SURAT

પોલિટીકલ ડ્રામા બાદ સુરતમાં આપના ઉમેદવારે સ્વૈચ્છાએ ફોર્મ પાછું ખેંચ્યું

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સુરતથી મોટા સમાચાર આવ્યા છે. અહીં સુરત પૂર્વની બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું છે. કંચન જરીવાલા આ અગાઉ પરિવાર સહિત મંગળવારથી ગૂમ થયા હતા. ભાજપના લોકોએ તેમનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ આપ તરફથી કરાયો હતો અને હવે આજે એકાએક કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે.

ભાજપે દબાણ કરી ફોર્મ પાછું ખેંચાવ્યું : ગોપાલ ઈટાલિયા
ભાજપના લોકોએ દબાણ આપી બળજબરીપૂર્વક કંચન જરીવાલા પાસે ફોર્મ પાછું ખેંચાવ્યું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કર્યો હતો. ઈટાલિયાએ કહ્યું, કંચન જરીવાલાનું ફોર્મ રદ કરાવવાના પ્રયાસ નિષ્ફળ થતા ભાજપના લોકો કંચન જરીવાલાને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યોને પણ છુપાવી દીધા હતા. આજે સવારે ભાજપના 100 જેટલા લોકો કંચન જરીવાલાને ચૂંટણી કમિશનરની કચેરી પર લાવવામાં આવ્યા અને બળજબરી પૂર્વક ફોર્મ પાછું ખેંચાવવામાં આવ્યું છે. ભાજપે આટલી બધી ગુંડાગર્દી કેમ કરવી પડે તે પ્રશ્ન છે?

મેં રાજીખુશીથી ફોર્મ પાછું ખેંચ્યું : કંચન જરીવાલા
આજે સવારે ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્રક પાછું ખેંચવા કંચન જરીવાલા પહોંચ્યા હતા. અહીં ચૂંટણી અધિકારીના પ્રશ્નોનો જવાબ આપતી વેળા કંચન જરીવાલાએ જણાવ્યું કે, પોતે રાજીખુશીથી ફોર્મ પાછું ખેંચી રહ્યાં છે. તેઓ કોઈના દબાણને વશ થયા નથી. આ નિર્ણય પોતાની મરજીથી સ્વૈચ્છાએ લીધો છે.

આ અગાઉ આજે સવારે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. AAP દ્વારા દાવો કરાયો હતો કે ભાજપના લોકોએ તેમની પાર્ટીના ઉમેદવારનું અપહરણ કર્યું છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘સુરત પૂર્વના AAP ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપના લોકોએ અપહરણ કરી લીધું હતું. ભાજપ એટલું નર્વસ છે કે AAP ઉમેદવારનું અપહરણ કરી રહી છે. આ લોકશાહીની હત્યા છે.

રાઘવ ચઢ્ઢાનો આરોપ છે કે ભાજપે તેમના ઉમેદવાર અને પરિવાર પર નામાંકન રદ કરવા દબાણ કર્યું હતું. રાઘવે કહ્યું, ‘આ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે કારણ કે આવતીકાલે નોમિનેશનની ચકાસણી અંતિમ છે. પરંતુ જ્યારે તેમણે ભાજપની વાત ન માની ત્યારે ભાજપના ગુંડાઓ કંચન જરીવાલાને અપહરણ કરીને આરઓ ઓફિસમાં લઈ ગયા હતા. ઉમેદવારી પત્રો નામંજૂર કરવા માટે કોઈ કારણ ન હોવાથી તેઓ સુરત પૂર્વના ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

કેજરીવાલથી ભાજપ ગભરાયું, ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરાશે : રાઘવ ચઢ્ઢા
ચઢ્ઢા રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી રહી છે. ભલે ગમે તે થાય, AAP ઉમેદવારનું નોમિનેશન રદ થવું જોઈએ નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ હવે AAPના સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાને ઉમેદવારી પાછી ખેંચવા માટે શારીરિક અને માનસિક રીતે દબાણ કરી રહી છે. ભાજપ અરવિંદ કેજરીવાલથી ડરે છે.

અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું
સીએમ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું દિલ્હીના સીએમ અને AAPના વડા અરવિંદ કેજરીવાલે પણ કંચન જરીવાલાના ગુમ થવાનો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, ‘સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. પહેલા ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે?

સુરત પૂર્વના આપના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા ભાજપે રજૂઆત કરી હતી
આ અગાઉ મંગળવારે સુરત પૂર્વની (Surat East) બેઠકના આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર કંચન જરીવાલા હારી જાય તે માટે ભાજપના (BJP) ઉમેદવાર અરવિંદ રાણાએ વાંધા સાથે ઉમેદવારી પત્રક રદ કરવા રજૂઆત કરી હતી. સુરત પૂર્વની વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાના ઉમેદવારી પત્રકમાં સમર્થકમાં તેના જ સગા ભાઈ અને ભાભીની બોગસ સહી હોવાની રજૂઆત કરાઈ હતી. જેથી તેનું ઉમેદવારી પત્રક રદ થાય તે માટે ભાજપના ઉમેદવાર દ્વારા માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાએ આ બેઠકના તમામ 29 અપક્ષના ઉમેદવારોના સર્મથકોની સહીની પણ ખરાઇ કરવા માંગણી કરી હતી. જેથી ચૂંટણી અધિકારીએ ઉમેદવારીપત્રોમાં સર્મથકોની સહીનો મુદ્દો તેના કાર્યક્ષેત્રમાં નહી હોવાનું કહી થોડી રકઝક બાદ આપના ઉમેદવારનું ફોર્મ મંજુર કર્યું હતું.

આ મામલામાં નવાઈની વાત એ છે કે, સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે આપના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે ભારે પ્રયાસો કર્યા, જ્યારે તેની સામે આપ કરતા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રદ નહીં થાય તે માટે પ્રયાસો કર્યા. અજબ છે ને?, પરંતુ આની પાછળ વાત એમ છે કે આપના હિન્દુ ઉમેદવારના ડમી ઉમેદવાર તરીકે મુસ્લિમે ફોર્મ ભર્યું હતું. જો હિન્દુ ઉમેદવારનું ફોર્મ રદ થાય તો મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં આવી જાય અને તેને કારણે કોંગ્રેસના ઉમેદવારને તકલીફ પડી જાય. આ ઉમેદવારનું ફોર્મ જોકે મંજૂર થઈ ગયું અને કોંગ્રેસના ઉમેદવારને પણ હાશ થઈ ગઈ. કારણ કે જો હવે ફોર્મ પરત લેવામાં આવે તો ડમી મુસ્લિમ આગેવાનનું ફોર્મ પણ પરત ખેંચાઈ જાય અને મતમાં ભાગ પડાવવા માટે કોઈ રહે નહીં

ઉધના બેઠક પર ધનસુખ રાજપુતનું ફોર્મ રદ્દ કરવા ભાજપ દ્વારા માંગણી કરાઈ પરંતુ મંજૂર કરાયું
ઉધના વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપુતે અને ભાજપના મનુ પટેલે ઉમેદવારી નોંધાવી છે. પણ મંગળવારે ફોર્મની ચકાસણીમાં ભાજપ તરફના વકીલ નિલકંઠ બારોટ દ્વારા વાંધા અરજી રજૂ કરાઈ હતી. જેમાં ફોર્મમાં મિલકત મામલે પુરતી માહિતી આપવામાં આવી ન હોવાની સાથે અપૂરતી વિગતો રજૂ કરી હોવાથી તાત્કાલિક ફોર્મ રદ કરાય એવી દલીલ કરાઈ હતી. જેથી ચૂંટણી અધિકારીઓએ ધનસુખ રાજપુતને નોટીસ પાઠવી જવાબ માંગ્યો હતો. જેની સામે ધનસુખ રાજપુતના વકીલ ઝમીર શેખે રજૂઆત કરી હતી કે તેઓ ઘણી ચૂંટણીઓ લડી ચૂક્યા છે. ક્લેરિકલ અને ટાઇપિંગ ભુલ છે. આ ભૂલના કારણે ફોર્મ રદ કરી શકાય નહીં. બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ વાંધા અરજી રદ કરીને ધનસુખ રાજપુતનું ફોર્મ માન્ય રાખ્યું હતું.

Most Popular

To Top