સેલવાસ-દમણ : દક્ષિણ ગુજરાતની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘર જિલ્લાના જવાહર પાસે સેલવાસથી (Selvas) નાશિક જતી બસ અને જલગાંવથી સેલવાસ આવતી બસ સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં (Accident) બંને બસમાં સવાર મુસાફરો પૈકી 25થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા પહોચતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જે પૈકી 3 દર્દીઓને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે એક બસના ચાલકની હાલત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે.
બસના ડ્રાઇવરની હાલત નાજૂક
સેલવાસથી નાશિક તરફ જઈ રહેલી એસટી બસ અને જલગાંવથી સેલવાસ તરફ આવી રહેલી એસટી બસ સ્પીડમાં હોવાને કારણે સોમવારે વહેલી સવારે પાલઘર જિલ્લાના જવાહર નજીક જય સાગર ડેમ નજીક વળાંક પર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 25થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તેઓને પ્રથમ જવાહરની કુટિર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વધુ ગંભીર ઇજા પામનાર ત્રણ વ્યક્તિઓને સેલવાસ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક બસના ડ્રાઇવરની હાલત નાજૂક હોવાની માહિતી મળી રહી છે.
રિક્ષા પલટી જતાં એક મહિલાનું મોત, ૭ ઘાયલ
વ્યારા: જૂના કુકરમુંડા ગામની સીમમાં આવેલ સુગર ફેકટરી પાસેથી પસાર થતા રસ્તાના વળાંકમાં સવારે મજૂર ભરીને જતી રિક્ષા પલ્ટી જતા આઠ મહિલાઓ ઘવાઈ હતી. જેમાં એક મજૂર મહિલાનું સારવાર દરમિયાન મોત જાહેર કરતા શોક છવાઈ ગયો હતો. નિઝર પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રિક્ષામાં સવાર અન્ય ૭ મહિલાઓ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી.નિઝર તાલુકાનાં આડદા (બોરઠા)નાં દયનાથ દિલીપ પાડવી રોજ સવારે આઠેક મહિલાઓ તેમાં બેસીને વેલ્દા ગામે મજૂરી કામે જઈ રહ્યા હતા.
વધુ સારવાર મળે તે પહેલાં જ કરૂણ મોત
તે અરસામાં રિક્ષા પુરપાટ ઝડપે હોય રિક્ષા ચાલક દયનાથ દિલીપ પાડવીએ સુગર ફેકટરી પાસે વળાંક પર આ રિક્ષાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતાં આ પેસેંજરો ભરેલ રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં યોગિતાબેન અજીતભાઇ પ્રધાનગંભીર રીતે ઘવાયેલ હોય હોસ્પિટલની વધુ સારવાર મળે તે પહેલાં જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મહિલાઓમાં મહેશ્વરીબેન ભાંગાભાઇ પાડવી, જેસનાબેન જયસિંગભાઇ વળવી, સવિતાબેન દિલીપભાઇ વસાવે, જેસનાબેન અજયભાઇ પ્રધાન, અમિતાબેન ગોવિંદભાઇ વળવી તથા દિવલીબેન લક્ષ્મણભાઇ ગાવિતને નાની-મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે યોગિતાબેન પ્રધાનનું મોત નીપજ્યું હતું.