સુરત: ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) સમગ્ર રાજ્યનું રાજકીય એપી સેન્ટર સુરત રહ્યું હતું. સુરતમાંથી (Surat) બે પક્ષના પક્ષપ્રમુખે રાજકીય ચોકઠાં ગોઠવ્યાં. જેમાં ભાજપમાંથી (BJP) સી.આર.પાટીલ (CR Patil) અને આપમાંથી (AAP) ગોપાલ ઈટાલિયાએ (Gopal Italiya) એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, કોંગ્રેસમાં (Congress) નિષ્ક્રિયતાનો માહોલ હતો. સૌરાષ્ટ્રવાસી (Saurashtra) વિસ્તારોની છ બેઠક પર એક તબક્કે પ્રચારમાં આપ હાવી થઇ રહ્યું હોવાનું જણાતાં જાહેર પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલાં ભાજપે હુકમનો એક્કો ઉતાર્યો.
અબ્રામામાં મોદીની (PMModi) સભા કરી મોદી પણ સ્થિતિની ગંભીરતા જોઇ સુરતમાં પ્રથમ વખત રાત્રિ રોકાણ સાથે 18 કલાક રોકાયા રોડ શો પણ કર્યો, બીજી બાજુ શહેર પ્રમુખ નિરંજન ઝાંજમેરાને બક્ષીપંચના સમાજો સાથે ગ્રુપ મીટિંગોની જવાબદારી અપાઇ. જેથી પાટીદાર મતોનું જે થોડું ઘણું ધ્રુવીકરણ થાય તેની સરભર થઇ શકે. ત્રીજી બાજુ શહેર સંગઠનના જુદા જુદા નેતાઓને પણ ડેમેજ કંટ્રોલ માટે સતત દોડાવાયા અને સરવાળે છેલ્લા 48 કલાકમાં મુખ્ય પડકાર તરીકે ઊભરેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રચારમાંથી પણ પકડ ગુમાવી દીધી હતી અને ભાજપે સતત ત્રીજી વખત સુરતની તમામ 12 બેઠક જીતી લેવાનો વિક્રમ કર્યો છે.
એટલું જ નહીં ફરી એકવાર સુરતમાં જ્ઞાતિવાદનું ફેક્ટર બેઅસર હોવાનું સાબિત થયું છે. સુરત પૂર્વમાં મુસ્લિમ સમાજના 90 હજાર મતને ધ્યાને રાખીને કોંગ્રેસે મુસ્લિમને ટિકિટ આપી અને ચોર્યાસી બેઠકમાં કોળી સમાજના મતોનું પ્રભુત્વ જોઇને આપ તેમજ કોંગ્રેસે કોળી સમાજને ટિકિટ આપી. જ્યારે ભાજપે અહીંથી અનાવિલ બ્રાહ્મણને ટિકિટ આપી, છતાં ભાજપ જીતી ગયો. એટલું જ નહીં પાટીદાર આંદોલનના વાવાઝોડા છતાં સુરતમાં અડીખમ રહેલી પાટીદાર પ્રભાવિત છ બેઠક પર આ વખતે પાસ અને આપના જોડાણ છતાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને સુરતમાં જ્ઞાતિવાદ નથી ચાલતો તે સાબિત કરી બતાવ્યું છે.
વરાછા : પાટીદારોના ખભે બંદૂક ફોડવાનો ‘આપ-પાસ’નો દાવ નિષ્ફળ
પાટીદાર અનામત આંદોલન સમિતિના (PAAS) સુરતના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાયા હતા. જેના પગલે સુરત શહેરમાં પાટીદારોનો યુવા ચહેરો ઊભરી આવ્યો અને પાટીદાર યુવાનો AAP તરફ જતા દેખાઈ રહ્યા હતા. AAPમાં PAASની ટીમ આવી ગયા બાદ વરાછા સહિતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ભાજપની પકડ ઢીલી પડી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. જો કે, ભાજપે આ ગુજરાતના એપી સેન્ટર જેવી વરાછા બેઠક પર દબંગ અને લોકપ્રિય નેતા કુમાર કાનાણીને ફરી ટિકિટ આપી હતી. અહીં મનપાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હોવાથી જોખમ હોવા છતાં કુમાર(કિશોર કાનાણી) મજબૂતાઇથી લડ્યા અને પાટીદાર ઉપરાંત અન્ય સમાજને સાથે રાખવામાં સફળ રહ્યા. મોદીની સભાએ પણ જોરદાર અસર કરી અને પાટીદારોના ખભે બંદૂક ફોડવાનો આપ-પાસનો દાવ નિષ્ફળ રહ્યો અને ભાજપ લીડથી જીતી ગયો હતો.
