એડિલેડ : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં આજે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પોતાની અંતિમ મેચ હાર્યા પછી અફઘાનિસ્તાનના (Afghanistan) સુકાની મહંમહ નબીએ કેપ્ટનપદેથી રાજીનામું (Resignation) આપી દીધું છે. તેણે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટીમની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાને ટી-20 વર્લ્ડ કપ 2022ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 વર્લ્ડ કપની 8મી આવૃત્તિમાં અફઘાનિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી.
- મહંમહ નબીએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખીને કેપ્ટનપદેથી રાજીનામાની જાહેરાત કરી
- ટીમ મેનેજમેન્જ, પસંદગી સમિતિ વચ્ચે સહમતિ ન હોવાથી ટીમ સંતુલન પર અસર પડ્યાનો પણ નબીએ ઊભરો ઠાલવ્યો
- નબીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે અમારી ટી-20 વર્લ્ડકપની સફર પૂરી થઈ ગઈ છે
નબીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે અમારી ટી-20 વર્લ્ડકપની સફર પૂરી થઈ ગઈ છે. અમને જે પરિણામ મળ્યું તેની અમને કે અમારા સમર્થકોને અપેક્ષા નહોતી. મેચોના પરિણામથી તમે જેટલા જ નિરાશ છો તેટલા જ અમે પણ નિરાશ છીએ. છેલ્લા એક વર્ષથી અમારી ટીમની તૈયારી એ લેવલ સુધીની નહોતી કે જે કોઈ કેપ્ટનને કોઈ મોટી ટૂર્નામેન્ટ માટે જોઈતી હોય અથવા જોઈતી હોય. ઉપરાંત, છેલ્લા કેટલાક પ્રવાસોમાં ટીમ મેનેજમેન્ટ, પસંદગી સમિતિ એકમત ન રહેવાના કારણે ટીમના સંતુલન પર અસર પડી હતી. તેથી, યોગ્ય સન્માન સાથે હું સુકાની પદ છોડવાની જાહેરાત કરું છું અને જ્યારે મેનેજમેન્ટ અને ટીમને મારી જરૂર પડશે ત્યારે હું મારા દેશ માટે રમવાનું ચાલુ રાખીશ. તેણે આગળ લખ્યું હતું કે હું તમારા દરેકનો હૃદયના ઉંડાણેથી આભાર માનું છું કે જેઓ વરસાદથી પ્રભાવિત હોવા છતાં મેદાનમાં આવ્યા અને જેમણે સમગ્ર વિશ્વમાં અમને ટેકો આપ્યો, તમારો પ્રેમ ખરેખર અમારા માટે ઘણો અર્થપૂર્ણ છે.