ગુજરાતની ચૂંટણી (Gujarat Election) માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. તમામ પક્ષો સતત પોતાના ઉમેદવારોની (Candidate) જાહેરાત કરી રહ્યા છે. દરમિયાન આમ આદમી પાર્ટીના (Aam Admi Party) રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં (Tweet) જણાવ્યું હતું કે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડશે.
અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.
કેજરીવાલના ટ્વીટને રીટ્વીટ કરતી વખતે, ઇસુદને કહ્યું, “તમે અને ગુજરાતની જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે! હું તમને ખાતરી આપું છું કે હું મારા અંતિમ શ્વાસ સુધી ગુજરાતની જનતાની સેવા કરીશ! જય જય ગરવી ગુજરાત!”
જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાની 89 બેઠકોના મતદાનમાં ઉમેદવારોનાં ફોર્મ ભરવાની આવતીકાલે સોમવારે છેલ્લી તારીખ છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આ મામલે જાહેરાત કરવામાં આવી હતી.
ઈસુદાન ગઢવી આવતીકાલે પોતાના સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરવા જશે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 178 જેટલા ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને આજે ઈશુદાન ગઢવી સહિતના ઉમેદવારો જાહેર કરાયા હતા. આમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ 182 બેઠકો પર ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા રાખશે.