Columns

આ દેશમાં ચાર પ્રકારના હિંદુઓ છે!

પહેલા પ્રકારના હિંદુઓ અંતર્મુખી છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું? એ પછી પહેલા પ્રશ્નનો ઉપ-પ્રશ્ન આવે છે; મારા જીવનની સાર્થકતા શેમાં છે? આ સનાતન પ્રશ્નો છે. પોતાની જાતને આ પ્રશ્નો માત્ર હિંદુ જ પૂછે છે એવું નથી, સંસારમાં અનેક લોકો આ પ્રશ્ન પોતાની જાતને પૂછી રહ્યા છે જે અલગ અલગ ધર્મમાં વહેંચાયેલા છે. આ પ્રશ્નો ત્યારથી પુછાઈ રહ્યા છે જ્યારે ધર્મોની સ્થાપના પણ નહોતી થઈ. કાંઈક અંશે ધર્મોની રચના જ આ પ્રશ્નોના ઉત્તરરૂપે થઈ છે.

ઉપરના પ્રશ્નોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે; હું કોણ છું અને મારા જીવનની સાર્થકતા શેમાં છે? પછીના બે પ્રશ્નો અગમના પ્રદેશના છે. આ ધરતી ઉપર દરેક જીવ દેહ ધારણ કરીને આવે છે અને દરેક પોતાના સ્વભાવ મુજબ જીવે છે, પણ માનવી એક એવો જીવ છે જે શક્તિશાળી મન ધરાવે છે અને પોતાના હોવાપણા વિષે પ્રશ્ન કરી શકે છે. જે મન ધરાવે અને મનન કરી શકે એ માનવી એમ વ્યાકરણ પણ કહે છે. તો હું કોણ છું અને મારા જીવનની સાર્થકતા શેમાં છે એવો પ્રશ્ન માત્ર માનવી પોતાની જાતને પૂછે છે અને એમાંથી એક ખોજની યાત્રા શરુ થાય છે. માનવયોનીમાં જન્મ લેવો એને દુર્લભ સૌભાગ્ય એટલા માટે કહેવામાં આવે છે કે જીવને પહેલીવાર દેહ ધારણ કર્યા પછી મનન કરવાનો અને પ્રશ્ન પૂછવાનો અવસર મળે છે અને એ અવસર ચૂકી નહીં જવો જોઈએ.

આમ જે માણસ દુર્લભ અવસર ચૂકવા માગતા નથી એ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે મારા જીવનની સાર્થકતા શેમાં છે અને એ સાથે એ આધ્યાત્મિક પ્રદેશમાં પ્રવેશ કરે છે. અહીં આપણે આધ્યાત્મિકતામાં નથી જવું, માત્ર એટલું કહેવું પર્યાપ્ત છે કે તેને જીવ અને શિવ વચ્ચે, વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે, સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે એકત્વનો અને અખંડતાનો અનુભવ થવા લાગે છે. તેનો વિવેક જાગૃત થવા લાગે છે. વેદ અને ઉપનિષદોના ઋષિઓ, બુદ્ધ અને મહાવીર, સાંખ્યદર્શન વિકસાવનારા મુની કપિલ, યોગસુત્ર આપનારા પતંજલિ, વ્યાસ, નરસિંહ-કબીર જેવા મધ્યકાલીન સંતો, રામકૃષ્ણ પરમહંસ વગેરેથી લઈને વિનોબા ભાવે સુધી એવા કંઈ કેટલાય હિંદુઓ થયા.

જેમણે માણસ હોવાનો દુર્લભ અવસર ગુમાવ્યો નહોતો. તેમના જીવનમાર્ગ પર નજર કરશો તો એક ચીજ એક સરખી જોવા મળશે: મનન અને સાધના કરતાં કરતાં તેમનો વિવેક જાગૃત થયો અને તેમાં તેમને એકત્વ અને અખંડતાનો અનુભવ થયો. તેમનું જીવન સાર્થક થઈ ગયું. આ પહેલા પ્રકારના હિંદુ. હિંદુ ધર્મની અને હિંદુ પ્રજાની સાચી ઓળખ આ હિંદુઓએ વિકસાવી છે. આપણી પરંપરાને સમૃદ્ધિ આ લોકોએ આપી.

