Gujarat Election - 2022

ચૂંટણી પંચે ભાજપના ઇશારે કામ કર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) ચૂંટણી પંચની ભૂમિકા શંકાના દાયરામાં રહે છે. ચૂંટણી પંચ ભાજપ (BJP) સરકારના ઇશારે કામ કરતો હોવાનો ગંભીર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કર્યો હતો. બીજી તરફ રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ કહ્યું હતું કે મતદાનના દિવસે વડાપ્રધાન અઢી કલાકનો રોડ-શો કરે તેમ છતાં ચૂંટણી પંચ મૌન રહે છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોય તેવું જણાવ્યું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસની બેઠકો છે, અને જ્યાં કોંગ્રેસ મજબૂત છે, ત્યાં ખૂબ જ ધીમું મતદાન ચાલી રહ્યું હતું. કોઈપણ પ્રકારના ભાય- ડર વગર ભાજપની તાનાશાહી –દાદાગીરી, ધીમું મતદાન કરાવવા સામે ચૂંટણી પંચ મૌન ધારણ કરીને બેસી ગયું હતું.

પવન ખેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં તમામના મતનું મૂલ્ય એક સરખું રહેલું હોય છે, પછી તે સામાન્ય વ્યક્તિ હોય કે વડાપ્રધાન. વડાપ્રધાન જ્યારે વોટ આપવા નીકળે છે, ત્યારે અઢી કલાક રોડ-શો કરે છે. આ રોડ-શોનું ટીવી ચેનલો લાઈવ પ્રસારણ કરતી હોય છે. ટીવી ચેનલોને તો મજબૂરી હોય છે, તે સમજી શકાય છે, પરંતુ ચૂંટણી પંચ કેમ મૌન રહ્યું ? તેમને એવી તે શું મજબૂરી છે કે કોઈ કાર્યવાહી ન કરી? ગાંધીજી પાસે ત્રણ બંદરો હતા, તેઓ કશું જોઈ શકતા ન હતા, તેઓ કશું સાંભળી શકતા પણ ન હતા, કે બોલી શકતા પણ ન હતા.

ગઈકાલે મોડી રાત્રે દાતાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ ચૂંટણી પંચને પત્ર લખી જાનનું જોખમ હોવાની વાત કરી, સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં. અને ગઈકાલે મોડી રાત્રે કાંતિભાઈ ખરાડી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કોગ્રેસ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં ચૂંટણી પંચ મૌન રહ્યું હતું.

Most Popular

To Top