Gujarat

મોરબી દુર્ઘટના વેળા નદીમાં કૂદી લોકોને બચાવનારને ભાજપે ટિકીટ આપી

ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે તા. 10 નવેમ્બરનાં રોજ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોનાં નામો જાહેર કરાયા છે. જેમાં ખાસ કરીને જુના જોગીઓ પર ભાજપે ફરી વિશ્વાસ દર્શાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરમાંથી ટિકિટ મળી છે.

કાંતિલાલ અમૃતિયાને મોરબીથી ટિકિટ મળી
આ સાથે જ ભાજપના ઉમેદવારોની યાદીમાં મોરબીના સીટીંગ ધારાસભ્યની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ ભાજપે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપીને ચૂંટણીમાં ઉતાર્યા છે. ભાજપે તેમને મોરબીથી પક્ષના ઉમેદવાર બનાવ્યા છે. કાંતિલાલ અમૃતિયા વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે મોરબી બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારે તેણે જાતે જ લોકોનો જીવ બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચુંટણીની તારીખોના એલાન પહેલા જ ગુજરાતના મોરબીમાં ગોઝારી ઘટના બની હતી. જેમાં એક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

69 રીપીટ, 39 નવા ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટીની કમલમ પર મોડી રાત સુધી ચાલેલી બેઠકો બાદ નામો ફાઈનલ કરવામાં આવ્યા હતા. તેમજ ઉમેદવારોને મોડી રાત્રે જ ફોન કરી દેવાયા છે. ભાજપે જાહેર કરેલી યાદીમાં 69 જુના જોગીઓ પર ફરી પાર્ટીએ વિશ્વાસ મુક્યો છે. જ્યારે 39 નવા ઉમેદવારોને ટીકીટ અપાઈ છે. ભાજપની પ્રથમ યાદીમાં 160 ઉમેદવારો 14 મહિલાઓને સ્થાન અપાયું છે. આ ચુંટણીમાં દિગ્ગજોનાં પત્તા કપાયા છે.

દિગ્ગજોની ચુંટણી લડવાની ‘નાં’
ગુજરાતની ચૂંટણીને લઈને ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ આ વખતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી સૌરભ પટેલ, પ્રદીપ જાડેજાએ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ગુજરાતના આઠ જેટલા પૂર્વ મંત્રીઓ ચૂંટણી નહીં લડે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

Most Popular

To Top