Sports

પોર્ટુગલના ખેલાડીઓનો FIFA પર આરોપ: પહેલાથી નક્કી જ હતું તો આર્જેન્ટિનાને ટ્રોફી આપી દેવાની હતી

નવી દિલ્હી: કતારમાં (Katar) ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં (Football World Cup) શનિવારના રોજ પોર્ટુગલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. પોર્ટુગલની ટીમને અલ થુમામા સ્ટેડિયમ ખાતે મોરોક્કોએ 1-0થી હરાવ્યું હતું. આ જીત સાથે મોરક્કોની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત મોરોક્કો અંતિમ-4માં પહોંચનારી પ્રથમ ટીમ પણ બની હતી. આ હારથી પોર્ટુગલના ખેલાડીઓ નિરાશ છે. તેણે રેફરીંગને લઈને ફિફાની ટીકા પણ કરી છે. તેઓએ FIFA ઉપર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે જો પહેલાથી નક્કી જ હતું તો આર્જેન્ટિનાને જ ટ્રોફી આપી દેવાની હતી.

અનુભવી ડિફેન્ડર પેપે અને મિડફિલ્ડર બ્રુનો ફર્નાન્ડિસે મેચમાં આર્જેન્ટિનાના રેફરીને પુનઃસ્થાપિત કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. બંનેએ કહ્યું કે આર્જેન્ટિનાને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાનું ષડયંત્ર છે. પેપેએ પોર્ટુગીઝ ટેલિવિઝન પર કહ્યું હતું કે “અમારી મેચમાં આર્જેન્ટિનાના રેફરી હોય તે અસ્વીકાર્ય છે.” પેપેએ આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચનો ઉલ્લેખ કર્યો હતો. મેચ બાદ લિયોનેલ મેસીએ રેફરીની ટીકા કરી હતી.

ફેકુન્ડો ટેલોનો આ પહેલો વર્લ્ડ કપ છે. તેને 2019 માં FIFA રેફરી પેનલમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટેલોએ કતારમાં બે મેચ રેફર કરી છે. બ્રુનો ફર્નાન્ડિસે ફિફાની ટીકા કરતા કહ્યું કે, “અમે પહેલાથી જ જાણીએ છીએ કે અહીં વસ્તુઓ કેવી રીતે કામ કરે છે.” મેચ પહેલા પણ અમને ખ્યાલ હતો કે અમે કેવા રેફરીનો સામનો કરીશું. કમનસીબે પોર્ટુગલ પાસે આ સ્પર્ધા માટે રેફરી નથી. અહીં તે દેશોના રેફરી છે જે હજુ પણ ટુર્નામેન્ટમાં છે. દરેક વ્યક્તિ આર્જેન્ટિનાને ટ્રોફી આપવા માંગે છે. જો એવું છે, તો તેઓએ ટ્રોફી પહેલેથી જ આપી દેવી જોઈતી હતી.

જણાવી દઈએ કે મોરોક્કની ટીમે ફિફા વર્લ્ડ કપ 2022ની પોર્ટુગલ સામેની મેચમાં ઈતિહાસ રચ્યો હતો. સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ આફ્રિકન ટીમ બની છે. આ પહેલા કોઈ આફ્રિકન દેશ ફિફા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવ્યું હતું. આ હાર સાથે જ વર્લ્ડ કપમાં પોર્ટુગલ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું અભિયાન સમાપ્ત થઈ ગયું. મેચ બાદ રોનાલ્ડો રડતો જોવા મળ્યો હતો અને સ્ટેડિયમની બહાર નીકળી ગયો હતો.

Most Popular

To Top