પલસાણા: પલસાણામાં (Palsana) આવેલા ઔદ્યોગિક એકમોમાં (Industrial Units) કામ કરતા કામદારોના છાસવારે ગંભીર અકસ્માતો તેમજ જીવ પણ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવતી જ હોય છે. ત્યારે અનેક મિલો કામદારો પ્રત્યેની સેફ્ટીને લઇ નિષ્ક્રિય રહેતી હોવાથી કામદારો પણ મોતને ભેટે છે. પલસાણાના માખીંગા ગામે (Makhinga village) આવેલા એક મિલમાં બોઇલરમાં કોલસો નાંખતી વેળા અચાનક બોઇલ૨માંથી બેક ફાયર થતાં બે કામદાર દાઝ્યા હતા, જેમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના માખીંગા ગામે આવેલી અનુભા ઇન્ડસ્ટ્રિયલ પ્રા.લિ.માં બોઇલર વિભાગમાં કોલસો બોઇલરમાં નાંખવાનું કામ કરતા વિવેક હસમુખ પટેલ (૨હે.,ગાંગડિયા, તા.મહુવા) તેમજ જયકિશન તુલસીરામ બીંદ (૨હે.,જગદંબાનગર, નવાગામ, ડિંડોલી, સુરત) મિલમાં ગત રવિવારે બોઇલર વિભાગમાં કામ કરી રહ્યા હતા.
બંને કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા
ત્યારે બોઇલ૨માં બેક ફાયર થવાના કારણે બોઇલરના ફાય૨ હોલમાંથી આગની જ્વાળાઓ અને સળગતી રેતી બંને કામદાર ઉપર પડી હતી. જેને લઇ બંને કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા. આથી જયકિશન બીંદને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ વિવેક પટેલને પલસાણાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ સારવાર દરમિયાન જયકિશન બીંદનું મોત નીપજ્યું હતું. આ અંગે પલસાણા પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાઈવે ક્રોસ કરતી મહિલાને અકસ્માત થતાં પતિ અને પુત્રની નજર સામે જ મોત
કામરેજ: નવી પારડીમાં રસ્તો ક્રોસ કરતી મહિલાને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતાં પતિ અને પુત્રની સામે જ મોત નીપજ્યું હતું.પંચમહાલના કલોલના પરૂણા ગામે રાજેશ રમણ પરમાર (ઉં.વ.30) રહે છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે ખેતમજૂરી કરવા માટે પત્ની દક્ષાબેન (ઉં.વ.28) અને ભાવિન (ઉં.વ.6) સાથે જવાના હોવાથી કામરેજના કરજણ ગામે રાજેશના સાળાને ત્યાં રહેતી મોટી દીકરી ગાયત્રીને મળવા બે દિવસ અગાઉ આવ્યા હતા. સાસરીમાં રોકાયા બાદ રવિવારે ખંભાળિયા ખાતે જવા માટે નવી પારડી ગામની હદમાં રાજ હોટલ પાસે લક્ઝરી બસની રાહ જોઈને ઊભા હતા. પણ બસ ખાલી ન આવતાં રાત્રે આશરે 12.30 કલાકે પરત કરજણ જવા માટે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં.48 ક્રોસ કરવા માટે રાજેશ પુત્ર ભાવિનને ઊંચકી આગળ ચાલતો હતો.
પાછળ પત્ની દક્ષાબેન રોડ ક્રોસ કરતાં અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતાં માથામાં ગંભીર ઈજા થતાં પતિ અને પુત્રની સામે જ દક્ષાબેનનું મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસમથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.