ગણદેવી : ગણદેવી પોલીસે બાતમીના આધારે બુધવાર મધ્યરાત્રીએ કસ્બાવાડી પાસે માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલી ઇકો કારમાં રૂ.32200ની 40 બોટલ, રૂ. 2.50 લાખની કાર અને 5 હજારનો મોબાઇલ મળી રૂ.2,87,200 ના મુદ્દામાલ સાથે પાંચને રંગે હાથ ઝડપી, માલ મંગાવનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગણદેવી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે ઇકો કાર નં. જીજે 15 સીએલ 0589 માં વિદેશી દારૂ ભરી નવસારી તરફ જનાર છે. જે બાતમી આધારે પોલીસે કસ્બાવાડી પાસે વોચ ગોઠવી હતી. કારની તલાશી લેતા ચોરખાનામાંથી 40 બોટલ મળી આવી આવી હતી. તે સાથે આરોપી જોગસિંહ શંભુસિંહ રાઠોડ (22 રહે.વાપી મોતા નગર), અજય બ્રિજ મોહન સાકેત (22 રહે. નરોલી કુવા ફળીયા), રંજનબેન અજયભાઈ સાકેત (વર્મા) (30) રહે. નરોલી કુવા ફળીયા), કંચનબેન ઉર્ફે પૂજાબેન મોહનલાલ વર્મા (20 રહે.નરોલી કુવા ફળીયા) અને સંગીતા ઉર્ફે ટીના છીબુભાઈ હળપતિ (40 રહે. નરોલી બ્રાહ્મણ ફળીયા સેલવાસા)ને રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગણદેવી પીએસઆઇ એસવી આહીરએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેથી કારમાંથી દારૂ ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસમથકની સર્વેલન્સ ટીમને વાલિયાથી અંકલેશ્વર હાંસોટ રોડ પર અર્ટીકા કારમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની હોવાની મળેલી માહિતીના આધારે શહેર પોલીસે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન અર્ટીકા કાર આવતાં પોલીસે તેને રોકી કારમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાલિયાના ડેહલી ગામના અર્ટિકા કારચાલક રીન્કુ રામુ વસાવાની ધરપકડ કરી રૂ.72,900ની કિંમતનો દારૂ તેમજ 5 લાખ રૂપિયાની કિંમતની અર્ટીકા કાર મળી કુલ 5,72,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી રીન્કુ વસાવાની વધુ પૂછપરછ હાથ ધરી છે.