ગાંધીનગર : આજે બીજા તબક્કામાં સવારથી ધીમી ગતીએ મતદાન (Voting) શરૂ થયું છે. જે દરમ્યાન ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) તથા આપના (AAP) દિગ્ગજ નેતાઓએ મતદાન ર્ક્યુ હતું. એટલું જ નહીં, પોતાની પ્રતિક્રિયા આપી હતી. સવારે 9 વાગ્યા સુધીમાં 93 બેઠકો માટે ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં 4.75 ટકા, સવારે 11 વાગ્યે 19.17 ટકા તથા બપોરે 1 વાગ્યે 34.74 ટકા મતદાન થયું હતું. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યુ હતું. તેવી જ રીતે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદના નરોડામા મતદાન કર્યુ હતું.
100 વર્ષીય હીરાબાએ રાયસણમાં વ્હીલ ચેરમાં બેસીને મતદાન કર્યુ
ચૂંટણી પંચે ઘરે બેસીને મતદાન કરો, તેવી સુવિધા હોવા છતાં આજે પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી તથા શતાયુ એવા હીરાબાએ આજે ગાંધીનગરમા રાયસણ ખાતે વ્હીલ ચેરમાં આવીને મતદાન કર્યુ હતું. હિરાબાએ પરિવાર સાથે ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી રાયસણ પ્રાઈમરી સ્કૂલમાં મતદાન કરવા માટે વ્હીલચેરમાં બેસીને પહોંચ્યા હતા અને તેમણે પોતાનો વોટ આપ્યો હતો.ગઈકાલે રાત્રે પીએમ નરેન્દ્ર મોદીએ રાયસણ ખાતે તેના માતૃશ્રી હીરાબા સાથે મુલાકાત કરી હતી. મોદી હીરાબા સાથે ચ્હાની ચુસ્કી લઈને માતાશ્રી સાથે સંવાદ કર્યો હતો.
પીએમ મોદીએ નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યુ
પીએમ મોદીએ આજે સવારે અમદાવાદમાં સવારે રાણીપ ખાતે નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું. મોદીએ મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દેશમાં લોકતંત્રના ઉત્સવ માટે નાગરિકોનું હ્રદયથી અભિવાદન કરું છું. હું ઈલેક્શન કમિશનને પણ હ્રદયથી શુભકામના પાઠવું છું. ખૂબ જ શાનદાર રીતે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધે એ પ્રકારે ચૂંટણીનું સંચાલન કરવાની મહાન પરંપરા વિકસીત કરી છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ આ ચૂંટણીમાં પણ જોવા મળ્યું. ગુજરાતના મતદારોનો પણ આભાર માનું છું, તેમણે આ લોકતંત્રના ઉત્સવને આન, બાન અને શાન સાથે ઉજવ્યો. ખૂબ ઉત્તમ પ્રકારે ચર્ચાઓ કરી. ગુજરાતની જનતામાં નીર ક્ષીર વિવેક છે. કે સાંભળે બધાનું અને જે સત્ય છે તેને સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે. અને સ્વભાવના અનુસાર આજે મોટી સંખ્યામાં મતદાન પણ કરી રહ્યા છે. ગુજરાતના મતદાતાઓનો પણ હ્રદયથી આભાર માનું છું.
ગાંધીનગરના કલોલમાં કોંગી ઉમેદવાર સાથે માથાકૂટ
ગાંધીનગરમાં કલોલ ખાતે કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર સાથે માથાકૂટ થવા પામી હતી. જેમાં મોબાઈલ ફોન લઈ જવા બાબતે મામલો બીચકયો હતો. જેમાં હરીફ પાર્ટીના અગ્રણી સાથે માથાકૂટ થવા પામી હતી. અલબત્ત, પોલીસને જાણ થતાં દરમ્યાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
પાટણમાં કોંગી ઉમેદવાર અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ
પાટણમાં આજે સવારે મતદાન દરમ્યાન કોંગીના ઉમેદવાર તથા ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થવા પામી હતી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ભાજપના કાર્યકરો વચ્ચે રકઝક થવા પામી હતી. પાટણના રતનપોળ વિસ્તારમાં આવેલ ગુમડા મસ્જિદ સ્કૂલના મતદાન બુથ બહાર એજન્ટના મામલે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી સાથે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ વચ્ચે ઝપાઝપી થઈ અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ ઉશ્કેરાઈ ગયા હતા. જો કે પોલીસને જાણ થતાં મતદાનનો માહોલ ડહોળાય તે માટે બન્ને ગ્રુપના લોકોને છૂટા પાડયા હતા.
