નવસારી: (Navsari) નવસારીમાં બે અલગ-અલગ જગ્યાએ ચોરીની (Theft) ઘટનાઓ બનતા પોલીસ દોડતી થઇ હતી. એક બી.આર. ફર્મમાં યોજાયેલા લગ્ન (Marriage) પ્રસંગમાં મહેમાન બનીને ગયેલા ચોરોએ દાગીના અને રોકડા ભરેલું બેગ ચોરી ગયા હતા. જ્યારે નવસારીની શ્રીરામ ડેરીમાં ચોરો રોકડા રૂપિયા ચોરી કરી ગયા હતા. આ બંને ઘટનાના ચોરો સીસીટીવી કેમેરામાં (CCTV Camera) કેદ થતા પોલીસે તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
- નવસારીના લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને ગયેલા તસ્કરો દાગીના અને રોકડ ભરેલું બેગ ચોરી ગયા
- નવસારીની ચોરીના બીજા બનાવમાં શ્રીરામ ડેરીમાં તસ્કરો રોકડા રૂપિયા ચોરી કરી ગયા
- બંને ઘટનાના તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી
- ઠંડીમાં ચોરીને અંજામ આપી લોકોની તેમજ પોલીસની ઠંડી ઉડાવી ઊંઘ બગાડતા તસ્કરો
મળતી માહિતી મુજબ, નવસારીમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. ચોરટાઓ ઠંડીમાં ચોરીને અંજામ આપી લોકોની તેમજ પોલીસની ઠંડી ઉડાવી ઊંઘ બગાડી રહ્યા છે. ચોરટાઓ નવસારીમાં બે અલગ-અલગ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. જેથી નવસારીમાં પાર્ટી પ્લોટ, વાડીઓ તેમજ વિવિધ જગ્યાએ લગ્ન પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. લગ્ન પ્રસંગમાં મહેમાનો હોવાથી ચોરટાઓ મહેમાન બની લગ્ન પ્રસંગમાં જતા રહે છે. નવસારી બી.આર. ફાર્મમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં ચોરટાઓ મહેમાન બની ઘુસી ગયા હતા. જ્યાં તેમણે મોકો જોઈ દાગીના અને રોકડા રૂપિયા ભરેલી બેગ સેરવી લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી આ બાબતે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળે છે.
તસ્કરોએ પહેલા ડેરીમાં લસ્સી પીધી ત્યારબાદ ચોરી કરી
બીજા બનાવમાં નવસારી જુનાથાણા પાસે શ્રીરામ ડેરી આવી છે. જ્યાં મોડી રાત્રે અજાણ્યો ચોરો શટર ખોલી દુકાનમાં ઘુસ્યા હતા. જ્યાં તે ચોરોએ પહેલા દુકાનમાં રાખેલી લસ્સી પીધી હતી. ત્યારબાદ તેમણે દુકાનના ગલ્લામાં મુકેલા રોકડા 10 હજાર રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યારે આ બાબતે દુકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ચોરટાઓનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.