મોટા ભાગનાં લોકો ઈનામ અને પુરસ્કાર વચ્ચે ભેદ કરતા નથી. કોઈક સ્પર્ધામાં વિજેતા બનનારને નવાજવામાં આવે તો એ ‘ઈનામ’કહેવાય છે. કોઈક કામને પોંખવામાં આવે ત્યારે તે ‘પુરસ્કાર’કહેવાય છે. ગુજરાતી ભાષામાં હજી પણ લેખકોને ‘પુરસ્કાર’ચૂકવવાનો રિવાજ છે. પણ અહીં વાત લેખકોની નથી કરવાની. કેન્દ્ર સરકારે વિજ્ઞાનીઓ તેમજ તબીબી ક્ષેત્રના સંશોધકોને અપાતા પુરસ્કારમાં ઘટાડો કરી દેવાનું નક્કી કર્યું છે અને હવે પછી તે કેવળ ‘ખરેખર લાયક’ઉમેદવારો પૂરતા જ મર્યાદિત કરવામાં આવશે. સપ્ટેમ્બર, 2022માં યોજાયેલી એક મીટિંગમાં ગૃહસચિવ અજય ભલ્લાએ આવી ઘોષણા કરી. ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી, ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટૅક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, કાઉન્સિલ ઑફ સાયન્ટિફીક એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી, ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ તેમજ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય જેવા વિજ્ઞાન સાથે સંકળાયેલા દેશભરના વિવિધ વિભાગોના સેક્રેટરીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ આ મિટીંગમાં હતી.
આ મિટીંગમાં વિવિધ મંત્રાલય દ્વારા પોતાના વિભાગો દ્વારા અપાતા માનસન્માન અને પુરસ્કારોની રજૂઆત કરવામાં આવી. જેમ કે, ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી દ્વારા 207 સન્માન એનાયત કરવામાં આવે છે, જે પૈકીનાં ચાર રાષ્ટ્રીય કક્ષાના છે, 97 અંગત થાપણમાંથી છે, 54 કોઈ વક્તવ્ય, શિષ્યવૃત્તિ કે ફેલોશીપ આધારિત છે અને 56 ‘આંતરિક સન્માન’છે. મિટીંગમાં કેવળ રાષ્ટ્રીય સન્માનને રાખીને અન્ય સન્માનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શિષ્યવૃત્તિ કે ફેલોશીપ માટે સુયોગ્ય માનદ વેતન સાથે નવી યોજના વિચારી શકાય એમ ઠરાવવામાં આવ્યું. ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી કામગીરીના આધારે 25 સન્માન આપતું હતું, જે સંબંધિત વિભાગ સાથે સંકળાયેલા જાહેર ક્ષેત્રના એકમ દ્વારા અને 13 અન્ય હતા. આ મીટિંગમાં આ તમામને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેને સ્થાને ‘ઉચ્ચ કક્ષા ધરાવતો’નવો પુરસ્કાર શરૂ કરવાનું નક્કી થયું.
વિવિધ વિભાગો દ્વારા આ રીતે અમુક સન્માન રાખવામાં આવ્યા અને ઘણી મોટી સંખ્યામાં માનસન્માનને બંધ કરવામાં આવ્યા. કેન્દ્ર દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સાથે મસલત કરીને ‘નોબેલ પુરસ્કાર જેવો’, ખાસ વિજ્ઞાન માટેનો ‘વિજ્ઞાનરત્ન’પુરસ્કાર શરૂ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ પુરસ્કારનું મહત્ત્વ ‘ભારતરત્ન’જેવું હોઈ શકે.
અહીં સવાલ એ થાય કે વિજ્ઞાનને લગતી નીતિઓનો નિર્ણય ગૃહ મંત્રાલય શી રીતે લઈ શકે? અજય ભલ્લાએ આ બાબતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું, સન્માનની પ્રણાલીને પરિવર્તિત કરવાનું દર્શન ગણાવ્યું, જેમાં ‘ખરેખર લાયક ઉમેદવારો’ની પસંદગીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરાશે એમ જણાવવામાં આવ્યું છે.
કર્ણાટકના અગ્રણી દૈનિક ‘ડેક્કન હેરલ્ડ’ના તંત્રીલેખમાં આ બાબતને સરકારની ગંભીર ભૂલ ગણાવવામાં આવી છે. તેમાં જણાવાયા અનુસાર વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે દર્શન આટલું સંકુચિત ન હોવું જોઈએ કે જેમાં વિશાળ સંખ્યામાં વિજ્ઞાનીઓ અને સંશોધકોને ઉવેખવામાં આવે. વિજ્ઞાનમાં નોંધપાત્ર સિદ્ધિ માટે વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા અપાતાં અનેક પારિતોષિકને એક ઝાટકે બંધ કરીને ગણ્યાગાંઠ્યા રાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરવામાં આવે એ ઈચ્છનીય નથી.
