કામરેજ : સુરત (Surat) જિલ્લાના કામરેજના માંકણા ગામે સોસાયટીમાં અનાજ દળાવવા જતી માતા-પુત્રીની મોપેડ સોસાયટીમાં રહેતા ઈસમની સાથે અથડાઇ (Accident) હતી. જે બાબતે આ ઇસમે અન્ય સાથે મળીને માતા- પુત્રીના ઘરે આવીને લોખંડના પાઈપ, તલવાર, ચપ્પુથી પરિવારના પાંચ અન્ય સભ્યો પર હુમલો (Attack) કરી ઈજા ગ્રસ્ત કરી દીધાં હતાં.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના ડોળિયા ગામના વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકણા ગામે આવેલી શીવ ધારેશ્વર સોસાયટીમાં મકાન નં. 214માં રહેતા રમેશ ધુધાભાઇ નકુમ સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. બે દિવસ અગાઉ સાંજના સમયે તેમના વીજુબેન અને પુત્રી જલ્પા બાજુની સોસાયટીમાં મોપેડ નં. (જીજે- 05- એસબી-9747) લઈને અનાજ દળાવવા માટે જતા હતાં, તે સમયે સોસયટીમાં વળાંક પર સોસાયટીમાં મકાન નં.171માં રહેતા ભીખુભાઈ મથુરભાઈ જીંજાળાની મોટરસાઈકલ સાથે સામાન્ય ટકકર લાગતા બોલાચાલી થઇ હતી. તે દરમિયાન ભીખુભાઈની પત્નીએ વીજુબેનની સાડી ખેંચી પેટમાં માર્યું હતું.
આ વાતની જાણ રમેશભાઈના પુત્ર જેનીશએ પિતાને ફોન કરીને કરતા સુરતમાં કામ પરથી ઘરે જઈને સોસાયટીમાં રહેતા લોકોને લઈને ભીખુભાઈના ઘરે સમાધાન માટે ગયાં હતાં. બાદમાં ભીખુભાઈના બનેવી રમેશભાઈના ઘરે આવીને સમાધાન કરવું નથી તે દરમિયાન અચાનક ભીખુભાઈ તથા તેમની સાથે બીજા ચાર અજાણ્યા ઈસમ તલવાર, લાકડા, ચપ્પુ લઈને આવી રમેશભાઈના માથામાં તલવાર મારી દીધી હતી. ભીખુભાઈ સાથે આવેલા એક ઈસમે રમેશભાઈના કાકાના દિકરા દિલીપને જમણા હાથની વચ્ચેની આંગળી પર ચપ્પુનો ધા મારી દીધો હતો. સંબંધી જબરભાઈ છોડાવવા પડતા ભીખુભાઈ પાસે રહેલી તલવાર માથામાં મારી દીધી હતી.
નાનાભાઈ કનુને જમણા હાથના અંગુઠાના કાંડા પર લોખંડનો પાઈપ માર્યો તેની પત્ની શારદાબેનને પગના ભાગે છૂટો પથ્થર માર્યો હતો. આ ઘટના બનતા 108 માં સારવાર માટે ખોલવડની દિનબંધુ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. કામરેજ પોલીસ મથકમાં રમેશભાઈએ ભીખુભાઈ, તેમની પત્નિ અને તેમની સાથે આવેલા ચાર અજાણ્યા ઈસમ સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી હતી.