Business

પૂરતી સુવિધાઓ નહીં મળતાં સુરતથી ફ્લાઈટની સંખ્યા ઘટી જેની સીઘી અસર પેસેન્જરો પર જોવા મળી

સુરત: દિવાળીમાં (Diwali) મોંઘા ટિકિટ (Ticket) દરની સાથે સુરત (Surat) એરપોર્ટ (Airport) પર સુવિધાના અભાવે ફ્લાઈટ સંખ્યા ઘટતાં પેસેન્જર સંખ્યામાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. મે 2022માં જ્યાં 1,31,453 અને માર્ચમાં 1,14,468 પેસેન્જર નોંધાયા હતા ત્યાં ઓક્ટોબરમાં માત્ર 1,01,366 પેસેન્જર નોંધાયા છે. ઓક્ટોબર મહિનામાં 1273 ડોમેસ્ટિક અને 22 ઇન્ટરનેશનલ ફ્લાઈટની અવરજવર રહી હતી. જેના લીધે 99,338 ડોમેસ્ટિક અને 2028 ઇન્ટરનેશનલ પેસેન્જર નોંધાયા છે.

સુરત એરપોર્ટ પર એરલાઈન્સ કંપનીઓને પૂરતી સુવિધાઓ નહીં મળતાં અગ્રણી એરલાઈન્સ કંપનીઓ ફ્લાઈટ સંખ્યા ઘટાડી રહી છે. જેની અસર સુરત એરપોર્ટના પેસેન્જર ગ્રોથમાં જોવા મળી રહી છે. 2019માં જ્યાં મહિને સર્વાધિક 1.50 લાખથી વધી પેસેન્જર નોંધાયા હતા, એની સરખામણીએ 2022માં પેસેન્જર સંખ્યા ઓછી થઈ રહી છે. વિન્ટર શિડ્યુલમાં માત્ર 12 ફ્લાઈટ થઈ જતાં ડોમેસ્ટિક પેસેન્જર સંખ્યા ઘટી અગાઉના માર્ચથી જુલાઈ માસની સરખામણીએ ઘટી છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2022 સુધી સુરત એરપોર્ટથી કુલ 10,54,891 પેસેન્જરની અવરજવર રહી હતી. માર્ચ-2022થી સુરત એરપોર્ટ પર પેસેન્જર સંખ્યા સતત એક લાખથી વધુ રહેતી આવી છે. જો કે, 2019માં 26 ફ્લાઈટ સુરત એરપોર્ટથી કાર્યરત હતી. ત્યારે પ્રતિ માસ પેસેન્જર સંખ્યા 1.5 લાખ પર પહોંચી હતી.

અપૂરતી સુવિધાને લઈ એરલાઈન્સ સુરતથી ફ્લાઈટ સંખ્યા ઓછી કરી રહી છે. ગો ફર્સ્ટ એરલાઈન્સ કંપનીએ પણ જાહેર કરેલી ફ્લાઈટ સ્થગિત કરી હતી. સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને એર ઇન્ડિયાએ ફ્લાઈટ સંખ્યા ઘટાડી છે. વિમાન પાર્કિંગ, સ્લોટના પ્રશ્નો, ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, ટેક્સી વે, એપ્રન સહિતનાં વિકાસનાં કામોમાં વિલંબ સહિતના પ્રશ્નોને લીધે એરલાઈન્સ એમની સેવાઓ સંકેલી રહી છે.

જાન્યુઆરીથી ઓક્ટોબર-2022 સુધી કેટલી પેસેન્જર સંખ્યા થઈ
જાન્યુઆરી-79,906, ફેબ્રુઆરી-84,014, માર્ચ-1,14,468, એપ્રિલ-1,02492, મે-1,31,453, જૂન-1,11,388, જુલાઈ-1,01507, ઓગસ્ટ-100243, સપ્ટેમ્બર-93961, ઓક્ટોબર 1,01366

ચૂંટણીને લીધે વીઆઇપી મૂવમેન્ટ વધતાં ઓક્ટોબરમાં ફ્લાઈટ સંખ્યા વધી
સુરત એરપોર્ટ પર સપ્ટેમ્બરમાં 1094 ફ્લાઈટ સંખ્યા હતી એ ઓક્ટોબરમાં વધીને 1273 થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિતના આગેવાનોની અવરજવર વધતાં ઓકટોબર-નવેમ્બર માસમાં 44 પૈકી 12 વીઆઇપીઓમાં મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સિસોદિયા,, અસદઉદ્દીન ઓવૈસી, યોગી આદિત્યનાથ, પીયૂષ ગોયલ, અશોક ગેહલોત સુરત એરપોર્ટ આવ્યા હતા.

Most Popular

To Top