નવી દિલ્હી: ગુજરાતમાં બીજા અને અંતિમ ચરણનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલ્સના તારણો બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના એક્ઝિટ પોલ્સના તારણો ગુજરાતમાં ભાજપને જંગી બહુમતિ મળવાની અને હિમાચલ પ્રદેશમાં પણ તે વિજયના માર્ગે હોવાની આગાહી કરતા હતા, અને તે સાથે આ બંને રાજ્યોમાં શાસક પક્ષ જ ફરી સત્તા પર આવે તેવો સંકેત મળ્યો હતો.
- ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીનાં 8મીએ પરિણામ
- ગુજરાતમાં ભાજપને 117થી 151 બેઠકો, કોંગ્રેસને 16થી 51ની રેન્જમાં બેઠકો
- આપને 2થી 13 બેઠકો મળવાનો કુલ એકંદર અંદાજ
- હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ પ્રથમ સ્થાને રહેવાનો મોટા ભાગના એક્ઝિટ પોલ્સનો અંદાજ
- જો કે બે પોલ્સ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર સૂચવે છે
- દિલ્હી મહાનગરપાલિકામાં ભાજપને હરાવીને આપ જંગી વિજય મેળવે તેવી આગાહી
અલબત્ત, બે એક્ઝિટ પોલ્સ હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર સૂચવતા હતા જેમાં પરિણામ કોઇ પણ બાજુએ જઇ શકે. બંને રાજ્યોમાં મત ગણતરી આઠમી ડિસેમ્બરે થનાર છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી ૧૨ નવેમ્બરે થઇ હતી, જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે થઇ હતી.
મોટા ભાગના એક્ઝિટ પોલ્સ ગુજરાતમાં ભાજપ માટે મોટો વિજય સૂચવતા હતા જેમાં 182 સભ્યો વાળી વિધાનસભા માટે ભાજપને 117થી 151 બેઠકો મળે, કોંગ્રેસને 16થી 51ની રેન્જમાં બેઠકો મળે જ્યારે આમ આદમી પાર્ટીને 2 થી 13ની વચ્ચે બેઠકો મળે તેવો અંદાજ છે. ગુજરાતમાં બહુમતિ માટે 92 બેઠકો જરૂરી છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપને 24થી 41 બેઠકો મળવાનીઅ અને કોંગ્રેસને 24થી 40 બેઠકો મળવાની એકઝિટ પોલ્સની આગાહી છે જ્યારે આપને 0થી 3ની રેન્જમાં બેઠકો મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં વિજયની સપાટી 35 બેઠકો છે.
દિલ્હી મહાનગર પાલિકા માટેની ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલ્સ ભાજપ સામે આપના મોટા વિજયની આગાહી કરતા હતા જ્યારે ત્યાં કોંગ્રેસ ત્રીજા સ્થાને રહેવાનો અંદાજ છે.
એક્ઝિટ પોલ કેટલા સાચા, ગયા વખતે કોની આગાહી સચોટ પડી હતી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સોમવારની સાંજે 5.30 વાગે પૂર્ણ થયાના થોડા સમય બાદ એક્ઝિટ પોલ આવવા લાગ્યા હતા જેમાં 8 ડિસેમ્બરના રોજ પરિણામો કેવા આવશે તેનો અંદાજ લોકોને આપવામાં આવ્યો હતો. પાંચ વર્ષ પહેલાં વર્ષ 2017માં એક્ઝિટ પોલમાં સફળતાપૂર્વક આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં ભાજપ સહેલાઈથી સરકાર બનાવશે જો કે કોંગ્રેસની બેઠકોમાં વધારો થશે અને હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરીથી સત્તામાં આવશે. ઈન્ડિયા ટુડે-એક્સીસ માય ઈન્ડિયા સર્વેએ ભાજપને 99-113 બેઠકો મળવાની અને કોંગ્રેસને 62-82 બેઠકો મળવાની આગાહી કરી હતી જ્યારે ન્યુઝ 24-ટુડેના ચાણક્યએ ભાજપ માટે 124-146 અને કોંગ્રેસ માટે 47 બેઠકોની આગાહી કરી હતી. જો કે ભાજપની બેઠકો ઘટી હતી અને તેને 99 બેઠકો મળી હતી અને કોંગ્રેસે 77 બેઠકો પર વિજય મેળવ્યો હતો, આમ ઈન્ડિયા ટુડેનું સર્વે એકદમ સચોટ પડયું હતું. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાએ ભાજપ માટે 55 બેઠકોની આગાહી કરી હતી જ્યારે ટાઈમ્સ નાઉએ ભાજપ માટે 51 અને કોંગ્રેસ માટે 17 બેઠકો પર વિજયની આગાહી કરી હતી. જ્યારે ભાજપે 44 બેઠકો પર અને કોંગ્રેસે 20 બેઠકો પર વિજય મેળવ્યો હતો.