાંત 14 થી 16મી ડિસેમ્બર દરમ્યાન મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
માંડવી અને માંગરોળ તાલુકાને બાદ કરતાં લગભગ તમામ તાલુકાઓમાં 5 થી 12 મીમી જેટલો વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દિવસો દરમ્યાન મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20થી 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત સરેરાશ 5 થી 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વના પવનો ફૂંકવાની શકયતાઓ છે.
કમોસમી વરસાદને લઈ સુરત જિલ્લાના ખેડૂતોએ આ તકેદારી રાખવી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ (DAMU) દ્વારા જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની આગાહીને કારણે પાકને અને ખેતીના માલને વરસાદથી નુકસાની ના થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી. હાલમાં રોપણી કરેલ પાકોમાં વરસાદની શકયતાને ધ્યાનમાં રાખી ૨ દિવસ પિયત મુલતવી રાખવું અને વરસાદ બાદ જરૂરિયાત મુજબ પિયત આપવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત વરસાદ પછી જો શાકભાજી પાકો પાણીમાં ડૂબ્યાં હોય તો ખેડૂતોને ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનસ ૧ લિટર/ ૧ એકર આપવાની ભલામણ કરવામાં આવે છે.