SURAT

LLM અને LLBના વિદ્યાર્થીઓની તકલીફ જોતા યુનિવર્સિટીએ સુરતમાં પરીક્ષા સેન્ટર ઊભું કર્યું

સુરત : એલએલએમ (LLM) અને એલએલબીના (LLB) વિદ્યાર્થીઓને (Student) તકલીફ નહીં પડે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) સુરતમાં (Surat) પરીક્ષા સેન્ટર ઊભું કર્યું છે. આ સેન્ટર પર પરીક્ષા અપાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પોતાની કોલેજના આચાર્યને આઠ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. આ સમયાવધિ પછી કોઈ વિદ્યાર્થી અરજી કરશે તો યુનિવર્સિટી માન્ય રાખશે નહીં.

યુનિવર્સિટીના લો ફેકલ્ટીના સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ કુલપતિ ડો.કે. એન. ચાવડાને આવેદન પત્ર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભરૂચ, નવસારી અને વલસાડ કોલેજોમાં એલએલએમ અને એલએલબીમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓ સુરત શહેર અને જિલ્લાના છે. જેમણે પરીક્ષા સમયે ખૂબ જ લાંબી મુસાફરી કરવી પડતી હોય છે. જેને કારણે તેઓ થાકી જવાની સાથે યોગ્ય રીતે વાંચી શકતા નથી. જેને કારણે સીધી જ અસર અભ્યાસ પર પડતી હોય છે. આમ, વિદ્યાર્થીઓને હાલાકી નહીં પડે તે માટે સુરત સેન્ટર અપાઇ એવી માંગ કરાઈ હતી.

સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીનું આવેદન પત્ર મળ્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડાએ તાકિદે કુલસચિવ રમેશદાન ગઢવી, પરીક્ષા નિયામક અરવિંદ ધડૂક અને લો ફેકલ્ટીના ડીન ડો. વિમલ પંડ્યા સાથે બેઠક કરી હતી. જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ અંતે યુનિવર્સિટી સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ લોમાં પરીક્ષા સેન્ટર ઊભું કરવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાન મંગળવારના યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે એલએલએમની સેમેસ્ટર ત્રણની પરીક્ષા 10મી ડિસેમ્બર તેમજ એલએલબીની સેમેસ્ટર ત્રણ અને પાંચની પરીક્ષા 12મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. જે પણ વિદ્યાર્થીઓ નવસારી, ભરૂચ અને વલસાડ ખાતે સેન્ટર હોય અને તે વિદ્યાર્થી સુરત સેન્ટર પર પરીક્ષા અપાવવા ઇચ્છા હોય તો અપાવી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ અગામી આઠમી ડિસેમ્બર સુધીમાં પોતાની જ કોલેજના આચાર્યને લેખિતમાં અરજી કરવાની રહેશે. ત્યાર બાદ અરજી કરશે તો માન્ય રખાશે નહીં. એલએલબી અને એલએલમના વિદ્યાર્થીઓમાં એવી પણ ચર્ચા છે કે માત્ર સુરત શહેર અને જિલ્લાના જ વિદ્યાર્થીઓને લાભ અપાયો છે. જ્યારે આહવા-ડાંગ અને વાપી ખાતે પણ સેન્ટર ઊભું કરવાની જરૂરિયાત છે.

Most Popular

To Top