બીજા પ્રકારના હિંદુ, હિંદુ ધર્મમાં પોતાની ઓળખ શોધે છે. આ પ્રવૃત્તિ બહુ પ્રાચીન નથી. ભારતમાં હિંદુઓ વિધર્મીઓના સંપર્કમાં આવ્યા એ પછી તેમને જોઇને તેમની અંદર આપઓળખનો ભાવ જાગ્યો હતો. ઓળખ બે પ્રકારની હોય છે, બાહ્ય અને આંતરિક. નાત-જાત, ઊંચ-નીચ, છૂત-અછૂત, પહેરવેશ, શિખા અને તિલક, કર્મકાંડ અને રીતિરિવાજ વગેરે બાહ્ય ઓળખો છે. આ બાહ્ય ઓળખ સાથે જોડાયેલી માન્યતાઓને લઈને હિંદુઓ ઉપર પ્રહાર થવા લાગ્યા. પ્રહાર બહારથી પણ થતા હતા અને એક હિંદુ દ્વારા બીજા હિંદુ ઉપર અંદરથી પણ થવા લાગ્યા. જુનવાણી માનસને તેમ જ આંતરિક ભેદભાવને પોષનારી બાહ્ય ઓળખો જ્યારે હિંદુઓ માટે બોજારૂપ બનવા લાગી ત્યારે કેટલાક હિંદુઓના મનમાં પ્રશ્ન જાગ્યો હતો કે આપણે સાત્વિક અને સમૃદ્ધ ઓળખ પણ ધરાવીએ છીએ જેને જગત સમક્ષ રાખવી જોઈએ. જે નજરે પડે છે એ હિંદુઓનું સંવિત્ત નથી, જે હિંદુ સંવિત્ત છે એ નજરે પડવું જોઈએ.

પણ એ સંવિત્ત છે ક્યાં? એને શોધવું અને ઓળખવું કેવી રીતે? અને ત્રીજો પ્રશ્ન એને રજૂ કેવી રીતે કરવું? રાજારામમોહન રોયથી લઈને કહો કે કનૈયાલાલ મુનશી સુધીના લોકોએ ટકોરાબંધ હિંદુ સંવિત્તને ઓળખવાનો, તેને પામવાનો, તેને ઘૂંટવાનો (એનરિચ્ડ) અને તેને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જે નજરે પડી રહી છે એ સાચી હિંદુ ઓળખ નથી, સાચી હિંદુ ઓળખ આ છે એમ તેઓ સિદ્ધ કરવા માગતા હતા. આ આપઓળખની મથામણ જેવીતેવી નહોતી. એમાં અનેક રંગો હતા. દરેકે પોતપોતાની રીતે મથામણ કરી હતી. તેઓ આપસમાં લડ્યા-ઝઘડ્યા હતા. વળી આ મથામણ આઝાદી પહેલાં દોઢસો વરસથી ચાલતી હતી અને હજુ પણ ચાલે છે એટલે અનુગામીઓ પુરોગામીઓના સંદર્ભ લઈને આગળ વધતા હતા અને વધે છે.

લાંબી મથામણ પછી ટકોરાબંધ હિંદુ સંવિત્ત શોધનારાઓને એક વાત સમજાઈ ગઈ હતી અને બધાની વચ્ચે લગભગ સર્વસંમતી બની હતી કે એ સંવિત્ત માનવીય હોવું જોઈએ અને નિર્વિરોધી હોવું જોઈએ. બન્ને શબ્દો માર્ક કરો: એ માનવીય હોવું જોઈએ અને નિર્વિરોધી હોવું જોઈએ. તો જ તો એને સંવિત્ત કહેવાય. સાત્વિક હિંદુ ઓળખને ઓળખવામાં, વાચા આપવામાં અને વિકસાવવામાં સૌથી મોટો ફાળો સ્વામી વિવેકાનંદનો હતો. દલિતોને અને સ્ત્રીઓને અન્યાય કરો અને પાછા હિંદુ તરીકે ગર્વ લો એ ન ચાલે.

