Gujarat

સીટિંગ ધારાસભ્ય કપાઈ જવાને કારણે કોંગ્રેસના ગઢ સમાન બાયડ પર ખરાખરીનો જંગ

ગાંધીનગર: અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ કહેવાય છે , જો કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર ચોપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. જયારે ભાજપમાંથી ભીખીબેન પરમાર, આપમાંથી ચુનીભાઈ પટેલ તથા અપક્ષ ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યાં છે. જેના પગલે આ વખતે બાયડ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે.એકંદરે 17 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, જેના કારણે મતો કપાવવાની સંભાવના વધારે છે, એટલે વિજેતા ઉમેદવારની લીડ (સરસાઈ) ઘટી જવાની છે.

1990,1998 તથા 2007માં ભાજપનો આ બેઠક પર વિજય થયો છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાનો 35923 મતથી વિજય થયો હતો. જયારે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલાનો માત્ર 7901 મતથી વિજય થયો હતો. વર્ષ 2018માં મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્રણ મહિના પછી તેમણે ભાજપને પણ રામ રામ કરી દીધા હતા. 2017 પછી રાજયસભાની ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિગ કર્યુ હતું. તે પછી બંને ભાજપમાં જોડાયા હતા.

આ ઘટનાક્રમ પછી બાયડની પેટા ચૂંટણી વખતે કોંગ્રેસે જશુ પટેલને ટિકિટ આપી હતી અને ધવલસિંહ ઝાલાનો 793 મતથી પરાજય થયો હતો. જેના કારણે 2022ની ચૂંટણીમાં ભાજપની નેતાગીરીએ બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને પડતાં મૂકીને, તેમના સ્થાને ભીખીબેન પરમારને ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસે પણ પોતાના વર્તમાન ધારાસભ્ય જશુ પટેલને પડતાં મૂકીને તેમના સ્થાને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના ટિકિટ આપી દીધી છે. જેને કારણે આ બેઠક કશ્મકશ બની છે. આ બેઠક પર છેલ્લી જીતનું માર્જિન જોતાં તેમજ આપના ઉમેદવારની હાજરી જોતાં કોઈપણ પક્ષ જીતી શકે તેવી સ્થિતિ છે.

Most Popular

To Top