નવી દિલ્હી: પંજાબના (Punjab) તરનતારનમાં સરહાલી (Sarhali) પોલીસ સ્ટેશન (Police Station) પર મોડી રાત્રે થયેલા RPG (Rocket Rropelled Grenade) હુમલા (Attack) કરવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય એજન્સી દ્વારા તપાસ કરતા આ હુમલામાં કોનો હાથ હોઈ શકે તે જાણી શકાય છે. એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલામાં ખાલિસ્તાની આતંકવાદીઓનો (Khalistani terrorist) હાથ છે.
મળતી માહિતી મુજબ આ હુમલો રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો. એવું કહેવાય છે કે પોલીસ સ્ટેશનની ઇમારતને નિશાન બનાવીને રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ હુમલામાં પોલીસ સ્ટેશનની ઇમારતને નજીવું નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કહેવા પર ખાલિસ્તાન તરફી આતંકવાદીઓએ પંજાબમાં સક્રિય તેમના સ્લીપર સેલ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે.
જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. તરનતારન સરહદને અડીને આવેલો હોવાથી તેને પંજાબનો અતિ સંવેદનશીલ જિલ્લો માનવામાં આવે છે. આ હુમલાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ હુમલો સરહાલીમાં કરવામાં આવ્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં કુખ્યાત ગેંગસ્ટર હરવિંદર સિંહ ઉર્ફે રિંડાનું પૈતૃક ઘર છે. જો કે સુત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે રિંડાનું મોત પાકિસ્તાનમાં જ થયું હતું. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI રિંડાના આતંકને જાળવી રાખવા માંગે છે. વાસ્તવમાં, કુખ્યાત આતંકવાદી રિંડા ખાલિસ્તાન સમર્થક હતો. તેથી તેનો ડર જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોહાલીમાં પણ હુમલો થયો હતો
આ પહેલા મોહાલીમાં પંજાબની ઈન્ટેલિજન્સ ઓફિસ પર પણ RPG હુમલો થયો હતો. હવે એ જ તર્જ પર તરનતારનના સરહાલીમાં પણ હુમલો થયો છે. હુમલા બાદ પંજાબની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. પંજાબના ડીજીપી સરહાલી જવા રવાના થઈ ગયા છે.
ભાજપે સીએમ માન પર નિશાન સાધ્યું
આ હુમલા બાદ બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ પંજાબની ભગવંત માન સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તરનતારનમાં અમૃતસર-ભટિંડા હાઈવે પર સ્થિત સરહાલીના પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના આદેશ પર ભગવંત માન ગુજરાત અને દિલ્હીમાં વ્યસ્ત છે. એ પણ કહ્યું કે સરકાર પંજાબમાં શાંતિ અને સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરે તેવી અપેક્ષા છે.
ગુપ્તચર એજન્સીઓએ પુષ્ટિ કરી છે
ગુપ્તચર એજન્સીઓએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીધો એટેક ન થવાથી અસર ઓછી થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતે મોહાલીમાં પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસમાં હુમલો થયો હતો, આ હુમલો પણ તેવો જ છે.
જણાવી દઈએ કે, આ વર્ષના મે મહિનામાં મોહાલીમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ વિંગના હેડક્વાર્ટર પર રોકેટ હુમલો થયો હતો. આ હુમલામાં મોહાલીના સેક્ટર 77માં ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર બિલ્ડિંગના એક ફ્લોરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, આ હુમલામાં પણ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. બાદમાં પોલીસે હુમલામાં સામેલ આતંકવાદીની ધરપકડ કરી હતી.