ગુજરાત: તમામ રાજકીય પક્ષો ગુજરાતની (Gujarat) ચૂંટણીની (Election) તૈયારીમાં વ્યસ્ત છે. મોટા નેતાઓ આ દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગુજરાતમાં ડિસેમ્બરની 1લી તેમજ 5મીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ વંદે ભારત ટ્રેન (Train) પર પથ્થરમારો કર્યો જેમાં તે મુસાફરી કરી રહ્યો હતો. જેમાં ટ્રેનની વિન્ડશિલ્ડને નુકસાન થયું છે. ઓવૈસીની પાર્ટીના નેતા વારિસ પઠાણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે દાવો કર્યો કે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા. ઘટના પછી રાજકારણમાં ગરમાટો આવે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે.
વારિસ પઠાણે પોતાના ટ્વીટમાં ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ટ્રેનના કાચ તૂટેલા દેખાઈ રહ્યા છે. આ સાથે અસદુદ્દીન ઓવૈસી, વારિસ પઠાણ સહિત અન્ય લોકો ટ્રેનમાં જોવા મળે છે. પોતાના ટ્વીટમાં પઠાણે લખ્યું, “આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી, સાબીર કાબલીવાલા અને AIMIM રાષ્ટ્રીય ટીમ સાથે સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા.
આ ધટના પછી ઓવૈસીની પાર્ટીના નેતા વારિસ પઠાણે જણાવ્યું હતું કે તમે ગોળી ચલાવો કે પછી પથ્થર મારો અસદુદ્દીન ઓવૈસી સાહેબનો અવાજ નથી કોઈ રોકી શકયું કે નથી કંઈક કરવાથી રોકાવાની.
જણાવી દઈએ કે AIMIM એ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 30 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ અત્યાર સુધીમાં પાંચ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરત પૂર્વ બેઠક પરથી વસીમ કુરેશી, લિંબાયત બેઠક પરથી અબ્દુલ બશીર, જમાલપુર ખાડિયા બેઠક પરથી સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પરથી કૌશિકા પરમાર અને બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાનનો સમાવેશ થાય છે. ઓવૈસીનું કહેવું છે કે AIMIM ગુજરાતના લોકોના મજબૂત અને સ્વતંત્ર અવાજ તરીકે ઉભરી આવશે.