નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) CPEC પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામમાં એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સરકારે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા તમામ ચીની કામદારોને બુલેટ પ્રૂફ કાર (Bullet Proof Car) આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ તમામ કામદારો હવે આઉટડોર પ્રવૃત્તિઓ માટે બુલેટ પ્રૂફ વાહનોનો ઉપયોગ કરી શકશે. જણાવી દઈએ કે CPEC પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની મજૂરો પર આતંકવાદી ખતરો હતો. જેના કારણે ચીન સરકારે ચિંતા વ્યક્ત કરી હતી અને પાકિસ્તાન સરકાર પાસેથી સુરક્ષાની માંગ કરી હતી. હવે પાકિસ્તાન સરકારે ચીનની વિનંતીને પગલે તમામ ચીની કામદારોને બુલેટ પ્રૂફ કાર આપવાનો નિર્ણય લીધો છે.
જુલાઈમાં પાકિસ્તાનમાં 13 ચીની કામદારો માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 13 જુલાઈએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 13 ચીની કામદારો માર્યા ગયા હતા. આ તમામ કામદારો 4320 મેગાવોટના દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ આતંકીઓએ તેમની બસને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. આ પ્રોજેક્ટનું કામ ચીનની એક કંપની પાકિસ્તાનમાં કરી રહી છે. 13 જુલાઈના રોજ થયેલા હુમલા બાદ તેના પર કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, 26 ઓક્ટોબરના રોજ ફરી એકવાર કામ શરૂ કરવામાં આવ્યું હતું.
CPEC પ્રોજેક્ટ શું છે
ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) અરબી સમુદ્ર પર પાકિસ્તાનના ગ્વાદર બંદરને ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાં કાશગર સાથે જોડે છે. ચીને આ યોજનામાં 60 અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું છે. તે ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ (BRI)નો એક ભાગ છે, જે રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઘરેલુ પ્રોજેક્ટ છે. તેના વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ચીની કામદારોની સલામતી સામેના જોખમો મુખ્ય અવરોધ છે. CPECની 11મી સંયુક્ત સહકાર સમિતિ (JCC) ના મુસદ્દા અનુસાર, બંને પક્ષો કાયદા-અમલીકરણ એજન્સીઓ અને તપાસકર્તાઓની ક્ષમતાઓને મજબૂત કરવા પણ સંમત થયા છે એવી જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે.