નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023 માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેની મીની હરાજીની (Auction) તારીખ જાહેર કરવામાં આવ્યા અનુસાર તે કોચીમાં (Kochi) માત્ર એક જ દિવસ 23 ડિસેમ્બરે યોજાશે. આ સમય દરમિયાન તમામ ટીમોને વધારાના 5 કરોડ રૂપિયા ખર્ચવાની સ્વતંત્રતા મળશે. નોંધનીય છે કે આ વખતે ટીમોના પર્સમાં 5 કરોડ રૂપિયા વધુ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે ટીમનું પર્સ 90 થી વધીને 95 કરોડ થઈ ગયું છે. આ પહેલા આઇપીએલ ફ્રેન્ચાઇઝીને 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા કહેવાયુ હતું.
- ગત સિઝનની હરાજી બાદ પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 3.45 કરોડ રૂપિયા બચ્યા હતા
- આઇપીએલ ફ્રેન્ચાઇઝીને 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા કહેવાયુ
- ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, બોલિંગ ઓલરાઉન્ડર સેમ કરન અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કેમરન ગ્રીને પણ આઈપીએલ 2023માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી
આ વખતે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, બોલિંગ ઓલરાઉન્ડર સેમ કરન અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કેમરન ગ્રીને પણ આઈપીએલ 2023માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હરાજી દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ત્રણેય ખેલાડીઓ પર રહેશે. 2022ની હરાજીમાં ત્રણ ટીમો પંજાબ, દિલ્હી અને લખનૌએ માત્ર સાત વિદેશી ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ વખતે, આ તમામ ફ્રેન્ચાઇઝીઓ આઠમું અને છેલ્લું સ્થાન ભરવાનું વિચારશે.
ગત સિઝનની હરાજી બાદ પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 3.45 કરોડ રૂપિયા બચ્યા હતા. પંજાબ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 2.95 કરોડ, આરસીબ પાસે 1.15 કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે 95 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 45 લાખ, ગુજરાત ટાઇટન્સ પાસે 15 લાખ અને મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ પાસે 10-10 રૂપિયા બાકી છે. ઉલ્લેખનીય છે કે લખનઉ સુપર જાયન્ટ્સે ગયા વર્ષે આખું પર્સ ખાલી કરી દીધું હતું.