સતત ત્રીજી વખત શહેરની તમામ 12 બેઠક જીતવાનો શહેર સંગઠનનો વિક્રમ
ભાજપમાં પેજ પ્રમુખની સિસ્ટમ લાવનાર સી.આર.પાટીલ સુરતના જ છે. ત્યારે સી.આર.પાટીલે ઐતિહાસિક જીત માટે અગાઉથી જ તૈયારી કરી હતી. પાયાના મુદ્દા તેમણે શોધ્યા હતા, જેમાં પેજ અને બૂથ મેનેજમેન્ટ અંગે તેમણે પહેલા દિવસથી તૈયારી કરી હતી. શહેર સંગઠનમાં શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પાસે પણ સખત મહેનત લીધી હતી અને આખરે આ મહેનત તેમજ તેમની આ ફોર્મ્યુલા કામ કરી ગઈ હોવાની પ્રતીતિ થઇ છે અને સતત ત્રીજી વખત તમામ 12 બેઠક જીતવાની સિદ્ધિ શહેર ભાજપ સંગઠનના નામે લખાઇ છે. અગાઉ શહેર પ્રમુખ પદે પૂર્ણેશ મોદી અને નીતિન ભજિયાવાલા તમામ 12 બેઠક જીતવાની સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે.
કતારગામ : પ્રજાપતિ-ઓબીસી સમાજને ભાજપ સાથે જોડી રાખવાનું યુવા મેનેજમેન્ટ સફળ રહ્યું
કતારગામ વિધાનસભા બેઠક વરાછા બાદ સૌથી વધુ ચર્ચામાં હતી. તેનું કારણ હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પોતે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પ્રચાર દરમિયાન પણ અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઇટાલિયાએ જબરજસ્ત માહોલ ઊભો કર્યો. સભામાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા. વળી, આ બેઠક પર પ્રભુત્વ ધરાવતા અને ભાજપના કમિટેડ વોટર મનાતા પ્રજાપતિ સમાજના યુવાનને ટિકિટ આપી કોંગ્રેસે ભાજપની વોટબેંકમાં ગાબડું પાડે તેવો દાવ રમ્યો હતો. જો કે, પ્રજાપતિ સમાજના ચોક્કસ યુવાનના ગ્રુપને સમાજ ભાજપ સાથે રહે તેવી ગોઠવણ કરવાની જવાબદારી સોંપાઇ હતી. તેમજ શહેર ભાજપ પ્રમુખ ઝાંઝમેરાનું આ હોમ ગ્રાઉન્ડ હોવાથી અહીં તેના માર્ગદર્શનમાં ઓબીસી મતો ભાજપ સાથે રહે એ માટે પણ સમાજવાઇઝ મીટિંગો કરાઇ હતી. તેના કારણે ભાજપની સ્થિતિ ફરી મજબૂત બની હતી. વળી, ઇટાલિયાએ હિંદુ ધર્મ, સાધુ-સંતોને લઈને જે વાતો ભૂતકાળમાં કરી હતી. તેનું નુકસાન તેમને ભોગવવું પડ્યું છે અને વિનોદ મોરડિયા ફરી જોરદાર લીડથી જીતી ગયા છે.
કામરેજ : ભાજપે સતત બીજી વખત ઉમેદવાર બદલીનો દાવ રમી સફળતા મેળવી
કામરેજ વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટીએ ફરી એક વખત રામ ધડુકને પોતાનો ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને વર્તમાન ધારાસભ્યને બદલીને પ્રફુલ્લ પાનશેરિયાને ટિકિટ આપી હતી. પાટીદાર પ્રભુત્વ વાળી આ બેઠક ઉપર પણ પાટીદારોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના ઉમેદવારને આમ આદમી પાર્ટી કરતાં પણ ખૂબ ઓછા મત મળ્યા છે. આવી સ્થિતિમાં એક વાત તો સ્પષ્ટ છે કે, કોંગ્રેસને સંપૂર્ણ રીતે કામરેજ બેઠકો પરથી જાકારો મળી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2017માં પાટીદાર આંદોલનની અસર હતી અને ત્યારે પ્રફુલ પાનશેરિયા સીટિંગ ધારાસભ્ય હતા ત્યારે પણ ભાજપે ચહેરો બદલીને વી.ડી.ઝાલાવડિયાને ટિકિટ આપી એન્ટીઇન્કબન્સીનું ફેક્ટર બેઅસર કરી દીધું હતું, અને ભાજપે આ બેઠક કબજે કરી લીધી છે. આ બેઠક એટલી મોટી છે કે, અહીં આપ ગામડાના અંદર વિસ્તાર સુધી પહોંચી શક્યો નહોતો. અને ભાજપના તૈયાર મજબૂત સંગઠન-સામાજિક તેમજ સેવાકીય રીતે સક્રિય પ્રફુલ પાનશેરિયાની છાપે વિજય અપાવ્યો છે.
