Business

ત્રિ-પાંખિયા જંગને કારણે નહી પણ મતદારોને વેવએ ભાજપને બેઠકોનો વિક્રમ કરી આપ્યો

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપે ફરી એક વાર ગુજરાતમાં નવો ઈતિહાસ સર્જ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરૂવારે જાહેર થયા અને ભાજપે તેમાં વિક્રમી રીતે 156 બેઠકો જીતી અથવા તો તેની પર લીડ મેળવી. ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં 1985માં કોંગ્રેસે સૌથી વધુ 149 બેઠકો જીતવાનો વિક્રમ કર્યો હતો. આ સમયે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કરાયેલી હત્યાને કારણે કોંગ્રેસને સહાનુભૂતિના વેવનો મોટો લાભ મળ્યો હતો. તે સમયે કોંગ્રેસને 55.55 ટકા મતો મળ્યા હતા. આ વખતે 2022માં ભાજપને એટલા ટકા મતો મળ્યા નથી પરંતુ ભાજપે 52.5 ટકા મત મેળવીને તમામ વિક્રમો તોડી નાખ્યા છે. ભાજપે એ રીતે વિક્રમો કર્યા છે કે સૌથી વધુ બેઠકો તો જીતી જ છે પરંતુ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સમય કોમ્યુનિસ્ટની સરકારનો વિક્રમ પણ તોડ્યો છે.

પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ 27 વર્ષ સુધી શાસન ચલાવ્યું હતું પરંતુ હવે ભાજપનું શાસન સતત ગુજરાતમાં 32 વર્ષ ચાલશે અને નવો વિક્રમ સર્જશે. આમ તો ચૂંટણી શરૂ થઈ ત્યારથી જ એવું મનાઈ રહ્યું હતું કે આ વખતે પણ ફરી ભાજપની જ સરકાર બનશે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપની જ સરકાર બતાવવામાં આવી રહી હતી. ત્રિ-પાંખિયા જંગને કારણે આવું થશે તેવા કારણો પણ રજૂ કરવામાં આવી રહ્યા હતા પરંતુ જે પરિણામો સામે આવ્યા છે તે જૂના ગણિતોને બાજુ પર મુકીને નવા અનેક સમીકરણોને ધ્યાને લેવા પડે તેવી સ્થિતિ સર્જી છે. આ વખતે ભલે ત્રિ-પાંખિયો જંગ હતો પરતુ તેનાથી પણ વધારે આ વખતે જાણે ભાજપને મત આપવા માટે મતદારોએ દોટ લગાવી હતી. આ વખતે મતદાન પણ ઓછું થયું પરંતુ જે મતદાન ઓછું થયું તેણે કોંગ્રેસનો કચ્ચરઘાણ કાઢ્યો. ભાજપનું મતદાન ઓછું થયું નથી અને ભાજપના તમામ ઉમેદવારોએ ભૂતકાળ કરતાં પણ વધારે લીડ મેળવી છે. જે ઓછા માર્જિનની સીટ હતી તેવી બેઠકો પણ ભાજપે જીતી લીધી છે.

એવું મનાતું હતું કે આપ કોંગ્રેસના મતો કાપશે પરંતુ અનેક સીટ પર એવું થયું છે કે આપ બીજા ક્રમે રહ્યું છે અને કોંગ્રેસે ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો છે. આટલું જ નહીં અનેક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ પણ ગુમાવી છે. ગત ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી અને આ વખતે સીધી 156 બેઠક પર પહોચી જતાં ભાજપને સીધો 57 બેઠકનો ફાયદો થયો છે. જ્યારે કોંગ્રેસ 16 બેઠક પર અટકી જતાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. આ વખતની ચૂંટણીમાં આપએ ઘણી હવા ઊભી કરી પરંતુ આપના ઉમેદવારો તેને મતમાં ફેરવી શક્યા નહીં.

ત્યાં સુધી કે આપના તમામ મોટા માથા જેમાં ગોપાલ ઈટાલિયાથી શરૂ કરીને છેક ઈશુદાન ગઢવી સુધીના નેતાઓનો સમાવેશ થતો હતો, તે તમામ નેતાઓ હારી ગયા છે. આપમાંથી જે ઉમેદવારો જીત્યા છે તે જીતશે તેવો કોઈને અંદાજ પણ આવ્યો નહોતો. આ વખતે મોંઘવારીથી માંડીને મોરબી બ્રિજ દુર્ઘટના અને કોરોનામાં થયેલી હેરાનગતિ સુધીના અનેક મુદ્દાઓ ચૂંટણીમાં રજૂ કરાયા હતા પરંતુ મતદારોએ પોતાનો ભરોસો ભાજપ પર મુક્યો છે. મતદારોએ એવું માન્યું કે ચૂંટાયા બાદ જો કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જ ભળી જવાના હોય તો તેના કરતાં ભાજપના જ ઉમેદવારોને ચૂંટી લાવવા વધુ સારા.

