National

ત્રાસવાદીઓએ હીટલિસ્ટ જારી કર્યું: કાશ્મીરી પંડિતોમાં ભયનું મોજું

જમ્મુ: (Jammu) ખીણ વિસ્તારમાં કામ કરતા કાશ્મીરી પંડિતોમાં (Kashmiri Pandits) ભય ફરી વળ્યો છે કારણ કે એક ત્રાસવાદી જૂથે (Terrorist Group) આ સમુદાયના 56 કર્મચારીઓનું એક હિટલિસ્ટ જારી કર્યું છે. ત્રાસવાદીઓ દ્વારા ટાર્ગેટેડ હત્યાઓના મોજા પછી વડાપ્રધાન પુનર્વસન પેકેજ હેઠળ ખીણમાં નોકરીઓ કરતા ઘણા કાશ્મીરી પંડિતોએ જમ્મુમાં સ્થળાંતર કર્યું છે અને પોતાની નોકરીનું સ્થળ બદલવા માટે 200 કરતા વધુ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ અહીંના પુનર્વસન કમિશનરની કચેરીની બહાર ધામા નાખીને પડ્યા છે. હાલમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ(ટીઆરએફ) નામનું એક જૂથ કે જે લશ્કરે તૈયબાની જ એક શાખા છે તેની સાથે સંકળાયેલા એક બ્લોગ પર કાશ્મીર ખીણમાં વડાપ્રધાન પુનર્વસન પેકેજ હેઠળ નોકરી કરતા 56 કાશ્મીરી પંડિતોની એક યાદી જાહેર કરવામાં આવી છે અને તેમના પર હુમલાઓ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

  • ખીણ વિસ્તારમાં કામ કરતા કાશ્મીરી પંડિતોમાં ભય ફરી વળ્યો
  • 56 કાશ્મીરી પંડિતોની એક યાદી જાહેર કરવામાં આવી
  • તેમના પર હુમલાઓ કરવાની ચેતવણી આપવામાં આવી છે

ત્રાસવાદીઓ પાસે કર્મચારીઓને લગતી તમામ માહિતી છે
ત્રાસવાદીઓએ અગાઉ અમને ધમકી પત્રો મોકલ્યા હતા, પરંતુ આ વખતે ચેતવણીની સાથે કર્મચારીઓની યાદી પણ છે. આ બાબતે ફક્ત વિરોધ કરતા કર્મચારીઓમાં જ નહીં પરંતુ સમગ્ર સમુદાયમાં ભય સર્જાયો છે એમ વિરોધ કરતા કર્મચારીઓમાંના એક એવા રંજન ઝુત્સીને પીટીઆઇને આજે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ચેતવણીને ફક્ત એક પ્રોપેગેન્ડા તરીકે ફગાવી દઇ શકાય તેમ નથી કારણ કે ત્રાસવાદીઓ પાસે કર્મચારીઓને લગતી તમામ માહિતી છે. કર્મચારીઓના નામો લીક થયા તે બાબતે તપાસની માગણી કરતા ઝુત્સીએ કહ્યું હતું કે આ સૂચવે છે કે ત્રાસવાદીઓના મૂળિયા ઉંડા છે અને તેમના ઓવરગ્રાઉન્ડ ટેકેદારો સામે સખત પગલા લઇને તેને નાબૂદ કરવાની જરૂર છે.

કર્મચારીઓ એ કાશ્મીર ખીણમાં તેમની ફરજ પર નહીં જવાનો નિર્ણય કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉની હત્યાઓ પછી ઘણા કાશ્મીરી પંડિતો ખીણમાંથી જમ્મુમાં આવી ગયા છે. એક અન્ય કર્મચારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે આ કર્મચારીઓ એ કાશ્મીર ખીણમાં તેમની ફરજ પર નહીં જવાનો નિર્ણય કર્યો છે કારણ કે આ સમગ્ર પ્રશ્ન તેમના જીવન અને મરણનો છે.

Most Popular

To Top