અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) લઈ ઉમેદવારી પત્ર પરત કરવાના છેલ્લા દિવસે આજે દેવગઢબારિયા બેઠક ઉપરના એનસીપીના (NCP) ઉમેદવારે ફોર્મ પરત ખેચતા મોટો અપસેટ સર્જાયો હતો, અને હવે ભાજપ (BJP) અને આપ (AAP) વચ્ચે સીધી ટક્કર રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રણ સીટોનું ગઠબંધન થયેલું છે. જે પૈકી દેવગઢબારિયા બેઠક એનસીપીને ફાળવવામાં આવી હતી. એનસીપીના ઉમેદવાર તરીકે ગોપાલસિંહ લવારે ઉમેદવારી કરી હતી, પરંતુ આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે એનસીપી ઉમેદવાર ગોપાલસિંહે ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
દેવગઢબારિયા વિધાનસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા હવે ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર થશે. આ પહેલા અમદાવાદની નરોડા બેઠક પર જે એનસીપીને ફાળવવામાં આવી છે. તેમાં પણ છેલ્લી ઘડીએ ઉમેદવારે ફોર્મ ભરવાની ના પાડતા એનસીબીએ તાત્કાલિક નવા ઉમેદવાર મેન્ડેટ આપી ઉમેદવારી ફોર્મ ભરાવ્યું હતું.
એનસીપીના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચવીએ દુઃખદ ઘટના- કોંગ્રેસ
દેવગઢ બારિયામાં એનસીપી ઉમેદવાર દ્વારા આજે ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ ઘટના દુઃખદ હોવાનું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું હતું કે અમે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી સાથે ગઠબંધન કરી તેઓને ત્રણ બેઠકો આપી છે, અને એનસીપી દ્વારા ત્રણેય બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવવામાં આવી છે. પરંતુ આ ગઠબંધન નિભાવવાની જવાબદારી એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીની હતી, તેમ છતાં દેવગઢ બારિયામાં એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, જે દુઃખદ બાબત છે.