અમદાવાદ: ગઈ તા. 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો બ્રિજ (Morbi Bridge Collapsed) પડી જવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તંત્ર દ્વારા કસૂરવારો સામે કોઈ પગલાં લેવામાં નહીં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુઓમોટો દાખલ કર્યો હતો. આજે આ કેસમાં સુનાવણી હતી. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે આ કેસમાં આજે હાજર થયેલા રાજ્યના ચીફ સેક્રેટરીને આકરો સવાલ કરતાં પૂછ્યું હતું કે શા માટે એક જાહેર પુલના રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી? શા માટે બીડ મંગાવવામાં આવ્યા નહોતા?
ગુજરાત હાઈકોર્ટે આજે પોતાની નોંધમાં ખૂબ જ આકરાં શબ્દોમાં નોંધ લખી હતી. હાઈકોર્ટે લખ્યું કે, શું રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ પુલના રિપેરિંગના કામની ખાનગી કંપનીને બક્ષિસ આપી દેવાઈ. મોરબીની નગરપાલિકા એક સરકારી કચેરી છે. આ તેની ગંભીર ફરજચૂકનો નમૂનો છે. કોર્ટે પૂછ્યું હતું કે શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? 135 લોકોના દુર્ભાગ્યપૂર્ણ મોત માટે જવાબદાર કોણ?
બુધવારે ફરી કેસની સુનાવણી હાથ ધરાશે
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસમાં હવે આગામી બુધવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મોરબી નગરપાલિકાએ 100 વર્ષ જૂના મોરબીના જાણીતા ઝુલતા પુલના રિપેરિંગની કામગીરી અંજતા બ્રાન્ડથી જાણીતી ઘડિયાળ બનાવતી કંપની ઓરેવા ગ્રુપને સોંપી હતી. આ માટે મોરબી નગર પાલિકાએ ઓરેવા કંપની સાથે 15 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.
માત્ર દોઢ પાનાનો જ કરાર હતો
ચોંકાવનારી વાત એ છે કે મોરબી નગર પાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે ઝુલતા પુલના રિપેરિંગ સંબંધિત કરાર થયો તે કરારનામું માત્ર દોઢ પાનાનું હતું. ટેન્ડર બહાર પાડ્યા વિના જ અજંટા કંપનીને આ કોન્ટ્રાક્ટ સોંપી દેવાયો હતો. હાઈકોર્ટે આ બાબતની પણ નોંધ લીધી હતી.
તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે આ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લઈ 6 સરકારી વિભાગો પાસે જવાબ માંગ્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં કંપનીના 9 કર્મચારીની ધરપકડ કરાઈ છે, પરંતુ ટોચના મેનેજમેન્ટ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.