નવી દિલ્હી: ચીનનું (China) એક જાસૂસી જહાજ (Spy ship) હિંદ મહાસાગરમાં (Hind Mahasagar) ફરતું જોવા મળ્યું છે. હિંદ મહાસાગરમાં જહાજના દેખાવાના સમય પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ભારત (India) બંગાળની ખાડીમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું (Ballistic Missile) પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર વિવિધ સર્વેલન્સ સાધનોથી સજ્જ ચીનનું જાસૂસી જહાજ ‘યુઆન વાંગ 5’ (Yuan Wang 5) મિસાઈલ પરીક્ષણ પહેલા જ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે. આ એ જ જહાજ છે જે થોડા મહિના પહેલા શ્રીલંકાના હંબનટોટા બંદર (Hambantota Port) પર રોકાયું હતું.
ચીનનું આ જહાજ પણ હંબનટોટા બંદર પર રોકાયું હતું
એક અહેવાલો અનુસાર ભારતની નૌકાદળ બેલેસ્ટિક મિસાઇલો અને ઉપગ્રહો પર નજર રાખવામાં સક્ષમ આ જાસૂસી જહાજની હિલચાલ પર નજર રાખી રહી છે. ઓગસ્ટમાં હંબનટોટા બંદર પર જહાજના સ્ટોપેજને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ ડેમિયન સિમોને સોમવારે ટ્વિટ કર્યું કે ‘ચીનનું મિસાઇલ અને સેટેલાઇટ સર્વેલન્સ જહાજ ‘યુઆન વાંગ 5′ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશ્યું છે.’
ભારતે મિસાઈલ પરીક્ષણ માટે NOTAM જાહેર કર્યું
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના આ જાસૂસી જહાજ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ભારતે તાજેતરના મિસાઈલ પરીક્ષણને લઈને NOTAM (એરમેનને નોટિસ/ એર મિશન માટે નોટિસ) જારી કર્યું છે. જો કે, ચીનના જાસૂસી જહાજની હાજરીને ધ્યાનમાં રાખીને ભારત તેની મિસાઈલ પરીક્ષણની યોજના પર આગળ વધશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટમાં જોવા મળ્યું હતું આ જહાજ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ચીની જહાજ છેલ્લે ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટમાં જોવા મળ્યું હતું. હિંદ મહાસાગરમાં ચીનના જાસૂસી જહાજની આ હિલચાલ પર પણ દુનિયાની નજર છે કારણ કે ચીનના સૈન્ય અને તપાસ જહાજો દ્વારા આ ક્ષેત્રમાં વધી રહેલી ગતિવિધિઓને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારત હિંદ મહાસાગરમાં સમાન વિચાર ધરાવતા દેશો સાથે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે.