દરેક વ્યક્તિના જીવનઘડતરમાં અનેક લોકોનો ફાળો હોય છે. રાહબર, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનારને સદાય યાદ રાખવા જોઈએ. જન્મદાતા માતા-પિતાનું ઋણ ચૂકવવા જીવન ઓછું પડે. જીવન શિક્ષણ આપનાર આદરણીય ગુરુજનોના ઋણ સ્વીકાર માટે શબ્દો ઘટી પડે. જેમને પ્રતાપે આપણે ઉચ્ચ શિખરો સર કર્યાં એમને ભૂલી જઈએ તે કેમ ચાલે? મારા ધ્યાનમાં એવા શિક્ષકો છે, જેમણે વિદ્યાર્થીઓને પોતાને ખર્ચે પુસ્તકો, ગણવેશ આપવાની સાથે સમગ્ર શિક્ષણ ખર્ચ રાજીખુશીથી ભોગવ્યો હોય. આ સેવામાં કેટલાંક સગાં-સ્નેહીજનો પણ સામેલ હોય છે. શિક્ષણ માટે યોગદાન મળ્યું હોય અને તેના કારણે આજે આપ જો સુખી હો તો ઋણ સ્વીકાર કરવો રહ્યો. આપ જરૂરિયાતમંદને મદદ કરી શકો અથવા તો શબ્દો દ્વારા પણ આભાર માની શકાય છે. આ તબક્કે જીવનમાં પથ દેખાડનારા સૌ કોઈનો આભાર માની ઋણ-સ્વીકાર કરીએ તોય ઘણું.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મિત્રોને કોન્ટ્રાકટ આપવાનાં દુષ્પરિણામો
થોડા મહિના પહેલાં મોદીજીના મિત્ર અદાણીના મુંદ્રા પોર્ટ ઉપરથી 22000 કરોડ રૂા.નું ડ્રગ્સ પકડાયેલું. આજે ફરી મોરબીના ઝૂલતા પુલની 140થી વધુ લોકોના જીવ લેનારી ભયાનક ગોઝારી દુર્ઘટનામાંયે કોન્ટ્રાકટ લેનાર સાથે શાસકોની મીલીભગત સામે આવી છે. વર્તમાન શાસનમાં ઉદ્યોગપતિ મિત્રોને અને સગાંઓને લખલૂંટ કમાવી દેવાનો ધમધોકાર ધંધો ચાલી રહ્યો છે. તે વિના ગાંધીનગરથી ફોન આવે એટલે લાયકાત વગરની લેભાગુ કંપનીને પુરાણા પુલની મરમ્મતનો કોન્ટ્રાકટ અપાય? આ દુર્ઘટના પહેલાં મોદીજી કેટકેટલાં સ્લોગનો બોલતા હતા? તે જુઓ, ભરોસાની સરકાર, કામ કરતી સરકાર, ગતિશીલ સરકાર, સંવેદનશીલ સરકાર અને ડબલ એન્જીનની સરકાર!
આમાં શું સાચું તે શાંતિથી વિચારજો! વર્તમાન સરકારના રાજમાં રૂપિયાની ભૂખ બેકાબૂ બની છે. હિંદુત્વ રાષ્ટ્રવાદ, પ્રજા જાય ભાડમાં! અહીં જુઓ વર્તમાન સરકાર હિંદુઓની, કોન્ટ્રાકટ આપનારા હિંદુઓ, પુલની મરમ્મતનો કોન્ટ્રાકટ લેનારા હિંદુઓ અને 150થી વધુ મરનારા પણ નિર્દોષ હિંદુઓ! વિચારી લેજો, રૂપિયાની લ્હાયમાં તમારો મસીહા તમારા જ મોતનો સોદાગર બની રહ્યો છે. વર્તમાન શાસનમાં બાપ બડા ના ભૈયા, સબસે બડા રૂપૈયાના ખેલ ચાલે છે. મોદીજીની આંધળી ચકાચોંધ કરનારી વિકાસભૂખ પ્રજા માટે મોતનું તાંડવ સાબિત થઇ રહી છે. પ્રજા અને ભકતોયે સમજે તો સારું થશે. નહીં તો રામ નામ સત્ય હૈ! જાણજો.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.