Gujarat

કલોલમાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ચકમક, તોડફોડ કરાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કલોલ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) પૂર્ણ થઇ ગઈ છે. આજે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 5 વાગ્યા સુધીમાં 58.44 ટકા મતદાન નોંધાયું છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા મતદાન થયું છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.38 ટકા મતદાન થયું છે. જો કે આ વચ્ચે કલોલ (Kalol) માં ભાજપ (BJP) અને કોંગ્રસ (Congress) નાં કાર્યકરો વચ્ચે ચકમક થઇ છે. ભાજપનાં કાર્યકરો એક બુથમાં ઘૂસી જતા કોંગ્રેસનાં કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જેથી ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલય ઉપર ઘસી જઈ ખુરશીઓ તોડી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકરોએ તોડફોડ કરી
કલોલમાં મતદાન પૂર્ણ થવાના થોડા જ સમય પહેલા હોબાળો મચી ગયો હતો. વાત એમ હતી કે કલોલનાં પૂર્વ વિસ્તારમાં આવેલા એક બુથમાં ભાજપના કાર્યકરો ઘૂસી ગયા હતા. જેનો કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાના કારણે ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તા વચ્ચે ચકમક શરુ થઇ. કોંગ્રેસે હોબાળો મચાવતા ભાજપના કાર્યકરો કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરના કાર્યાલય ઉપર ઘસી આવ્યા હતા અને ખુરશીઓ તોડી નાખી હતી. ઘટનાના પગલે પોલીસ અને સલામતી રક્ષકોનો કાફલો મોટા પ્રમાણમાં કોંગ્રેસ કાર્યાલય દોડી આવ્યો હતો. જ્યાં એકઠા થયેલા લોકોને વિખેરી મતદાનનો સમય માત્ર એક કલાક હોવાથી મતદાન કરવા લોકોને સમજાવ્યા હતા. તેમજ સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કલોલમાં પાલિકા-પ્રમુખ અને ચૂંટણી અધિકારી વચ્ચે ચકમક
કલોલની શાળા નંબર નવ, ત્રણ આંગળી સર્કલ પાસે વોટિંગ ધીમું ચાલે છે એમ કહીને પાલિકા-પ્રમુખ ઉર્વશીબેન અને ચૂંટણી અધિકારી વચ્ચે ચકમક જરી હતી. આ ઉપરાંત કલોલમાં સંતાનના સ્કૂલની બહાર એક પ્રાઇવેટ ટેબલ મૂકી મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતાં હોવાનો આક્ષેપ કરી ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મતદારો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તો પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળામાં એજન્ટને દૂર કરવા બાબતે હોબાળો થયો હતો.

બેચરાજીમાં ગ્રામજનોનો 7 કલાક સુધી મતદાનનો બહિષ્કાર
 બેચરાજીમાં (Becharaji) પડતર માંગણીઓ પૂરી ન થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર (Villagers boycotted voting) કર્યો હતો. સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી એક પણ ગ્રામજનોએ મતદાન કર્યું નહોતું. જો કે ત્રણ વાગ્યા બાદ સમજાવટ કરી ગ્રામજનોને મતદાન માટે મનાવી લીધા હતા.

Most Popular

To Top