સુરત: વેસુમાં (Vesu) પ્રેમિકાએ ઉંઘની ગોળીઓ ખાઈને રાંદેરમાં પ્રેમી સાથે ઝગડો (Fight) કર્યો હતો. રાંદેર પોલીસ (Police) બંનેને પોલીસ સ્ટેશને લઈ ગઈ ત્યાં પ્રેમિકાને ગોળીઓની અસર થવા લાગતા ગભરાયેલી પોલીસ તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) લઈ આવી હતી. ત્યાંથી સવારે ભાગીને પ્રેમિકા ફરીથી રાંદેર પોલીસ સ્ટેશને પહોંચી હતી. હવે પ્રેમિકા રાંદેર અને વેસુ પોલીસ વચ્ચે ધક્કા ખાય છે.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર રાંદેર વિસ્તારમાં રહેતી 23 વર્ષિય આસિફા( નામ બદલ્યું છે)ને રાંદેરમાં રહેતા મૂળ મોહમદ યાકુબ(23 વર્ષ) સાથે પ્રેમ સંબંધ છે. બુધવારે તેઓ વેસુમાં આવેલ પાર્થ સેલિબ્રેશન હોટલમાં હતાં. ત્યાં બંને વચ્ચે ઝગડો થયો હતો. ત્યારે હોટલ પાસે આસિફાએ ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. ત્યાં તેણીએ મોહંમદ યાકુબની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ત્યાર બાદ બંને જણા રાંદેર ટાઉનમાં આવ્યા હતા. ત્યાં ફરીથી બંને જણા રસ્તા વચ્ચે મધરાત્રે ઝગડ્યા હતા. કોઈએ પોલીસે જાણ કરતા રાંદેર પોલીસ બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. ત્યાં આસિફાને ગોળીઓની અસર થતા રાંદેર પોલીસ ગભરાઈ હતી. તેઓ આસિફાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં આસિફાને દાખલ કરાઈ હતી.
મોહંમદ યાકુબ રાંદેર પોલીસના કબજામાં જ હતો. સવારે આસિફા હોસ્પિટલમાં કોઈને પણ જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી ભાગીને રાંદેર પોલીસ સ્ટેશને પહોંચી હતી. ત્યાં તેણીએ પોલીસને કહ્યું કે મોહમદ યાકુબે તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ લગ્ન કરતો ન હોવાથી તેના વિરુદ્ધ ફરિયાદ આપવાની છે. આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એસ.સોનારાએ જણાવ્યું હતું કે આ ઘટના વેસુની હોટલની હોવાથી સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને બંનેને વેસુ પોલીસને સોંપ્યા છે. આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.સી.વાલાએ જણાવ્યું હતું કે આ ઘટના મુંબઈ અને રાંદેર સાથે જોડાયેલી છે. તેથી બંનેને રાંદેર પોલીસ સ્ટેશન મોકલી રહ્યા છે.