રતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં જ પોતાની આખી પસંદગી કમિટીની જ હકાલપટ્ટી કરી દીધી. હકાલપટ્ટી શબ્દ એટલા માટે ઉપયોગમાં લેવો પડે છે કે ખરેખર તો પસંદગીકારોમાંથી કોઈએ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. BCCI એ જો કે તેમની હકાલપટ્ટી પછી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી પણ લીધી છે. હવે સૌથી પહેલો સવાલ એ આવે છે કે BCCI માં આ નોકરીઓ માટે કોણ અરજી કરશે? હા, તમે સાચું સાંભળ્યું. જો BCCI ટીમ નિષ્ફળ જતાં આવી રીતે પસંદગીકારોની હકાલપટ્ટી કરવાનું પગલું ભરતી હોય તો પણ એવી સંસ્થામાં એ પદે બિરાજવા માટે કોણ આગળ આવશે? આ ઉપરાંત બીજો એક મહત્ત્વનો સવાલ એ છે કે આ પસંદગીકારોની પસંદગી કોણ કરશે? એ ધ્યાનમાં રાખવા જેવું છે કે BCCI અત્યાર સુધીમાં વારંવાર આવું વર્તન કરતી આવી છે. ક્રિકેટ પાછળ ભારતમાં અનેરું ગાંડપણ છે અને તેને ધ્યાને લેતા એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે ક્રિકેટ એ ભારતમાં કાનૂની મનોરંજક નશીલી દવાઓ પૈકીનું એક છે અને માત્ર BCCI જ તેનું વેચાણ કરે છે.
BCCI એકાધિકારવાદી બજારમાં કામ કરે છે એટલું જ નહીં, જો તમે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર છો કે જે ક્રિકેટમાં કામ કરવા માગે છે, તો તમે તેના દુશ્મનોમાંથી એક ન હોઈ શકો. કોમેન્ટેટર્સ, કોચ, મીડિયા પંડિતો, ટેલેન્ટ સ્કાઉટ્સ અને સિલેક્ટર્સની કેરિયર પર BCCIનો અંકુશિત પ્રભાવ છે. હવે જ્યારે સ્થિતિ આવી હોય ત્યારે BCCI માટે પસંદગીકારોના એક સમૂહને બીજા સાથે બદલવાનું કેટલું મુશ્કેલ હોઈ શકે એ વિચારવું રહ્યું. આમ જોવા જઇએ તો એ કામ એટલું મુશ્કેલ પણ નથી અને હોવું પણ ન જોઈએ, પરંતુ તેના માટે યોગ્ય ઉમેદવારોની લાઇન લાગશે એવી અપેક્ષા રાખવી વધુ પડતી કહેવાશે. કદાચ પસંદગીકારોના પદ માટે ઘણી અરજીઓ આવી શકે છે.
પરંતુ ભારતના મુખ્ય કોચ કરતાં વધુ મહત્ત્વની નોકરી હવે સૌથી લાયકાત ધરાવતા વ્યક્તિની અંતિમ પસંદગીની હશે. કોમેન્ટરીમાં થોડી જવાબદારી અને ઘણા ગ્લેમર સાથે થોડું કામ છે. પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ વિસ્તરણ સાથે, પહેલા કરતાં વધુ કોમેન્ટરી જોબ્સ છે. કોચિંગમાં વધુ પૈસા મળે છે પરંતુ જો તમારો કોન્ટ્રાક્ટ લંબાવવામાં ન આવે અથવા તમને અનૌપચારિક રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો ઘણી વખત તેના માટે જાહેરમાં આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે.
