Business

ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રની અનોખી પહેલ: દુર્ગમ વિસ્તારોમાં શેડો મતદાનમથક ઊભાં કરાયાં

ભરૂચ: જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી (Election) મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીતંત્ર તડામાર કામગીરી કરી રહ્યું છે. આ સાથે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધારવા જિલ્લા ચૂંટણીતંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લાના ૧૫૨-ઝઘડિયા વિધાનસભા બેઠકમાં નેત્રંગ તાલુકામાં કુલ સાત જેટલા શેડો મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે. તે સાથે જિલ્લામાં યુવા મતદાર મથકો, દિવ્યાંગ મતદાનમથકો અને સખી મતદાન મથકો પણ બનાવાયાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર વતી અનોખી પહેલના ભાગરૂપે દુર્ગમ વિસ્તારોમાં શેડો મતદાન મથક ઊભાં કરાયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુર્ગમ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે દુરસંચાર માધ્યમનો અભાવ હોય છે. લોકશાહીના મહાપર્વમાં આ વિસ્તારના લોકોને પોતાની પવિત્ર ફરજ બજાવવામાં વિઘ્નરૂપ ન બને તેને દૂર કરવાની અનોખી પહેલ છે. વન વિભાગના વોકીટોકી ઉપકરણનો ઉપયોગ સંચાર માધ્યમના વિકલ્પ તરીકે કરીને શેડો મતદાન મથકોમાં બનાવામાં આવ્યા છે. વધુમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવેલાં આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કીમતી મત આપવા આવવાનું મન થઈ આવે ! આ મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ બન્યા છે. જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં નેત્રંગ તાલુકામાં આ વખતે સાત જેટલા શેડો મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે, જેમાં (૧) ૭૪ નંબરનું બૂથ- ઉમરખડા (૨) ૯૦ નંબરનું બુથ, કોલિયાપાડા, (૩) ૯૧ નંબરનું બૂથ- વાંકોલ, (૪) ૯૨ નંબરનું બૂથ-વણખૂટા (૫) ૯૩ નંબરનું બૂથ – સજણવાવ (૬) ૧૨૧ નંબરનું બૂથ-મચામડી (૭) ૧૨૨ નંબરનું બૂથ-મુગજનો સમાવેશ થાય છે.

Most Popular

To Top