ઓલપાડ : ભાજપના મજબૂત સંગઠન સામે કોંગ્રેસ-આપની રેવડી દાણાદાર થઈ ગઈ
આમ આદમી પાર્ટી સુરતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠક ઉપર જે રીતે ચર્ચામાં રહી હતી, તેમાં સૌથી ખરાબ પ્રદર્શન ઓલપાડ બેઠક ઉપર જોવા મળ્યું છે. પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિના ચહેરા એવા ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ત્રિ-પાંખિયો જંગ થાય તેવી શક્યતા હતી. પરંતુ શહેરમાં આવતા મતદારો પૈકી પણ આમ આદમી પાર્ટીને મત મળ્યા ન હતા. મુકેશ પટેલ ભાજપના ઉમેદવાર હતા, તેમને પોતાના મતવિસ્તારના મત જાળવી રાખ્યા. મુકેશ પટેલને લઈને ગામડાંમાં વિરોધ હોવાનો માનવામાં આવી રહ્યું હતું. પરંતુ પરિણામ જોતાં મુકેશ પટેલ પણ કોઈપણ મુશ્કેલી વગર જીતી ગયા છે. આ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકે ખૂબ મહેનત કરીને માહોલ બનાવ્યો હતો. પરંતુ તેઓ પરિણામમાં ફેરવી શક્યા નહીં. કેટલાંક ગામડાંના કમિટેડ કોંગ્રેસના મત સિવાય દર્શન નાયક પણ વધુ કંઈ કરી શક્યા નથી.
કરંજ : ઓબીસીએ ફરી ભાજપને સાથ આપ્યો, પાટીદારો પણ સાથે રહ્યા
કરંજ બેઠક પર પાટીદારોની સાથે સાથે ઓબીસી તેમજ અન્ય સમાજના મતદારો હતા. આ બેઠકો પર પ્રવીણ ઘોઘારીને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા હતા. બીજી તરફ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાએ કરંજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ઉપર ખૂબ ઓછું મતદાન થયું હતું. જેના કારણે પરિણામ કોના પક્ષે જશે તે કેવું થોડું મુશ્કેલ થઈ રહ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર પણ ભગવો લહેરાવી દીધો છે. મનોજ સોરઠિયા આ વિસ્તારમાં વધુ જાણીતો ચહેરો ન હતો, પરંતુ ઝાડુના સિમ્બોલ ઉપર મત મળી જશે તેવી વિચારધારા સાથે ઝંપલાવ્યા હતા. જો કે, તેને માત્ર પાટીદાર સમાજના અમુક વર્ગનો સાથ મળ્યો, ઓબીસીને આકર્ષી શક્યા નહીં. તેથી તેઓ નિષ્ફળ પૂરવાર થયા છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે ભારતી પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં. પરંતુ માત્ર પાર્ટી ફંડ એકત્રિત કરવાની માનસિકતા સાથે તેઓ અહીં લડ્યા હોય તેવું લાગ્યું અને કરંજ બેઠક ઉપર કોંગ્રેસ ત્રીજા નંબરે રહી.