પોતાના વાડા રચો અને બીજાને પોતાના વાડામાં પ્રવેશવા ન દો એ ન ચાલે. પોતાને ઊંચા અને મહાન ગણો અને બીજાને નીચા ગણો એ ન ચાલે. બીજાને ન સાંભળો અને પોતે જ મહાન એ ન ચાલે. પોતાને માનવતાવાદી હિંદુ તરીકે ઓળખાવો અને પોતાનો સ્વાર્થ સાધવા શાસ્ત્રોક્ત પ્રમાણોનો ઉપયોગ કરો એ ન ચાલે. ટૂંકમાં કેટલાક લોકોએ નરવા હિંદુની નરવી ઓળખ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પાયામાં માનવીયતા અને નિર્વિરોધ હતાં. આ પ્રયાસ આજે પણ ચાલી રહ્યો છે.

આવો પ્રયાસ કરનારા હિંદુઓની સ્થિતિ આજે દયાજનક બની ગઈ છે. હિંદુ ઓળખનું રાજકારણ કરનારા હિંદુઓ તેમને પોતાના ચોકઠામાં ફીટ કરવાનો પ્રયાસ કરે છે. અંગ્રેજીમાં એને એપ્રોપ્રિએશન કહેવામાં આવે છે. વિવેકાનંદ અને સરદાર પટેલને પોતાની જરૂરિયાત મુજબ હિંદુ કોમવાદીઓ ચારે કોરથી વેતરી રહ્યા છે. બીજાની સાથે પણ એવું થઈ રહ્યું છે અને નથી થતું તો હવે થશે. જેઓ હિંદુ ધર્મની નિંદા કરી રહ્યા છે (ખાસ કરીને દલિતો) એવા લોકો નરવી હિંદુ ઓળખ વિકસાવવા માટે અને સ્થાપવા માટે મથામણ કરી રહેલાઓને નકલી માનવતાવવાદી હિંદુ તરીકે ઓળખાવી રહ્યા છે. તેઓ માનવતાનું મહોરું ધારણ કરીને અન્યાયી સનાતન હિંદુ ધર્મનો બચાવ કરી રહ્યા છે એમ કહેવામાં આવે છે.

અંગ્રેજીમાં એને એપોલોજીસ્ટ કહે છે. હિંદુ હિંદુ છે એટલે તેનામાં કોઈ દા’ડો કોઈ ઉણપ હોઈ શકે જ નહીં એમ માનનારા ચુસ્ત સનાતની હિંદુઓ માનવીય-નિર્વિરોધી નરવા હિંદુને ઘડવા માગનારાઓની ઉપેક્ષા કરે છે. તેમને તેમના મિશનમાં કોઈ રસ જ નથી. જે માનવીય-નિર્વિરોધી નરવા હિંદુને ઘડવા માગે છે એ પોતે અજાણતા અને તેમનાં મિશનના સહકારીઓ મોટાભાગે જાણીબૂજીને રેખા ઓળંગે છે અને કવચિત ભટકી પડે છે, કારણ કે ભેદરેખા બહુ પાતળી છે. માનવતાવાદીઓ કહે છે કે જો તમારી આરાધના આખરે માનવીય અને નિર્વિરોધી હિંદુ ઘડવા માટેની જ છે તો પછી અખંડ માનવ જ શા માટે ન ઘડવો? ઉપનિષદોના ઋષિઓથી લઈને રામકૃષ્ણ પરમહંસ જેવા લોકોએ આ જ તો શીખવ્યું છે. આમ તેઓ રસપૂર્વક તેમ જ રમૂજપૂર્વક ઉપેક્ષા કરે છે.

