સુરત: દાન (Donation) માટે આખી દુનિયામાં જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનેશનમાં પણ અગ્રેસર છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી ગુરુવાર વધુ એક ઓર્ગન ડોનેશન થયું છે. નવી સિવિલમાંથી માત્ર 18 દિવસના ગાળામાં આ સાતમું ઓર્ડન ડોનેશન છે. ઇજા પામનારનું લીવર અને બંને કિડનીથી ત્રણ વ્યકિતઓને નવજીવન મળ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ બિહારના મદમદપુરના નવોદ રૂપનારાયણ ઠાકુર( 44 વર્ષ) હાલમાં પલસાણામાં શાંતિનગરમાં રહેતા હતા. 7 નવેમ્બરના રોજ તેઓ કડોદરાની અમરજ્યોતિ કંપનીમાંથી ઘરે જતી વખતે રસ્તો ક્રોસ કરતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે નવોદને અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 10 મી તારીખે રાત્રે સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. તેમની પત્ની નિભાદેવી અને અન્ય સહાવહાલાઓ બિહાર હતાં. સુરત હોસ્પિટલમાંથી ડોક્ટરોએ નિભાદેવીને વિડિયો કોલ કરીને કરીને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ તેમનું લીવર અને બંને કિડનીઓ અમદાવાદની આઈકેડીઆરસીને ફાળવવામાં આવી હતી. ત્યાંથી ખાસ ટીમ સુરત આવી હતી. સુરતમાં ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ઓર્ગનને એરપોર્ટ પર લઈ જવાયા બાદ એર એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જવાયા હતાં. ત્યાર બાદ નવોદના મૃતદેહને અંતિમ વિધી માટે તેમના વતન બિહાર ખાતે સરકારી ખર્ચે એમ્બ્યુલન્સમાં મોકલી દેવામાં આવ્યો હતો. ઓર્ગન ડોનેશનની આ તમામ પ્રક્રિયા માટે નવી સિવિલ હોસ્પિટલના ડો. ઓમકારભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ અને નિલેશ કાછળિયા ભારે જહેમત ઉઠાવી હતી.
વીડિયો કોલ કરીને નવોદની પત્નીની સંમતિ લેવાઈ
હાલ નવોદ પલસાણામાં એકલા રહેતા હતા. તેમની પત્ની કે એકદમ નજીકના કહી શકાય એવું કોઈ ન હતું. અકસ્માત બાગ ગામથી અમુક સગાઓ સુરત આવવા નીકળ્યા હતા. નવોદને બ્રેઇન ડેડ જાહેર કરાયા ત્યારે અહીં કોઈ નજીકનું સગુ ન હોવાથી. ડોક્ટરોએ તેની પત્ની નિભાદેવીને વિડિયો કોલ કરીને ડોક્ટરોએ ઓર્ગન ડોનેશનનું મહત્વ અને આખી પ્રક્રિયા સમજાવી હતી. નિભાદેવીએ વીડિયો કોલ પર ઓર્ગન ડોનેશનની સંમતિ આપી હતી.