આ અખબારના જણાવ્યા અનુસાર આ નીતિ સાવ ખોટી છે અને તેનાથી દેશના વિજ્ઞાનશિક્ષણ અને સંશોધન ક્ષેત્રને ઘણું નુકસાન થશે. વિજ્ઞાનીઓ અને સંશોધકોને નવાજવા માટે વિવિધ સ્તરે વિવિધ પ્રકારના પુરસ્કાર હોવા જોઈએ. તેને કારણે તેઓ પ્રોત્સાહિત થશે અને પોતાનું ઉત્તમ પ્રદાન આપી શકશે. આ પ્રકારના સન્માનનો એક હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનની વિવિધ શાખાઓને કારકિર્દી તરીકે અપનાવવા માટે પ્રેરવાનો પણ છે.
એ બાબત યાદ રાખવી જરૂરી છે કે પ્રતિષ્ઠિત પુરસ્કાર પામતા મોટા ભાગના વિજ્ઞાનીઓ પોતાની કારકિર્દીમાં અગાઉ નાનાં સન્માનોથી સન્માનિત થઈ ચૂક્યા હોય છે. દેશના હજારો કે લાખો વિદ્યાર્થીઓ અને સંશોધકો વચ્ચે કેવળ પાંચ-છ મુખ્ય રાષ્ટ્રીય પુરસ્કારો વહેંચાવાના હોય તો એનો શો અર્થ? વિજ્ઞાન અને ટૅક્નોલોજીના ક્ષેત્રે ભારતે હજી ઘણો વિકાસ સાધવાનો બાકી છે, અને એમ થઈ શકે એ માટે પુરસ્કાર અંગેની નીતિને વધુ વ્યાપક, વિજ્ઞાનને પ્રોત્સાહિત કરે એવી હોવી જોઈએ. તેને બદલે આ નીતિ વધુ સાંકડી બનાવાઈ રહી છે. ‘એક રાષ્ટ્ર, એક વેરો’જેવાં ગતકડાંની જેમ ‘એક રાષ્ટ્ર, એક પુરસ્કાર’જેવું ગતકડું આ જણાય છે. વર્તમાન સરકાર વિજ્ઞાન અને ટૅક્નોલોજીનો ઉપયોગ મહત્તમ કરે છે, પણ વૈજ્ઞાનિક અભિગમના પ્રસાર માટે નહીં! અંધશ્રદ્ધા, જૂઠાણાં અને ઠાલા ગૌરવના ઝડપી પ્રસાર તેમજ તેના થકી ઝડપભેર થઈ જતા સામાજિક વિભાજન માટે વિજ્ઞાન અને ટૅક્નોલોજીને દોહી લેવામાં આવે છે.
આપણા દેશમાં વખતોવખત વિવિધ મુદ્દાઓને ચગાવીને એટલો બધો ઘોંઘાટ પેદા કરવામાં આવે છે કે આ પ્રકારના મુદ્દાઓ વિશે ભાગ્યે જ કશી વાત થઈ શકે છે. ચૂંટણી હવે સાધન રહી નથી, બલ્કે એ સાધ્ય બની રહી છે. બેશરમી, નફ્ફટાઈ અને જૂઠાણાં માટેનું ગૌરવ સમાજમાં મૂલ્યો તરીકે સ્થાપિત થવા માંડે એ માટે કેવળ રાજકારણીઓને જવાબદાર ઠેરવી શકાય એમ નથી. કહેવાતા રાષ્ટ્રગૌરવની વાત કરનારા નાગરિકો ચૂંટણીઓ આવે ત્યારે પોતાની સોસાયટીમાં આવેલી પોતાની ગલીથી બહારનું વિચારી શકતા નથી. આ બાબત રાજકારણીઓ બરાબર જાણે છે, અને તેનો બરાબર કસ કાઢે છે. આવાં નાગરિકો વિજ્ઞાન અને ટૅક્નોલોજીની સરકાર દ્વારા કરાનારી આવી કુસેવા બદલ અવાજ ઉઠાવે એ વિચારવું વધુ પડતું લાગે છે. વિજ્ઞાનના ઉપયોગથી જ્યાં અવૈજ્ઞાનિક અભિગમનો જ પ્રસાર કરાઈ રહ્યો હોય એવાં નાગરિકો પાસેથી બીજી અપેક્ષા પણ શી રખાય!
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.