Gujarat

ભાજપની યાદીમાં ભ્રષ્ટ્રાચાર, નિષ્ફળતા, પ્રજાનો રોષ, એન્ટી ઈન્કમબન્સીને છુપાવવા માટેનો પ્રયાસ : કોગ્રેસ

અમદાવાદ : ટિકિટ ફાળવણી તે ભાજપનો (BJP) આંતરીક મામલો છે, પણ સત્તામાં હોવા છતાં જૂના જોગીઓ અને મંત્રીઓની બાદબાકી ક્યાંકને ક્યાંક ગુજરાતમાં (Gujarat) ભાજપાના શાસનના વળતા પાણીનો અંદેશો હોય તે સ્પષ્ટ છે. ભાજપે તેમના મંત્રી મંડળના સભ્યો- સિનિયર ધારાસભ્યોની કાપીને ભાજપ સરકારની નિષ્ફળતાઓ –પ્રજાનો રોષ, સરકાર વિરુધ્ધ ઉભી થયેલી એન્ટી ઈન્કમબન્સીને છુપાવવા માટેનો પ્રયાસ હોય તે મુજબ ટિકિટોની ફાળવણી થયેલી છે, તેવું રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.

આલોક શર્માએ વધુમાં કહ્યું હતું કે, ભાજપે આજે જાહેર કરેલા ૧૬૦ ઉમેદવારો પૈકી ૨૦ જેટલા ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરીને આવ્યા હોય અને ટિકિટ આપવી પડી છે. કોંગ્રેસ મુક્ત ભારતની પોકળ વાતો કરનાર ભાજપનો આજ અસલી ચહેરો છે. ગુજરાતની જનતાનો ભાજપના નેતાઓ સામેનો રોષ જોતાં બે-ત્રણ આગેવાનોએ પોતાના મત વિસ્તારની બદલે અન્ય મતવિસ્તાર થી ટિકિટ ફાળવણી કરવામાં આવેલ છે. મોરબી દુર્ઘટનાને લોકોના માનસપટલથી ભૂલાડવા માટે ભાજપ દ્વારા ૪૦ થી વધારે ટિકિટો કાપીને, મંત્રીઓને ટિકિટ ન આપીને અને મોરબીના સીટિંગ ધારાસભ્ય અને મંત્રીની ટિકિટ કાપવાથી મોરબી દુર્ઘટનાના, કોરોના કાળના અણઘડ વહિવટ તથા પેપર ફુટવાના ઘા ક્યારેય રુઝાશે નહીં ડબલ એન્જીન સરકારની વાતો કરનાર ભાજપએ પોતાના જૂના એન્જિનોને કેમ પડતા મુકયાં તે ગુજરાતના મતદારોમાં સવાલ થાય છે.

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અન્ય પૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ, આર.સી. ફળદુ, ગણપત વસાવા, વિભાવરીબેન દવે, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી જેવા અનેક પૂર્વમંત્રીઓની ટિકિટ કપાઈ, કોરોનાના કપરા સમયમાં ગુજરાતની ભાજપ સરકારની નબળી કામગીરીના લીધે જનતામાં જે રોષ ભભૂકી ઉઠ્યો હતો તેને દબાવવા માટે ગુજરાતમાં ભાજપ સરકાર વિરુધ્ધ ઉભી થયેલી એન્ટી ઈન્કમબન્સીને છુપાવવા, સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટેનો પ્રયાસ હોય તે મુજબ ટિકિટોની ફાળવણી થયેલી છે.

૫૦ હજાર મતોથી લઈને ૧ લાખ કરતા વધારેની લીડથી જીતેલા આગેવાનો, મંત્રીઓ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની ટિકિટો કપાઈ તે સ્પષ્ટ નિર્દેશ છે કે, ભાજપના ઉપરોક્ત સિનિયર નેતાઓ વિસ્તાર અને મંત્રાલયમાં નબળી કામગીરીના લીધે અને ગુજરાતના લોકોની પડતર મુશ્કેલીઓ સંદર્ભે કામચોરી કરતા હતા તેના લીધે ચૂંટણી હારશે તે અંદેશો અગાઉથી આવી ગયેલા માટે જ તમામને પડતા મુકવામાં આવેલા છે.

હાલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવતા પ્રધાનમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદી જનતા વચ્ચે સ્થિર સરકારની વાતો કરી મત માંગી રહ્યાં છે, પરંતુ ગુજરાતમાં છ વર્ષમાં ત્રણવાર મુખ્યમંત્રી અને બે વાર મંત્રી મંડળ બદલવું પડ્યું હોય તેવી અસ્થિર ભાજપ સરકારનો સ્વિકાર કરતા ખચકાટ અનુભવે છે.

આલોક શર્માએ જણાવ્યું હતું કે, ભાજપની ટિકિટ જાહેર થયા બાદ અનેક ધારાસભ્યો અને પદાધિકારીઓ કોંગ્રેસના સંપર્કમાં છે. જો તેઓ કોઈપણ શરત વગર કોંગ્રેસની વિચારધારા અપનાવતા હોય તો પ્રદેશ કોંગ્રેસ સમિતિનું શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે.

Most Popular

To Top