નીતિન પટેલે કહ્યુ .. કયારેક તો નિવૃત્ત થવાનું હોય છે
પૂર્વ ડે સીએમ નીતિન પટેલે આજે મહેસાણાના કડી ખાતે પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતું. નીતિન પટેલે કહ્યું હતું કે કયારેક તો નિવૃત્ત થવાનું હોય છે. હું લગભગ 30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો છું. ગુજરાતમાં લાંબા સમય સુધી કેબિનેટમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ સાથે મે કામ કર્યું છે. હું ડેપ્યુટી સીએમ પણ બની ચૂક્યો છું. હું સંગઠનની પણ ઘણી શાખાઓ સાથે જોડાયેલો છું અને ભાજપ સાથે સતત કાર્યરત રહ્યો છું અને રહીશ.આ વખતે પાટીદારો ભાજપની સાથે રહેવાના છે. 2017માં પાટીદાર આંદોલનના કારણે કેટલીક બેઠકો ઘટી હતી. આ વખતે રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીત મેળવશે.
અમારા બુથ પર ધીમું મતદાન ચાલે છે : જગદીશ ઠાકોર
આજે સવારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે અમદાવાદમાં નરોડા ખાતે મતદાન કર્યુ હતુ. મતદાન બાદ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસને સમર્થન આપનારા મતદારો છે ત્યાં ઈવીએમ મશીન ધીમા ચાલે છે, બીજે ધડપી ચાલે છે. ઠાકોરે કહ્યું હતું કે મતદાન થવું જ જોઈએ, મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને ગમતી પાર્ટીને પસંદ કરે. મતદાન સારું થઈ રહ્યું છે, પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઈએ. કોંગ્રેસના બુથો છે ત્યાં મશીન ધીમા ચાલે છે. બીજાના બુથો છે ત્યાં મશીન બરાબર ચાલે છે. આ કેવું ચૂંટણી પંચ છે, આ કેવી વ્યવસ્થા છે, જેના પર સવાલો થાય છે. જ્યાં ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.
ભાજપ ડરની રાજનીતિ કરી રહી છે : સુખરામ રાઠવા
છોટા ઉદેપુર ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ મતદાન કર્યુ હતું. રાઠવાએ મતદાન બાદ કહ્યું હતું કે ભાજપ ડરાવવાની રાજનીતિ કરી રહી છે. ભાજપ સરકાર દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, અનંત પટેલ પર હુમલો થયો પણ કંઈ થયું નહીં. મોરબી અકસ્માતમાં માત્ર આદિવાસી મજૂર ઝડપાયો હતો. અમારા દાતા ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેની તપાસ થવી જોઈએ. અમારી સરકાર બનશે અને ગુનેગારને સજા થશે.
પાણીની સમસ્યાના પગલે ખેરાલુના ત્રણ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો
ઉત્તર ગુજરાતમાં ખેરાલુ બેઠકના ત્રણ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ખાસ કરીને વરેઠા, ડાલીસણ તથા ડાવોલ સહિતના ગામના લોકોએ મતદાન નહીં કરવાના મામલે કહ્યું હતું કે અમારા ગામો આમ તો ધરોઈ ડેમથી 15 કિમીના નજીકમાં આવેલા છે. તેમ છતાં અમારા ગામના તળાવો ભરાતા નથી. અહીં પશુપાલન તથા ખેતી ખુબ સારી ચાલે છે. તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી અમારી રજૂઆત છતાં, અમને પાણી આપવામાં આવતું નથી. જેના કારણે ના છૂટકે અમારે સરકારના કાને અણારી સમસ્યા ધ્યાને આવે એટલે મતદાનનો બહિષ્કાર કર્યો છે.
ભરતસિંહ સોલકી તથા અમીત ચાવડાએ મતદાન કર્યુ
કોંગીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી તથા અમીત ચાવડાએ પણ આજે સવારે મધ્ય ગુજરાતમાં મતદાન કર્યુ હતું. સોલંકીએ સવારે દેદરડામા મતદાન કર્યુ હતું. જયારે ચાવડાએ આંકલાવમાં મતાદન કર્યુ હતું. સોલંકીએ દુને વધિુ મતદાન કરવા અપીલ કરી હતી. સોલંકીએ કોંગ્રેસની સરકાર બનશે તેવો આશાવાદ વ્યકત્ત કર્યો હતો.