હું હવે એમ માનતો થયો છું કે આજના યુગમાં નરવા હિંદુની ઓળખ ઘડવા માગનારાઓની પડખે માનવતાવાદીઓએ ઊભા રહેવું જોઈએ. તેમની હિંદુ અસ્મિતા જો માનવીય નિર્વિરોધી અને નરવી હોય તો અત્યારે એટલું પુરતું છે. માનવ બનવા માટે હિંદુ મટી જવું જરૂરી નથી. ગાંધીજી આનું ઉદાહરણ છે. અસ્મિતા કોઈ દહાડો નિર્વિરોધી ન હોઈ શકે એવી દાર્શનિક દલીલને વચ્ચે લાવવાની જરૂર નથી. જો માનવતાવાદીઓ તેમની પડખે ઊભા નહીં રહે તો હિંદુ કોમવાદીઓ તેમને હાઈજેક કરી જશે.

ત્રીજા પ્રકારના હિંદુ રાજકીય છે. તેમને હિંદુ ધર્મ, હિંદુ દર્શન, હિંદુ પરંપરા, હિંદુ સંસ્કૃતિ વગેરેમાં કોઈ રસ નથી. એ લોકોની એમાં કોઈ ગતી પણ નથી. વિનાયક દામોદર સાવરકરે રાજકીય હિંદુની કલ્પના કરી હતી અને ઘાટ ઘડ્યો હતો. પ્રમાણ જોઈએ છે? આ રહ્યું. કોઈ હિન્દુત્વવાદીને ઊભો રાખીને તેની સાથે હિંદુ દર્શન, શ્રમણ બ્રાહ્મણ પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓનો વારસો, ભારતીય સંસ્કૃતિ વગેરેની વાત શરુ કરો એ મૂંગો રહેશે, પણ જો મુસલમાનોની વાત કાઢશો તો તેને મૂંગો રાખવો મુશ્કેલ બનશે. મિથ્યાભિમાન અને મિથ્યાભય રાજકીય હિંદુઓનો સ્વભાવધર્મ છે અને રાજકીય હિન્દુને ઘડવા માટેનું રસાયણ છે. માટે તેઓ સૌથી વધુ રસ ઇતિહાસમાં લે છે. ઔરંગઝેબનું નામ સાંભળીને તે ડરે છે, ઔરંગઝેબના સાચાખોટા જુલ્મો યાદ કરીને તે રડે છે અને હિંદુ દ્વારા ઔરંગઝેબનું મર્દન કરવાનાં તે સપનાં જુએ છે. બાકી દર્શન ફર્શનમાં તેને કોઈ રસ નથી.

ચોથા પ્રકારના હિંદુ જુલ્મી છે. ચોંકી ગયા? પણ ચોંકવાની જરૂર નથી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ડૉ. ભીમરાવ આંબેડકર, રામસ્વામી પેરિયાર, કાંશીરામ વગેરે બહુજન સમાજના અને દલિત નેતાઓ જ્ઞાતિગ્રસ્ત હિંદુને જુલ્મી તરીકે ઓળખાવે છે. તેમના મતે સરેરાશ હિંદુ જ્ઞાતિમુક્ત હોઈ શકે જ નહીં અને હિંદુ જો જ્ઞાતિગ્રસ્ત હોય તો તે માણસ ન હોઈ શકે. જ્ઞાતિ અને માણસાઈ પરસ્પર વિરોધી છે. માટે તેઓ નરવી માનવીય અને નિર્વિરોધી હિંદુ અસ્મિતાના પુરસ્કર્તાઓને ઢોંગી એપોલોજીસ્ટ તરીકે ઓળખાવે છે. હવે તમે જો હિંદુ હો તો વિચારો કે તમે આ ચાર પ્રકારના હિંદુઓમાંથી કયા પ્રકારના હિંદુ છો?

Most Popular

To Top