દેલાડ: (Delad) ઓલપાડના (Olpad) નરથાણ ગામની ખેતીલાયક જમીનના (Land) મહિલા માલિકે હયાતીમાં વહીવટી પાવર આપ્યા બાદ તેમનું વર્ષ-૨૦૧૬માં મૃત્યુ થયા પછી પાવર (Power) રદ થયો હતો. તેમ છતાં પાવરદારોએ રદ થયેલા પાવરનો દુરુપયોગ (Misuse) કર્યો હતો અને મૃત જમીન માલિકને (Landlord) જીવિત બતાવી તેમના નામે ખોટા લખાણથી બનાવતી દસ્તાવેજ ઊભો કરી વેચાણ દસ્તાવેજથી જમીન વેચાણ કરવાના ગુનાની ફરિયાદમાં ઓલપાડ પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
- માલિકના અવસાન બાદ રદ થયેલા પાવરનો દુરુપયોગ કરી જમીન વેચી મારવાનું કૌભાંડ
- મૃત જમીન માલિકને જીવિત બતાવી તેમના નામે ખોટા લખાણથી બનાવતી દસ્તાવેજ ઊભા કર્યા હતા
- નરથાણના જમીન વેચાણ કૌભાંડ મામલે પાંચ ઈસમ સામે પોલીસે ગુનો નોંધ્યો
ઓલપાડ પોલીસ સ્ટેશનમાં રાજુગીરી ગણપતગીરી ગોસાઇ (ઉં.વ.૫૫) (ધંધો-ગેરેજ) (હાલ રહે.,૧૦૫, કૃષ્ણકુંજ, બી.એસ.એન.એલ. ઓફિસની પાસે, પાલનપુર રોડ, અડાજણ-સુરત)ખાતે રહે છે. તેઓ મૂળ ઓલપાડના નરથાણ ગામના દર્ભેશ્વરનગરના વતની છે. તેમણે ઓલપાડ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કાકી કુસુમબેન નટવરગીરી હરિગીરીનું ગત તા.૨૬/૦૩/૨૦૧૬ના રોજ મૃત્યુ થયું હતું. કુસુમબેને નરથાણની રેવન્યુ સરવે નં.૨૭૭/૧/અના રેવન્યુ બ્લોક નં.૩૪૬ વાળી જમીનનો વહીવટી પાવર ઘનશ્યામ લાલજી મીયાણી તથા લલિત વિઠ્ઠલભાઈ મીયાણીની પત્ની નીલમબેનને આપ્યો હતો. જ્યારે રાજુગીરીના કાકી સ્વ.કુસુમબેન નટવરગીરીની હયાતી દરમિયાન આરોપી ઘનશ્યામ મીયાણી તથા નીલમબેન મીયાણીને આપેલો પાવર ઓફ એટર્ની કુસુમબેનના અવસાન બાદ રદપાત્ર હોવા છતાં આ પાવર ઓફ એટર્નીનો ઘનશ્યામ મીયાણી તથા નીલમબેન મીયાણીએ ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
આ પાવરના આધારે ફરિયાદીની વડીલોપાર્જીત નરથાણની રેવન્યુ સરવે નં.૨૭૭/૧/અના રેવન્યુ બ્લોક નં.૩૪૬ વાળી જમીનના કુલ ક્ષેત્રફળ પૈકીની મૃતક કુસુમબેન નટવરગીરીના હિસ્સાની અડધા હિસ્સાની ૨૯૩૪ ચો.મી. જમીન અલ્પેશ મીયાણી, લલિત મીયાણી તથા જગદીશ મોતીસરિયાને તા.૨૨/૯/૨૦૨૦થી વેચાણ દસ્તાવેજ નં.૭૦૦૨થી વેચાણ આપી દીધી હતી. જો કે, મરણ ગયેલાં કુસુમબેન નટવરગીરીનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ નં.૭૦૦૨,તા.૨૨/૯/૨૦૨૦માં નોંધણી થયો હતો. જ્યારે તે પહેલા ં સને-૨૦૧૬માં તેમનું મરણ થયું હોવા છતાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજ નં.૭૦૦૨ તા.૨૨/૯/૨૦૨૦માં તેઓ હયાત હોવાની ખોટી વિગત આરોપીઓએ દર્શાવી હતી અને ખોટાં લખાણો સાથે ખોટો બનાવાટી દસ્તાવેજ ઊભો કરી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
એટલું જ નહીં પણ સબ રજિસ્ટ્રાર રૂબરૂ ખોટા જવાબ આપી તથા ખોટું સોગંદનામું રજૂ કરી જમીન વેચી નાંખવાનો ગંભીર પ્રકારનો ગુનો કરતાં ઓલપાડ પોલીસે ફરિયાદના પગલે ઘનશ્યામ લાલજીભાઇ મીયાણી (રહે., એ/૧૩/૧૪, રાધેશ્યામ સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, વેડ રોડ, સુરત), નીલમબેન લલિત મીયાણી તથા લલિત વિઠ્ઠલ મીયાણી(બંને રહે.,એ/૪, રાજદીપ સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, વેડ રોડ, સુરત), અલ્પેશ ઘનશ્યામ મીયાણી (રહે.,એ/૧૩/૧૪, રાધેશ્યામ સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, વેડ રોડ, સુરત) તથા જગદીશ દેવશી મોતીસરિયા (રહે., ૨૪, મગનનગર સોસાયટી, વિભાગ-૧, સિંગણપોર રોડ, કતારગામ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.