સુરત ઉત્તર : કોટ વિસ્તારે ફરી એકવાર ભાજપની લાજ રાખી
સુરત ઉત્તર બેઠક ઉપર પાટીદારની સાથે મૂળ સુરતી મતદારોનો પણ પ્રભાવ ખૂબ જોવા મળે છે. ભાજપ દ્વારા કાંતિ બલરને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કાંતિ બલર સામાજિક રીતે પકડ ધરાવે છે. વળી, મેડિકલ-શૈક્ષણિક મદદ માટે પોતાને ધારાસભ્ય તરીકે મળતા ફંડ ઉપરાંત પોતાનાં નાણાં ઉમેરીને સેવા કરતા હોવાની છાપ છે. આ બેઠક પર તેના કન્વીનર તરીકે મૂળ સુરતી રાકેશ માળીને ફરી એકવાર જીતની જવાબદારી સોંપાઇ અને તેમણે પાટીદાર તેમજ કોટ વિસ્તારને સાથે જોડીને કાંતિ બલરને મોટી લીડ અપાવી. આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા મેદાનમાં હતા. પરંતુ તેમનો પણ કારમો પરાજય થયો છે અને કોંગ્રેસ તો કોઈ પણ જગ્યાએ લડતી દેખાઈ ના હોય, અશોક અધેવાડા નબળા ઉમેદવાર પૂરવાર થયા અને ભાજપ ફરી જીતી ગયો હતો.
સુરત પૂર્વ : કોંગ્રેસે માત્ર લઘુમતી પર મદાર રાખ્યો અને ભાજપ જિત્યો
સુરત પૂર્વ બેઠક પર ભાજપ અરવિંદ રાણાને ફરીથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ઉમેદવાર અસલમ સાયકલવાળાને ટિકિટ આપી હતી. આ બેઠક ઉપર મુસ્લિમ મતદારો ખૂબ મોટી સંખ્યામાં હોવાને કારણે અરવિંદ રાણાને ખૂબ સારી ટક્કર આપી, આપના ઉમેદવાર કંચન જરીવાલાને યેનકેન પ્રકારે ફોર્મ પરત ખેંચાવી લેવામાં આવ્યું. જો કંચન જરીવાલાએ આપ તરફથી ઉમેદવારી કરી હોત તો ભાજપ માટે આ બેઠક ઉપર મુશ્કેલી વધી શકે તેમ હતી. જોકે ભાજપ કંચન જરીવાલાને બેસાડવામાં સફળ થતાં આ બેઠક ફરી એક વખત અરવિંદ રાણાએ જીતી લીધી છે. જો કે, આ બેઠક ઉમદવારનાં કામો નહીં, પરંતુ ખરા અર્થમાં કમળના સિમ્બોલ પર જ જીતાઇ હોવાનું કાર્યકરો પણ કહી રહ્યા છે.
મજૂરા : હર્ષ સંઘવીની લોકપ્રિયતા સામે અહીં માત્ર લીડ વધારવાની મહેનત હતી
આ બેઠક ઉપર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપના ઉમેદવાર તરીકે હતા. મજૂરા વિધાનસભા એ ખૂબ જ પોશ વિસ્તારમાં આવતી વિધાનસભા છે. મૂળ રાજસ્થાની, જૈન અને પરપ્રાંતીય મતદારોની આ બેઠકો પર હર સંઘવી ખૂબ જ લોકપ્રિય હતા અને તેઓ ભારે લીડથી જીતે તેવી પૂર્ણ શક્યતા પણ હતી. તેમની સામે ખૂબ જ નબળા ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ ઉતાર્યા હતા. બળવંત જૈન કોંગ્રેસના એવા નિષ્ક્રિય અને નિષ્ફળ ઉમેદવાર હતા કે તેઓ પોતે બુથ ઉપર પોતાના માણસો પણ બેસાડી શક્યા ન હતા. ચૂંટણી લડવા પહેલાં તેઓએ હર્ષ સંઘવી સામે પોતાની હાર સ્વીકારી લીધી હતી. આપે અંતિમ દિવસોમાં પીવીએસ શર્માને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા, પરંતુ તેમની ડિપોઝિટ ડુલ થઇ છે.
ચોર્યાસી : કોળી ઉમેદવારની ટિકિટ કપાવા છતાં ભાજપના મજબૂત સંગઠન અને સહકારી આગેવાને ગત વખત કરતાં લીડ વધારી દીધી
ભાજપે ઇતિહાસમાં પહેલી વખત કોળી પટેલને બદલે આ વખતે સંદીપ દેસાઈને 84 વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. ઝંખના પટેલ કોળી સમાજમાંથી આવતા હોવા છતાં પણ તેમને રિપીટ કરવામાં આવ્યા ન હતા. તેનાથી આંતરિક રોષ કોળી પટેલ સમાજમાં જોવા મળ્યો હતો. જો કે, જિલ્લા ભાજપના પ્રમુખ અને સહકારી આગેવાન સંદીપ દેસાઇ સતત દોડતા નેતા હોય તેણે ભાજપના મજબૂત સંગઠન અને પોતાના સંપર્કોને આગળ કરી મજબૂતાઇથી ચૂંટણી લડ્યા અને પહેલા કરતાં વધુ લીડથી જીત અંકે કરી લીધી હતી. અહીં ભાજપનો સિમ્બોલ પણ ઉમેદવાર માટે જીતનો રસ્તો આસાન કરી દે છે.
