બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના સુરાલી ગામની (Surali Village) રાજ રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં મહિલાને પતિ અને સાસુ સસરાએ માર મારતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. મહિલાએ પતિ અને સાસુ સસરા વિરુદ્ધ, જ્યારે સાસુએ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે (Police) સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર તાપીના સોનગઢના સોનારપાડાના મૂળ વતની અનીતાબેન પ્રકાશભાઈ સોલંકી બારડોલી તાલુકાના સુરાલી ગામે રાજ રેસિડેન્સીના ઘર નં.21માં પોતાના પતિ પ્રકાશભાઈ સોલંકી, સસરા બચુભાઈ બાબુભાઈ સોલંકી અને સાસુ તારાબેન બચુભાઈ સોલંકી તેમજ બે પુત્રો અને એક પુત્રી સાથે રહે છે. અનીતાબેનના તેના પતિ પ્રકાશભાઈ સાથે વારંવાર ઝઘડા થતાં રહે છે.
સાસુ-સસરા અને મહિલા સાથે બોલાચાલી ઝઘડો શરૂ કર્યો
ગત 4થી નવેમ્બરના રોજ પુત્રીએ વીટ હેરરીમુવલ ક્રીમ માંગી હોવાથી અનીતાએ પચાસ રૂપિયાની ક્રીમ લાવી આપી હતી. આ બાબતને લઈ સાસુ-સસરા અને પતિએ અનીતા સાથે બોલાચાલી ઝઘડો શરૂ કર્યો હતો. રાત્રિના સમયે પતિ પ્રકાશ વીટ ટ્યુબ કેમ લાવી તેમ કહી અનીતાને માર મારવા લાગ્યો હતો. સાસુ-સસરાએ પણ ઢીકમુક્કીનો માર મારતાં અનીતાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે પ્રકાશને અનિતાના નખ લાગ્યા હતા. અનીતાને વાલોડ સરકાર દવાખાનાથી વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યાંથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
સાસુ અને પુત્રવધૂએ સામસામે ફરિયાદ
જ્યાં સારવાર લઈ પરત ફર્યા બાદ અનીતાએ તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે સાસુએ પણ પોતાની પુત્રવધૂ અનીતાની સામે ફરિયાદ આપી હતી અને જણાવ્યુ હતું કે, અનીતા પ્રકાશને મારતી મારતી રૂમમાં લઈ ગઈ અને છોડાવવા છતાં છોડતી ન હતી. અનીતાએ સાસુ અને સસરા સાથે પણ છૂટા હાથની મારામારી કરી હતી, જેમાં સાસુ તારાબેનને ડાબા ઘૂંટણમાં ઇજા થઈ હતી. તેમને પણ સારવાર અર્થે વાલોડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સાસુ અને પુત્રવધૂએ સામસામે ફરિયાદ કરતાં પોલીસે બંનેની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.