પલસાણા: (Palsana) પલસાણાના કરણ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે (National High Way) પર આવેલા કટ પરથી ગતરોજ બે મિત્ર બાઇક (Bike) પર રોડ (Road) ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ટ્રકના પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇકને અડફેટે લેતાં પાછળ બેઠેલા યુવકનું મોત નીપજ્યું હતું.
- કરણ ગામ પાસે ગોઝારા કટ પર વધુ એક યુવકનું અકસ્માતમાં મોત
- રોડ ક્રોસ કરી રહેલા બાઇકસવાર બે મિત્રને ટ્રકચાલકે અડફેટે લીધા, એક ઘાયલ
પલસાણાના કરણ ગામ પરથી પસાર થતાં નેશનલ હાઇવે પર આવેલો કટ ગોઝારો સાબિત થઇ રહ્યો છે. ત્યારે આ કટ પર અત્યાર સુધી અસંખ્ય લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગતરોજ ભેસ્તાન સુરતસ્થિત અને મૂળ નંદુરબારના જિતેન્દ્ર પ્રહલાદ ચૌહાણ (ઉં.વ.૨૫) તેમના મિત્ર થંનગપાંડી ચિન્નકાલઇ (ઉં.વ.૨૧) (રહે., ચલથાણ શિવસાંઇ રેસિડેન્સી, તા.પલસાણા, મૂળ રહે., તામિલનાડુ) અમદાવાદ-મુબઇ હાઇવે પરથી તેમનું બાઇક નં.(જીજે ૧૯ એ.એસ. ૨૯૭૬) લઇ પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પલસાણાના કરણ ગામ નજીક આવેલા હાઇવના કટ પર રોડ ક્રોસ કરતી વેળાએ એક ટ્રક નં.(એમએચ ૧૪ ડીએમ ૭૮૫૫)ના ચાલકે ટ્રકને પૂ૨ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇકને અડફેટે લેતાં બાઇકચાલક જિતેન્દ્ર ચૌહાણના બંને પગે ઇજા થઈ હતી. તેમજ બાઇક પાછળ બેઠેલા થંનગપાંડીને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે ટ્રકચાલક વિરુદ્ધ પલસાણા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓરગામ નજીક છકડો રિક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી
પલસાણા: સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, ‘એક છકડો રિક્ષા નં.(GJ-26-T-4156)નો ચાલક ઇંગ્લિશ દારૂનો જથ્થો સીટની નીચે ચોરખાનામાં સંતાડી ઓરગામ-અકોટી થઇ રાયમ તરફ જશે.’ બાતમીના આધારે અકોટીની સીમમાં ઓરગામથી રાયમ તરફ જતા રોડ ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે છકડો રિક્ષા આવતાં જુદી જુદી બ્રાન્ડની 126 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ તમામ બોટલ કબજે લઈ ચાલક ઇન્દ્રેશ મીરાજી ગામીત (રહે.,આનંદપુર, ટેકરા ફળિયું, તા.ઉચ્છલ, જિ.તાપી) અને પ્રકાશ ભીમજી ગાવીત (રહે.,ઝામનઝર, તા.નવાપુર, જિ.નંદુરબાર)ની અટકાયત કરી મુદ્દામાલ પૂરો પાડનાર નવાપુરના MD વાઇન શોપ તથા દારૂ મંગાવનાર નીતિન રમણ ચૌધરી (રહે.,અસ્તાન, તા.બારડોલી, જિ.સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે રિક્ષા અને દારૂ મળી કુલ 2,06,010નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.