SURAT

હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકીયા બન્યા કથાકાર, ઋષિકેશમાં કથા વાંચી

સુરત: 6000 કરોડનું એમ્પાયર ધરાવનાર જાણીતી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ (Diamond Manufacturing) અને એક્સપોર્ટર કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK)નાં માલિકો પૈકીના એક એવા હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાએ ઋષિકેશમાં 8 દિવસ ભાગવત કથાનું (Bhagavata Katha) વાંચન કર્યુ હતું. આ સાથે જ સુરતના હીરાના મોટા ગજાના વેપારી ગોવિંદ ધોળકીયા કથાકાર બની ગયા હતા.

ડાયમંડ કંપનીએ ચાર્ટર્ડ ટ્રેન દ્વારા 1200 લોકોને ઋષિકેશની યાત્રા કરાવી હતી. આ યાત્રા ખાસ એટલા માટે હતી કારણ કે, ‘એસઆરકે કંપનીના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ યાત્રાના 8 દિવસ દરમિયાન ડોંગરેજી મહારાજની ભાગવત કથાનું વાંચન કર્યુ હતું. કથાના વાંચનની સાથે સાથે તેમની સાથે જીવનમાં બનેલી વિવિધ મોટીવેશનલ ઘટનાઓ પણ શ્રાવકને સંભળાવી હતી. ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘કર્મચારીઓમાં એક બીજા પ્રત્યે પરિવારની ભાવના અને પ્રેમ વધે તે માટે અમે આ યાત્રાનું આયોજન કર્યુ હતું. સાથે સાથે ડોંગરેજી મહારાજની ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ખાસ કરીને પરિવારના સભ્યોમાં પારિવારીક ભાવના અને પ્રેમ વધે તે માટે દર બે વર્ષે એસઆરકે એક્સપોર્ટ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ઋષિકેશની યાત્રા માત્ર યાત્રા નહીં પરંતુ મનોરંજન સાથે સ્વવિકાસ થાય તે માટે વિવિધ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રંગોળી સ્પર્ધા, આતશબાજી કાર્યક્રમ, યોગ કાર્યક્રમ, પતંજલી આશ્રમની મુલાકાત, બ્લડ ડોનેશન કેમ્પ, સમૂહ ગેમ ફંક્શન, ક્રિકેટ-વોલીબોલ ટુર્નામેન્ટ, દાંડિયા-રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 4 નવેમ્બરના રોજ આ ગંગે એક્સપ્રેસ સુરત સ્ટેશન પરત પહોંચી હતી અને હર્ષભેર યાત્રા પૂર્ણ થઈ હતી.

ઉત્તરાખંડ મહિલા આયોગના અઘ્યક્ષ પણ સફાઈ અભિયાનમાં જોડાયા…
એસઆરકેનાં ગંગા ઘાટ સફાઈ અભિયાનમાં ઉત્તરાખંડ મહિલા આયોગના અઘ્યક્ષ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. ગંગાઘાટ, ગંગાકિનારા અને ગલીઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, 200થી વધારે બ્લડની બોટલ એકત્ર થઈ કેમ્પનું આયોજન કરાયું છે.

Most Popular

To Top