જેઓ રમતને અનુસરે છે અને રમે છે તેમના માટે પસંદગીકારો એક પંચિંગ બેગ છે. તેઓ અપ્રિય પરંતુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના કામનો સૌથી સહેલો ભાગ પણ ટીમ મેનેજમેન્ટ સાથે પરામર્શ કરીને 15 ખેલાડીઓની પસંદગી કરવી. જો કે લોકોને તેમનું કામ આકર્ષતું નથી. જે દેશમાં આટલી બધી પ્રતિભા ઉપલબ્ધ છે, ત્યાં તમે કોઈ પણ પસંદગીની બેઠકમાં 10 કે તેથી વધુ ખેલાડીઓને નિરાશ કરો છો. પસંદગીકાર તરીકે તમારે પસંદગી માટેના નજીકના ખેલાડીઓને પસંદ કરવાની સાથે ટીમ માટે શ્રેષ્ઠ સંતુલન જાળવવું પડે છે.
ટોચના 25 ખેલાડીઓને પસંદ કર્યા પછી, તમારી કુશળતા અને તમારી સખત મહેનત એ વાસ્તવિક ઓળખ છે. તમારે તે પછીના 25 ખેલાડીઓનું જૂથ તૈયાર રાખવું પડશે. તમે કેટલીક એવી મેચોને જોઇને આ કામ કરો છો જે ટેલિવિઝન પર નથી આવતી. એવી મેચો જોવા માટે ભારતભરમાં પ્રવાસ કરીને પસંદગીકારોએ આ કામ કરવાનું હોય છે. તમે જુનિયર પસંદગીકારો, કોચ, મેચ રેફરી અને અમ્પાયરોના તમારા અનૌપચારિક નેટવર્કમાંથી માહિતી મેળવો છો. તમે આ ખેલાડીઓની પ્રગતિને તે સ્તર સુધી મેનેજ કરો છો જ્યાં તેઓ દાવેદાર બને છે અને રાષ્ટ્રીય કેપ્ટન અને કોચ દ્વારા તેની નોંધ લેવામાં આવે છે જેઓ સ્થાનિક ક્રિકેટમાં તમામ પર્ફોર્મન્સ પર નજર રાખી શકતા નથી.
ઓછામાં ઓછું આ યોજના કોરોના રોગચાળાને કારણે ‘A’ ટૂર પ્રોગ્રામ મુલતવી રાખવામાં આવી ત્યાં સુધી ઉપયોગી સાબિત થઈ. આ પહેલાં, પસંદગીકારોએ મોટાભાગના પ્રથમ-પસંદગી જૂથ માટે બદલીઓ તૈયાર રાખી હતી. તે સિસ્ટમ થોડી તૂટી ગઈ અને ભારતીય બોર્ડ કોરોના પછી વિકાસલક્ષી ક્રિકેટ પુનઃપ્રારંભ કરવામાં સૌથી ધીમું રહ્યું છે. જો તેને વિસ્તૃત રીતે જોઇએ તો પસંદગીકારો ટીમ મેનેજમેન્ટ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લે છે. તેઓ નક્કી કરે છે કે લાંબા ગાળે ટીમ કઈ દિશામાં જશે. અલબત્ત, આ નિર્ણય ટીમ મેનેજમેન્ટ સાથે મળીને લેવાયો હોય છે પરંતુ ઓછામાં ઓછા કાગળ પર, અંતિમ નિર્ણય પસંદગીકારો પર રહે છે.
