એક દિવસ આશ્રમમાં ગુરુજીએ અચાનક શીઘ્ર કસોટીનું લેવાનું નક્કી કર્યું.તેમણે બધા શિષ્યોને કહ્યું, ‘હું ત્રણ પ્રશ્ન પૂછીશ.જોઈએ કોણ જવાબ આપી શકે છે?’ ગુરુજીના એક ખૂબ જ જ્ઞાની શિષ્યે અભિમાનથી વિચાર્યું હું તો રોજ વાચન કરું છું એટલે મને તો ગુરુજી કંઈ પણ પૂછે, બધાના જવાબ આવડશે અને હું બધાથી હોશિયાર સાબિત થઈશ અને ગુરુજીનો લાડકો બની જઈશ. બીજા શિષ્યે ગુસ્સાથી વિચાર્યું, ‘આમ કંઈ થોડું ચાલે, ગુરુજી કીધા વિના ગમે ત્યારે કસોટી લે તૈયારી કર્યા વિના જવાબ કઈ રીતે આવડે.’ ત્રીજા શિષ્યે વિચાર્યું, ‘જો ગુરુજીના પ્રશ્નોના જવાબ મને ન આવડે તો કોઈને પણ ન આવડવા જોઈએ. ચોથા શિષ્યે વિચાર્યું, ‘ચાલો જોઈએ કસોટીના જવાબ મને આવડે છે કે નહિ…આવડે તો સારું નહીં આવડે તો સાચો જવાબ શીખવા મળશે.’ પાંચમા શિષ્યે વિચાર્યું, ‘બધાને જવાબ આવડે તો સારું અને જો જવાબ ન આવડે તો ગુરુજી કોઈને કોઈ શિક્ષા ન કરે.’
છઠ્ઠા શિષ્યે વિચાર્યું, ‘ચાલો, આજે નવું જાણવા મળશે.’ સાતમા શિષ્યે વિચાર્યું, ‘અમારા ગુરુજી સર્વોત્તમ છે. બધી રીતે અમને તૈયાર કરે છે.’ આઠમા શિષ્યે વિચાર્યું, ‘મને જવાબ નહિ આવડે તો ગુરુજી શિક્ષા કરશે?’ નવમા શિષ્યે વિચાર્યું, ‘મને જવાબ નહિ આવડે તો હું કાલથી વધુ મહેનત કરીશ.’ આમ કસોટી લેવા બાબતે દરેક શિષ્યના મગજમાં જુદા જુદા વિચારો આવ્યા. ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, ‘આ કસોટી બાબતે તમે શું વિચારો છો તે એક કાગળ પર લખો. મને કે કોઈને કહેવાની જરૂર નથી.પણ હા, ઈમાનદારીથી જે પહેલો વિચાર આવ્યો હોય તે જ લખજો.અને તમારે તે કોઈને કહેવાનો પણ નથી.’
બધા શિષ્યોએ જવાબ લખ્યા. હવે ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, તમારા જવાબ નક્કી કરશે કે તમારા મગજને તમે શું બનાવીને રાખ્યું છે.શું તમે તમારું મગજ કચરાટોપલી બનાવ્યું છે કે પછી તેને ખજાનાનો પટારો કે તિજોરી સમ બનાવ્યું છે.’ ગુરુજી શું કહેવા કે સમજાવવા માંગે છે તે કોઈને સમજાયું નહિ.શિષ્યોના મૂંઝાયેલા ચહેરા જોઇને ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, તમે બધા જ તમારા લખેલા જવાબ ફરીથી વાંચો અને જો તમારા જવાબ નકારાત્મક છે કે સકારાત્મક તે નક્કી કરો.
તમારા જવાબમાં અભિમાન, ક્રોધ, ડર, લોભ, મોહ, ઈર્ષ્યા, જલન છે.તો આ નકારાત્મક વિચારો કચરા સમાન છે તેને મગજમાં ભરીને તમે તમારા મગજને કચરાટોપલી બનાવી દીધું છે.અને જો તમારા જવાબમાં માન, સન્માન,જ્ઞાન, દયા,સમજદારી છલકે છે તો આ સકારાત્મક વિચારો મહામૂલ્યવાન છે. તેને તમારા મગજમાં ભરીને તમે તેને તિજોરી કે ખજાનાના પટારા સમ બનાવ્યું છે.હવે તમારા જવાબ પરથી તમે તે નક્કી કરી લેજો.’ગુરુજીએ શિષ્યોને સૂક્ષ્મ સમજ આપી તેમના પોતાના વિચારો પર ધ્યાન આપવાની જરૂર સમજાવી. ચાલો, આપણે પણ નક્કી કરીએ કે આપણું મગજ કચરાટોપલી છે કે ખજાનાનો પટારો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.