Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 11.74 લાખથી વધુ યુવા મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે

ગાંધીનગર: આગામી વિધાનસભાની (Assembly) સામાન્ય ચૂંટણીમાં (Election) વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (Election Officer) પી. ભારતી દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે કેન્દ્રિય ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું છે કે, કેન્દ્રિય ચૂંટણી પંચના નવતર અભિગમના પરિણામે યુવા મતદારોમાં મતદાન કરવાના ઉત્સાહમાં વધારો થયો છે.

5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
તેમણે કહયું હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે. જ્યારે ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે.

યુવા મતદારોની લાયકાતમાં સુધારો કર્યો
તેમાં છોટાઉદેપુરમાં 20,638, મહીસાગરમાં 21,323, અરવલ્લીમાં 23,084, ગાંધીનગરમાં 27,599 અને સાબરકાંઠામાં 31,076 યુવા મતદારો છે. રાજ્યમાં 182 બેઠકો પર યોજાનારી ચૂંટણીનાં બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.અગાઉ કોઈ યુવાનની ઉંમર 1લી જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તેને તે વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો હતો. મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ યુવાઓ ભાગીદાર બને અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17 જૂન, 2022ના રોજ રજિસ્ટ્રેશન ઑફ ઈલેક્ટોરલ રૂલ્સ, 1960માં આનુસાંગિક ફેરફાર કરીને યુવા મતદારોની લાયકાતમાં સુધારો કર્યો છે.

Most Popular

To Top