સુરત: સુરત શહેરમાં આજે સવારે 11 કલાકે વીજળી ડુલ થઈ જતા કતારગામ, સિંગણપોર રોડ, ચીકુવાડી, વરાછા રોડ, લંબે હનુમાન રોડ, સલાબતપુરા, ચોક, બેગમપુરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં 15 મિનીટ સુધી મતદાન બંધ રહ્યું હતું. ચાલુ મતદાને પાવર કાપ થતાં મતદારો અકળાયા હતા. ટોરેન્ટની કામરેજ લાઈનમાં ફોલ્ટ થતાં પાવર કાપ થયો હતો. ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ફોલ્ટ રીપેર કરી દેતાં 7 મિનીટ બાદ પાવર પૂર્વવત્ત થયો હતો અને મતદાન ફરી શરૂ થયું હતું.
પાવર કટની ઘટનાને પણ રાજકારણ સાથે સાંકળવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાનીએ આક્ષેપ કર્યો હતો કે, કતારગામમાં ટોરન્ટ કંપનીનો વીજ પાવર છે, ચાલુ દિવસોમાં કોઇ દિવસ પાવર ગયો નથી ને આજે ડિઝીટલ ઇન્ડીયામાં 15 મીનીટથી મતદાન મથકોની સ્કૂલો પર પાવર કટ થયો છે. જે શંકાસ્પદ છે. આ તરફ બેગમપુરા વિસ્તારમાં પાવર કાપ થતાં ઉત્તર વિધાનસભા બેગમપુરા વિરમગામી મહોલ્લા ની શાળા માં મતદારો મત આપ્યા વિના પરત ફર્યા હતા.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
તેથી કોંગ્રેસના અસદ કલ્યાણી સ્કૂલની અંદર ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના મતદારોને મતદાન કરતા અટકાવાયા હોવાના આક્ષેપ સાથે કલ્યાણી પોતાના સમર્થકો સાથે મતદાન કેન્દ્રની અંદર જ ધરણાં પર બેસી જતા પોલીસ અને ચૂંટણી પંચના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. ટીંગાટોળી કરી તેઓને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.
કતારગામમાં આક્રમક મતદાનના લીધે નવાજૂનીના એંધાણ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા આ વખતે કતારગામની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. અહીં આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું ત્યારે ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું હતું, પરંતુ 9 વાગ્યા બાદ ચિત્ર બદલાયું હતું અને ખૂબ મોટી માત્રામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. તેથી કેટલાંય મતદાન મથકો પર લાંબી લાઈનો લાગી હતી. આક્રમક મતદાન શરૂ થતાં અહીં નવાજૂનીના એંધાણ વર્તાયા હતા.
મોબાઈલ નહીં લઈ જવા બાબતે ઘર્ષણ
સુરતમાં પાવર કાપ ઉપરાંત કેટલાંક મતદાન કેન્દ્રો પર મોબાઈલ લઈ જવા મામલે પણ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ચૂંટણી પંચના કર્મચારી અને પોલીસ દ્વારા મતદારોને મોબાઈલ લઈ જતા અટકાવાયા હતા, જેના લીધે સંઘર્ષ થયો હતો.