ઉધના : અહીં ભાજપનું કમળ જ કાફી છે તે ફરીવાર સાબિત થયું
ઉધના બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય વિવેક પટેલને બદલે મનુ પટેલને ટિકિટ આપી હતી. મનુ પટેલને ટિકિટ આપતાં ભાજપમાં જ આશ્ચર્ય ફેલાયું હતું. પરંતુ એકવાર ટિકિટ અપાવી દીધા બાદ જીતવા માટે ભાજપનું સંગઠન કામે લાગી જતું હોય છે. એવી જ રીતે મનુ પટેલને ભાજપના સંગઠનના કારણે વિજય મળ્યો છે તેમાં કોઇ શક નથી. ઉધના વિસ્તાર ભાજપનો ગઢ બની ગયો છે. અહીં કમળના નિશાન સાથે કોઇ પણ મેદાનમાં ઊતરે તો પણ આસાન જીત નક્કી હોય છે તે ફરી એકવાર સાબિત થયું છે. કોંગ્રેસના સિનિયર નેતા ધનસુખ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ તેઓ પરપ્રાંતીય મતદારોને આકર્ષવામાં સફળ રહ્યા નથી.
લિંબાયત : મરાઠી-ગુજરાતી તમામ મતદારોને ભાજપ સાથે જાળવી રાખવામાં સંગઠન સફળ
લિંબાયત બેઠક ઉપર સંગીતા પાટીલને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા. સંગીતા પાટીલને લઈને આંતરિક ખૂબ રોષ જોવા મળતો હતો અને સમયાંતરે તે બહાર પણ આવતો હતો. પરંતુ લોકસભા મતવિસ્તારમાં આવતી લિંબાયત વિધાનસભાએ સી.આર.પાટીલનો ગઢ માનવામાં આવે છે. પાટીલ મતદારોનું ખૂબ પ્રભુત્વ છે અને સંગીતા પાટીલની પોતાની એવી કોઈ મોટી કામગીરી ન હોવા છતાં પણ સી.આર.પાટીલે આ બેઠક ઉપર સંગઠન કામે લગાડ્યું હતું અને પરિણામે સંગીતા પાટીલનો વિજય થયો છે. લિંબાયત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાણે પહેલાથી જ હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવી રીતે ચૂંટણી લડ્યા હતા. તો આપના ઉમેદવાર પણ ખાસ કોઇ જોર બતાવી શક્યા નહીં. તેથી સંગીતા પાટીલનો વિજય પહેલાથી જ નક્કી કરી દીધો હતો.
સુરત પશ્ચિમ : પૂર્ણેશ મોદીની લોકપ્રિયતા અને માઇક્રો મેનેજમેન્ટે ફરી પ્રચંડ જીત અપાવી
શહેર ભાજપનો ગઢ માની શકાય તેવી આ બેઠક છે. આ બેઠક ઉપર ભાજપનો વિજય પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવ્યો હતો. પૂર્ણેશ મોદીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા. એક તબક્કે પૂર્ણેશ મોદીને ટિકિટ નહીં મળે તેવી વાત હતી. જો કે, સતત કામ કરતા, પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા પૂર્ણેશ મોદીને મોવડીમંડળ ક્યારેય નજરઅંદાજ કરતું નથી, તેની પ્રતીતિ થઇ અને ટિકિટ આપી. અહીં દરેક વખતે તેનું માઇક્રો મેનેજમેન્ટ, લોકોનાં કામો અને વિકાસનું વિઝન અગાઉથી જ જીત નક્કી જ કરી નાંખે છે. આ બેઠક ઉપર કોંગ્રેસે સંજય પટવાને ટિકિટ આપી હતી. જેઓ આયાતી ઉમેદવાર હતા. આવો ઉમેદવાર પણ માત્ર ને માત્ર પાર્ટી ફંડ માટે ચૂંટણી લડ્યા હોય તેવી સ્થિતિ હતી. આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર લગભગ શૂન્ય હતો. આ તમામ ફેક્ટરે અહીં ભાજપને ફરી પ્રચંડ જીત અપાવી છે.