SURAT

સુરત: EVMમાં બંધ 168 ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ખૂલશે

સુરત: આવતીકાલે સવારે 8 કલાકે મતગણતરીની (Voting) પ્રક્રિયા શરૂ થતાની સાથે જ સુરત શહેર જિલ્લાની 12 વિધાનસભા બેઠકોના 168 ઉમેદવારોના રાજકીય ભાવિ પરથી પડદો ઊંચકાવાનો શરૂ થઇ જશે. ભલે 168 ઉમેદવારો મેદાને જંગમાં છે પરંતુ, ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં ભાજપની (BJP) ટક્કર 5 બેઠકો પર આપ (AAP) પાર્ટીના ઉમેદવારો સાથે જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસના (Congress) ઉમેદવારો સાથે થશે.

ગઇ તા.1લી ડિસેમ્બરના રોજ સુરત શહેર જિલ્લાની 12 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાનમાં કુલ 29,53,530 મતદારોએ મતદાન કર્યું છે. 16,06,041 પુરુષ મતદારો અને 13,47,438 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું છે. આવતીકાલ ગુરુવારે સવારે 8 કલાકથી મતગણતરીની શરૂ થનારી પ્રક્રિયામાં પ્રથમ પોસ્ટલ બેલેટ અને એ પછી ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. ચૂંટણી જંગની વાત કરીએ તો 5 બેઠકો છે જેમાં વરાછારોડ, કામરેજ, કરંજ, કતારગામ અને સુરત ઉત્તર. આ બેઠકો પર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. જ્યારે સુરત પૂર્વ, ઓલપાડ, ચોર્યાસી, સુરત પશ્ચિમ, ઉધના, લિંબાયત અને મજૂરા બેઠકો પર ભાજપની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવારો સાથે જોવા મળી રહી છે. આ બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટીએ ન તો સ્ટાર પ્રચારકની રેલી, રોડ શો કે સભા પણ યોજી નથી. આમ આદમી પાર્ટીએ ફક્ત પાટીદાર વસતિ ધરાવતા વિસ્તારોમાં જ રોડ શો, રેલીઓ યોજી છે.

સિરીયલ નંબર પ્રમાણે ઇવીએમ ટેબલ ઉપર ઓપન થશે
સુરત જિલ્લા કલકેટર આયુષ ઓકે કહ્યું હતું કે સુરત શહેર અને જિલ્લાની મળી 16 વિધાનસભા બેઠકના મતદાન બાદ સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવાયેલા ઇવીએમ મશીન આવતીકાલે મતગણતરી વખતે ઓપન થશે. મતગણતરી માટે સિરીયલ નંબર મુજબ ટેબલ ઉપર જે તે વિધાનસભા બેઠકના ઇવીએમ ગોઠવાશે. અને તે મુજબ મતગણતરી હાથ ધરાશે.

ગયા ઇલેકશનમાં સુરતની બાર બેઠકો પૈકી સાત બેઠકો ઉપર નોટાને વધુ મળયા હતા
ગુજરાત વિધાનસભાની ગયા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નોટાને પણ સારા એવા મતો પડયા હતા. ગયા વખતે અધધ…. 35823 જેટલા મતો નોટાને મળ્યાં હતા.

ગયા ઇલેકશનમાં 175 ઉમેદવારો પૈકી 142 ઉમેદવારોની ડિપોઝીટ ગૂલ થયેલી
પાટીદાર આંદોલનની ગરમાગરમ પરિસ્થિતિ વચ્ચે ગયા 2017ના વર્ષે યોજાયેલી વિધાનસભાની કશ્મકશ ભરેલી ચૂંટણી જંગમાં 16 બેઠકો ઉપર દાવેદારી કરનારા 142 ઉમેદવારો ડીપોઝીટ ગૂલ કરી ગયા હતા. તેઓ પોતાની ડીપોઝીટ પણ બચાવી શકયા નહોતા.ગઇ ટમમાં ભાજપામાંથી બળવો કરી દાવેદારી કરનારા ભીમજી બુઢણા અને અજય ચૌધરી પણ પોતાની ડિપોઝીટ ગુમાવી ચૂકયા હતા.

Most Popular

To Top