તાજેતરમાં પસંદગીકારોના બરતરફ કરાયેલા અધ્યક્ષ ચેતન શર્મા અને તેમની ટીમ સંમત થશે કે – ‘કાગળ પર’ – આ બે શબ્દો મુખ્ય છે. જો તેઓને બોર્ડના પ્રમુખ અથવા સચિવ દ્વારા આટલી સરળતાથી બરતરફ કરી શકાય છે, તો શું એ બુદ્ધિગમ્ય વિચાર ન ગણી શકાય કે તેમાંથી એક અધિકારી સામાન્ય રીતે સચિવ દરેક પસંદગી બેઠકમાં બેસે અને બીજા સામાન્ય રીતે અધ્યક્ષ દરેક પસંદગીની પુષ્ટિ કરે? આ એક એવી કામગીરી છે જેમાં પસંદગીકારોએ નિંદાઓને અવગણીને પ્રામાણિકતા જાળવવાની સાથે જ, ઘણી મુસાફરી કરવી, અદૃશ્ય રહેવું, મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા કે જેના પર ટીમ અને ઘણા ખેલાડીઓનું ભાવિ ટકી રહે છે. આ તમામ કામ અપ્રિય લાગે તેવા છે. ઉપરાંત, તમને કોચને જે મળે છે તેના દસમા ભાગની રકમ જ મળે છે અને બહુ ઓછી ઔપચારિક જવાબદારી ધરાવતા લોકો તેમની શક્તિનો ઉપયોગ કરી શકે છે અને કોઈ પણ સમયે તમને નોકરીમાંથી કાઢી શકે છે. આટલું જ નહીં, તમને કોઈ પબ્લિક સપોર્ટ પણ મળતો નથી.
એમાં કોઇ આશ્ચર્યની વાત નથી કે ઘણા નિવૃત્ત ક્રિકેટરો શક્ય હોય ત્યાં સુધી અન્ય માર્ગો પસંદ કરે છે. ખાસ કરીને જ્યારે ભારતીય ક્રિકેટે તેની વિકાસ પ્રણાલીને પાટા પર લાવવાની સખત જરૂર છે. સીનિયર ટીમમાં રાહુલ દ્રવિડ અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં વીવીએસ લક્ષ્મણ સાથે તેમને ત્રીજા સહયોગીની જરૂર છે જેની સાથે તેઓ યોગ્ય ટીમ બનાવી શકે અને પસંદ કરી શકે. કોર્ટ દ્વારા ભારતીય ક્રિકેટનો હવાલો જેને સોંપાયો હતો તે પ્રશાસકોની સમિતિના સમય દરમિયાન, વરિષ્ઠ કોચ રવિ શાસ્ત્રી, વિકાસલક્ષી કોચ દ્રવિડ અને મુખ્ય પસંદગીકાર એમ. એસ કે પ્રસાદની ત્રિ-માર્ગી ટીમ લગભગ એકીકૃત રીતે કામ કરતી હતી.
ભારતે પ્રગતિશીલ પગલાઓ વિશે ક્યારે ચર્ચા કરવી જોઈએ, જેમ કે સમાન સરળ કામગીરી માટે તેમને ક્રિકેટના નિર્દેશકની જરૂર છે કે કેમ, અથવા શું તેમણે લાલ-બોલ અને સફેદ-બોલ ક્રિકેટ માટે તેમની કોચિંગ ટીમોને વિભાજિત કરવી જોઈએ અથવા જો પસંદગીકારોએ વીડિયો અને ડેટાના રૂપમાં ટેક્નિકલ સપોર્ટની જરૂર છે કે પછી T-20 ક્રિકેટનું જ્ઞાન ધરાવતા કોઇ યુવા, તાજેતરમાં નિવૃત્ત થયેલા પ્રતિનિધિની પસંદગી સમિતિમાં જરૂર હોય ત્યારૈ આ પગલું પાછળ તરફ ભરાયેલું ડગલું જ કહી શકાય. ટૂંક સમયમાં આપણને એ જાણવા મળી જશે કે ભારતીય ટીમોની પસંદગી માટે કોણ આગળ આવ્યું છે. આશા રાખીએ કે તેઓ ભયભીત ન હોય. આશા છે કે, તેઓ ટૂંક સમયમાં જ ટીમ મેનેજમેન્ટ સાથે વર્કિંગ રિલેશનશિપ બનાવી શકશે, કારણ કે આપણે પહેલેથી જ 2023 વર્લ્ડ કપના માર્ગ પર છીએ અને ટેસ્ટ ક્રિકેટ પણ સંક્રમણના મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.