સુરત : મોટા વરાછા ખાતે રહેતા વૃદ્ધ હીરા દલાલને (Diamond Broker) તેમના હમવતની દલાલે એક પાર્ટી રોકડમાં (Cash) હીરા ખરીદવા આવી છે કહીને વિશ્વાસમાં લીધો હતો. અને વૃદ્ધ હીરા દલાલ પાસેથી 20.75 લાખના હીરા લઈને મહિધરપુરા (Mahidharpura) હીરા બજારની (Diamond Market) ભીડમાં રફુચક્કર થઈ ગયો હતો. હીરા દલાલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા મહારાજા ફાર્મની પાછળ શિવધારા કેમ્પસ ફ્લેટ નં. સી-1303 માં રહેતા 59 વર્ષીય વલ્લભભાઈ રામજીભાઈ ભરોળિયા છેલ્લા 20 વર્ષથી મહિધરપુરા હીરા બજાર અને વરાછા મીની બજારમાં હીરા દલાલ તરીકે કામ કરે છે. તેઓ મૂળ ભાવનગરના ગારીયાધારના વતની છે.
દલાલે પાર્ટી રોકડેથી હીરા ખરીદવા આવી હોવાની લાલચ આપી
તેમના વતનના જ સોહીલ ઉર્ફે સુમિત મગનભાઈ સભાડીયા એકાદ વર્ષ અગાઉ હીરા દલાલીનું કામ શરૂ કર્યું હતું. જેને કારણે સોહીલ અવારનવાર વલ્લભભાઈને ફોન કરી બહારથી આવેલી પાર્ટીને હીરા આપવા કહેતો હતો. દરમિયાન 17 સપ્ટેમ્બરે સોહીલે વલ્લભભાઈને ફોન કર્યો હતો. ફોન આવતા વલ્લભભાઈ પોતાની પાસેના 3.75 લાખના 10.58 કેરેટ હીરા લઈ સોહીલને મીની બજારમાં મળ્યા હતા. સોહીલે એક પાર્ટી રોકડેથી હીરા ખરીદવા આવી હોવાનું તથા વધુ હીરા જોઈએ છે તેમ કહ્યું હતું. જેથી વલ્લભભાઈએ તેમના પરિચિત વેપારી હસમુખભાઈ વાલજીભાઈ ભીમાણી પાસેથી બીજા 17 લાખના 63.017 કેરેટ હીરા લીધા હતા. અને કુલ કુલ 20.75 લાખના હીરા સોહીલને આપ્યા હતા.
દલાલ હીરા લઈ ભીડમાં રફુચક્કર થયો હતો
20 લાખના હીરા હાથમાં આવ્યા બાદ સોહીલ પહેલા પીપળા શેરીની એક ઓફિસમાં હીરા બતાવવા ગયો હતો. બાદમાં ત્યાંથી બીજી પાર્ટીને હીરા લીંબુ શેરીના નાકે મહાલક્ષ્મી ચેમ્બર્સમાં બતાવવા જતી વખતે રસ્તામાં સોહીલને કોઈકનો ફોન આવતા તેણે વલ્લભભાઈને કંસારા શેરીમાં બતાવવા જવાનું છે તેમ કહીને ચાલતી પકડી હતી. અને કંસારા શેરીના નાકે સોહીલ હીરા લઈ ભીડમાં રફુચક્કર થયો હતો. અને મિનિટોમાં જ તેનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. ગઈકાલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.