આ વખતની ચૂંટણીમાં મોદીનો મેજિક ફરી ચાલ્યો છે. ખુદ વડાપ્રધાન હોવા છતાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 30થી પણ વધુ ચૂંટણી સભાઓને સંબોધન કર્યું. સાથે સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મહેનત પણ રંગ લાવી છે. જ્યારથી સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી તેમણે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેનત શરૂ કરી દીધી હતી. બુથ કમિટીથી માંડીને પેજ પ્રમુખ સુધીના પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા હતા અને ભાજપની તરફેણમાં મતદાન માટે લાગી પડવાની પણ કહી દેવામાં આવ્યું હતું.

સીઆર પાટીલે સભાઓને ઓછી સંબોધી પરંતુ જ્યાં પણ સંગઠન સ્હેજ નબળું પડ્યું ત્યાં ત્યાં સીઆર પાટીલે જાતે દોડી જઈને આગેવાનોને સમજાવી દીધા. ભાજપે આ વખતે અનેક સીનિયરોની ટિકીટ પણ કાપી નાખી હતી. જેને કારણે રોષની લાગણી પણ હતી પરંતુ સીઆર પાટીલે જે આગેવાનો માન્યા તેમને સમજાવી લીધા અને જે નહીં માન્યા તેમને પડતા મુકીને પાર્ટીનું કામ આગળ વધાર્યું. આ ઉપરાંત ભાજપે કોરોના સમયમાં જે સરકાર હતી તેને જ બદલી નાખીને મતદારોનો કોરોના સમયનો રોષ ઘટાડી દીધો. સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ટ્યુનિંગ સારૂં રહ્યું. સંગઠન અને સરકાર એક જ દિશામાં ચાલ્યા અને તેનો સરવાળો વિક્રમી બેઠક સ્વરૂપનો રહ્યો.

આપના અરવિંદ કેજરીવાલે મફત આપવાની જાહેરાતો કરી પરંતુ ગુજરાતના મતદારોએ આ મફતની જાહેરાતોને પણ એટલી સ્વીકારી નહીં. ગુજરાતમાં આપ એટલું મજબુત હતું જ નહી અને તેનો ઉદ્દેશ ગુજરાતમાં માત્ર રાજકીય તોડફોડ જ કરવાનો હતો. આપે આ ચૂંટણીમાં કશું ગુમાવવાનું નહોતું. તેના માટે વકરો એટલો નફો જ હતો. આ ચૂંટણીમાં આપને જે રીતે 13 ટકાની આસપાસ મતો મળ્યા છે તેને આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં મદદ કરી છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી ભારે નાલેશીભરી રહી છે. કોંગ્રેસનો આટલો ખરાબ કરૂણ રકાસ આજ સુધીમાં ક્યારેય થયો નથી. કોંગ્રેસને ગત ચૂંટણીમાં 41 ટકાની આસપાસ મતો મળ્યા હતા.

આ વખતે તે ઘટીને 27 ટકાની આસપાસ આવી ગયા છે. સામે આપને 13 ટકાની આસપાસ મતો મળ્યા છે. આ જોતાં કોંગ્રેસ અને આપના મતો ભેગા કરવામાં આવે તો તે ગત વખતે કોંગ્રેસને મળેલા મતો જેટલા જ છે પરંતુ જે રીતે ભાજપે પોતાના મતો 3 ટકા વધાર્યા તેણે પરિણામોમાં મોટો ફેરફાર કરી દીધો. આ ચૂંટણીમાં કોંગ્રેસ વેરવિખેર જોવા મળી. કોંગ્રેસના તમામ મોટા નેતા પોતે ચૂંટણી લડવામાં વ્યસ્ત રહ્યા. ત્યાં સુધી કે કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ અન્ય બેઠકો પર ધ્યાન આપ્યું જ નહીં. જેણે કોંગ્રેસની ટિકીટો લીધી તેમાં અનેક ઉમેદવારો એવા હતા કે જેણે ચૂંટણી લડવા માટેના નાણાં ઘરભેગા કરવા માટે જ ટિકીટ લીધી હતી. અન્યોએ તો કોંગ્રેસના નાણાં ઘરભેગા કર્યા પરંતુ સાથે સાથે ભાજપ સાથે પણ સેટિંગ કરી લેતા ભાજપના ઉમેદવારોની લીડ ખૂબ વધી ગઈ. કોંગ્રેસે હવે જૂના નેતાઓને ઘર બેસાડી દઈ નવી પેઢીને તૈયાર કરવી પડશે.

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ભાજપ માટે ‘ન ભૂતો ન ભવિષ્યતી’ જેવી બની રહી. જ્યારે આપે જે કરવું હતું તે થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપ અને આપે મેળવ્યું જ છે. ગુમાવવાનું માત્ર કોંગ્રેસના જ ફાળે આવ્યું છે. કોંગ્રેસે માત્ર મનોમંથન કે આત્મમંથન નહીં પરંતુ નવું શરીર ધારણ કરવાની જરૂરીયાત છે. જો કોંગ્રેસ તેમ નહી કરે તો કોંગ્રેસમુક્ત દેશ થાય કે નહીં પરંતુ કોંગ્રેસમુક્ત ગુજરાત જરૂર થઈ જશે તે નક્કી છે.

Most Popular

To Top