સુરત: સુરતમાં (Surat) એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં એક ભેંસ (Buffalo) માટે બે જૂથ વચ્ચે મારામારી (Fight) થઈ છે. મામલો એટલો બગડ્યો હતો કે ધારિયા ઉછળ્યા અને લોહીની ધારાઓ છૂટી છે. સચીન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ દાખલ થઈ છે. સચીનની સિદ્ધિવિનાયક રેસીડેન્સીમાં રહેતા ખેડૂત શિવમ દેસાઈએ સચીન પોલીસ સ્ટેશનમાં ભરત અને અંકીત દેસાઈ વિરુદ્ધ ફરિયાદ આપી છે.
- સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
- ભેંસ વેચ્યાના ચાર મહિના બાદ પણ 80 હજારનું પેમેન્ટ નહીં આપતા બબાલ
- રૂપિયા ઉઘરાવવા ગયેલા ભેંસના મૂળ માલિક પર ધારિયાથી હુમલો
- તું રૂપિયા લેવા ઘરે કેમ આવ્યો કહી, મારામારી કરી
શિવમ દેસાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેમના મિત્ર પિયુષ જાધવે ચાર મહિના પહેલાં પોતાની ભેંસ લાજપોર ગામના ઈદગા ફળિયામાં રહેતા ભરત અને અંકીત દેસાઈને વેચી હતી. જે પેટે 80 રૂપિયા પિયુષ જાધવે લેવાના થતા હતા, પરંતુ ભરત અને અંકીત દેસાઈ દ્વારા ચાર મહિનાથી તે આપવામાં આવ્યા નહોતા. દરમિયાન શિવમ દેસાઈ મિત્રના પુત્ર લગ્નમાં ગયા હતા ત્યાં અન્ય મિત્ર દિવ્યેશ સિંહ અને તેમના બનેવી પિયુષ જાધવ મળ્યા હતા.
અહીં પિયુષ જાધવે એવું કહ્યું હતું કે ભરત અને અંકિત દેસાઈને ચાર મહિના પહેલાં ભેંસ વેચી છે, તેનું 80 હજારનું પેમેન્ટ તેઓ આપી રહ્યાં નથી. તેથી શિવમ દેસાઈ અને જયશકુમાર પેમેન્ટ માટે પિયુષ જાધવ સાથે ગયા હતા. આ લોકોને જોઈ ભરત અને અંકિત દેસાઈ ઉશ્કેરાયા હતા અને ધારિયા જેવું હથિયાર લઈ પિયુષકુમારને મારવા દોડ્યો હતો. ત્યારે જયેશ અને શિવમ છોડાવવા વચ્ચે પડ્યા હતા ત્યારે અંકીતે જયેશકુમારને પીઠના ભાગે ધારીયું મારી દીધું હતું. ભરત દેસાઈએ પણ જયેશને માથાના ભાગે ધારીયું માર્યું હતું. ઈજાગ્રસ્ત જયેશ રસ્તા પર પડી ગયા હતા અને લોહીનું ખાબોચિયું ઉભરાયું હતું. તેમને સારવાર માટે લાજપોરની રહેમિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિયુષ કુમારને પણ આ મારામારીમાં ઘુંટણના ભાગે ફ્રેક્ચર થયું હતું. સચીન પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.