સુરત : અડાજણ (Adajan) ખાતે રહેતી ત્રણ મહિલાઓ સાથે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના નામે સિલાઈ મશીન અપાવવાના બહાને 7500 રૂપિયા લેખે 22500 રૂપિયા ટ્રાન્સફર (Transfar) કરાવી છેતરપિંડી કરનાર સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધવામાં આવી હતી.
પાલ આરટીઓ પાસે રાજરત્ન એન્કલેવમાં રહેતા 42 વર્ષીય દમયંતીબેન વિકાસભાઇ કનૈયાલાલ મોદીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 15 જુલાઈ 2022 ના રોજ તેઓ અડાજણ ખાતે ડીમાર્ટની બાજુમાં સિવણ ક્લાસીસમાં ગયા હતા. ક્લાસીસમાં તેમના ટીચર તૃપ્તિબેન દવેને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સેન્ટરમાંથી બોલતા હોવાનો ફોન કર્યો હતો. અને સ્કીમમાં તેમને વ્યક્તિ દીઠ બે સિલાઈ મશીન તથા સરકારી સર્ટીફીકેટ આપવાનું કહ્યું હતું. જેના માટે તેમને 7500 રૂપિયા ચુકવવાના રહેશે. આ સ્કીમ 6 જણા માટે જ હોવાનું અને તેમા 3 જણાનું રજીસ્ટ્રેશન થઈ ગયાનું કહ્યું હતું. અમે ત્રણ લોકોનું રજીસ્ટ્રેશન થઈ શકે છે. જેથી તૃપ્તિબેનની વાત સાંભળીને દમયંતીબેન અને તેમની સાથે વૈશાલીબેન શાહ તથા ભાવિનીબેન પટેલ પણ હાજર હતા.
આ ત્રણેય જણાએ આ સ્કીમમાં રસ બતાવીને અજાણ્યાના મોબાઈલ નંબર પર આધારકાર્ડ અને પાનકાર્ડ મોકલી આપ્યું હતું. અને બાદમાં પેટીએમથી 7500 રૂપિયા લેખે કુલ 22500 રૂપિયા ચુકવ્યા હતા. અજાણ્યાએ તેમના ઘરે મશીન પહોંચી જશે તેમ કહ્યું હતું. પરંતુ મશીન નહી આવતા તેનો સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન પણ બંધ આવતો હતો. જેથી તેમની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા અડાજણ પોલીસ સ્ટેશનમાં પેડટીએમ વોલેટના નંબર અને ધીરજકુમાર ડાહ્યાભાઈ પ્રજાપતિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ભટારના વૃદ્ધ ઉજ્જૈન મહાકાલ ગયા અને તસ્કરો ઘર સાફ કરી ગયા
સુરત : ભટાર ખાતે આવેલી ડી.કે.પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહાકાલ ઉજ્જૈન ફરવા ગયા ત્યારે તેમના બંધ મકાનમાંથી તસ્કરે સોનાના દાગીના અને રોકડ મળીને 6.50 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ઘોડદોડ રોડ ખાતે ગોલ્ડન પેલેસમાં રહેતા 43 વર્ષીય કેદાર કનૈયાલાલ દેસાઈ દવાનો વેપાર કરે છે. તેમના પિતા કનૈયાલાલ (ઉ.વ.74) ભટાર ખાતે કાપડીયા હેલ્થ ક્લબની સામે ડી.કે.પાર્ક સોસાયટીમાં સુંદરમ બંગલામાં રહે છે. ગત 1 તારીખે તેમના પિતા મહાકાલ ઉજ્જૈન ખાતે ફરવા માટે ગયા હતા. દરમિયાન તેમના પિતાના પડોશમાં રહેતા દિવ્યેશભાઈએ કેદારભાઈને ફોન કરીને તેમના પિતાના ઘરનું તાળું તુટેલી હાલતમાં હોવાનું આજે સવારે જણાવ્યું હતું. જેથી કેદારભાઈ પિતાના ઘરે પહોંચી જોતા અજાણ્યા તસ્કરે તેમના પિતાના ઘરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં રહેલા સોનાનું ૩.૫ તોલાનું મંગળસૂત્ર, સોનાની ૨.૫ તોલાની પેન્ડલ બુટ્ટી સેટ, સોનાની ૧.૫ તોલાની નાકની વાળી, સોનાની ૧.૭૫ તોલાની 2 વીંટી, તથા સોનાની ચેઈન સહિતના દાગીના તથા રોકડા 50 હજાર રૂપિયા મળી કુલ 6.50 લાખની ચોરી કરી નાસી ગયો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.