સુરત: સામાન્ય રીતે ગુજરાતમાં (Gujarat) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરે છે એ કામ નિર્ધારિત સમયમાં અથવા એ પહેલા પૂર્ણ થાય છે. પણ સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર 2019માં વડાપ્રધાન મોદીએ ખાતમુહૂર્ત કરેલા 353 કરોડનાં કામોમાંથી એકપણ કામ પૂર્ણ થયું નથી. નવાઈની વાત એ છે કે, કોવિડનું (Corona) કારણ ધરી ત્રણથી ચારવાર કામ પૂર્ણ કરવાની મુદતમાં વધારો થવા છતાં પાર્કિંગ એપ્રન, ટેક્સી-વે અને ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણનું કામ પૂર્ણ થયું નથી. 31 માર્ચ-2022 સુધી વધુ એક મુદતમાં વધારો જાહેર થયો હોવા છતાં આ કામો આ વર્ષે પણ પૂરાં નહીં થાય.
નવાઈની વાત એ છે કે, કોન્ટ્રાક્ટરે પાર્કિંગ એપ્રન માટે ખોદેલા ખાડામાં પાણીના ભરાવાનો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થતાં વડાપ્રધાનની સુરત મુલાકાત પહેલાં તંત્ર ખાડામાંથી પાણી કાઢવા લાગ્યું હતું. તંત્ર સુપેરે જાણે છે કે, સુરત એરપોર્ટ બર્ડ હિટની ઘટના માટે જાણીતું હોવા છતાં રન-વેને કનેક્ટેડ નવા પાર્કિંગ એપ્રન માટે ખાડામાં વરસાદી પાણી ત્રણ મહિનાથી ભરાયેલું રહ્યું હતું. એ દરમિયાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અશોક ગેહલોત, અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓની વીવીઆઈપી મૂવમેન્ટ રહી છતાં આ બેદરકારી દાખવવામાં આવી હતી.
હજુ ટર્મિનલ બિલ્ડિંગનું પણ સ્ટ્રક્ચર જ ઊભું કરવામાં આવ્યું છે. ઇન્ટરનલ કોઈ કામ થઈ રહ્યું નથી. 353 કરોડનાં ત્રણેય કામો ગોકળ ગાય ગતિથી ચાલતાં એરલાઈન્સ કંપનીઓએ સુરતથી એર ઓપરેશન બંધ કરતાં એક સમયે રોજ 26 ફ્લાઇટ ઉડાન ભરતી હતી હતી, એ સંખ્યા માત્ર 11 રહી ગઈ છે. સુરત એરપોર્ટના હયાત રન-વે પર લેન્ડિંગ માટે વાઈડ બોડી એરક્રાફ્ટને ગેરકાયદે બાંધકામોની ઊંચાઈ નડી રહી છે. એના લીધે ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાથી એરલાઈન્સ દૂર રહે છે. સુરતના ભાવિ વિકાસ માટે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે નવી જગ્યા અથવા હયાત સુરત એરપોર્ટની નજીકની જગ્યા સુરત એરપોર્ટને ફાળવવા કોઈ આયોજન જણાતું નથી. જાન્યુઆરી-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, એપ્રન અને પેરેલલ ટેક્સી ટ્રેક સહિત 353 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા હતા. આ કામો સાડા ત્રણ વર્ષે પણ પૂર્ણ થયાં નથી.
તાજેતરમાં પીએમઓના આદેશથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનને નિરીક્ષણ માટે તાજેતરમાં સુરત મોકલ્યા હતા. એ પછી ટર્મિનલ બિલ્ડિંગનું કામ રાત-દિવસ ચાલતાં બંને તરફના વિસ્તરણ સાથેનું માત્ર સ્ટ્રક્ચર ઊભું થયું છે. જો કે, હજી એલિવેશન અને ઇન્ટિરિયર વર્ક બાકી છે. એ જોતાં 31 માર્ચ-2023 સુધી ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જશે એવી ફરી ખાતરી આપવામાં આવી છે. જ્યારે પેરેલલ ટેક્સિ ટ્રેક અને પાર્કિંગ એપ્રનનાં કામો 2023ના અંતે પણ પૂર્ણ થઈ જાય એવી શક્યતા જણાતી નથી. 2019માં વડાપ્રધાને કહ્યું હતું કે, ભાજપ સરકાર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં અને તેને જનતાને સમર્પિત કરવામાં માને છે. પણ આ પ્રોજેક્ટ ખૂબ વિલંબથી ચાલી રહ્યા છે.
સુરત એરપોર્ટનો પેરેલલ ટેક્સી ટ્રેક (PTT) અને એપ્રોન પ્રોજેક્ટ અને ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ પ્રોજેક્ટ સુરતને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવા માટે છે. સેન્ટ્રલાઈઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) કે જેનું PMO દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે તેના જવાબમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ (વેસ્ટર્ન રિજન), જી પ્રબહર્ને જવાબ આપ્યો કે, PTTનું ફેસ વનનું કામ 31 ડિસેમ્બર-2022માં, જ્યારે ફેસ ટુનું કામ ઓગસ્ટ-2023માં પૂર્ણ થશે. અગાઉ PTT પ્રોજેક્ટની પૂર્ણતાની સમયમર્યાદા ડિસેમ્બર-2021 માટે નિર્ધારિત કરવામાં આવી હતી.
નવી એરલાઈન્સ પીટીટી, એપ્રનના કામમાં આવા વિલંબને કારણે આવવાનું ટાળી રહી છે. જે ફ્લાઈટ ચાલી રહી છે એ પણ એક પછી એક બંધ થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન પાસે સુરતીઓની અપેક્ષા વધી છે કે તેઓ સીધો આદેશ આપી અથવા નિષ્ક્રિય અધિકારીઓને સ્થાને સક્રિય અધિકારી મોકલી આ કામો ઝડપથી પૂરા કરાવે.